સાટોડી (પુનર્નવા)

January, 2008

સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે : (1) B. verticillata (વખખાપરો, મોટો વસેડો, ઓરલોગોરલો) વેલા જેવી જાતિ છે. તેની શાખાઓ જાંબુડી છાયાવાળી હોય છે. મૂળ લાંબું અને જાડું હોય છે. મૂળની છાલ ભૂરા પીળા રંગની હોય છે. પર્ણદંડ સફેદ, જાંબુડી છાયા લેતો જોવા મળે છે. પર્ણો સંમુખ એક જોડી પર્ણમાં એક પર્ણ મોટું અને બીજું નાનું હોય છે. પુષ્પો સૂક્ષ્મ, ફીકાં સફેદ અથવા આછાં ગુલાબી હોય છે. (2) B. repens (નાનો વસેડો, વસેડી, પુનર્નવા, રાતો વસેડો) 30 સેમી.થી 3 મી. લાંબી, રાતા રંગની જાતિ છે. તેનાં પર્ણો લાંબાં કે ગોટકડાં, પહોળાં, અણીવાળાં અને ગોળ હોય છે. ઉપરની સપાટી ઘેરી લીલા અથવા લાલ રંગની અને નીચેની સપાટી આછી સફેદ કે રતાશવાળી હોય છે. પુષ્પો સૂક્ષ્મ અને ઘેરા ગુલાબી રંગનાં હોય છે. (3) B. chinensis syn. B. repanda (વસેડો, પુનર્નવા) મોટા વસેડા જેવા વેલા ધરાવે છે; પરંતુ તેના કરતાં આછા રંગના હોય છે. તેનાં પર્ણો જાડાં, બટકણાં, ફીકા લીલા રંગનાં અને ત્રિકોણાકાર હોય છે. પર્ણકિનારી તરંગિત અને પુષ્પો મોટા વસેડા જેવાં હોય છે.

સાટોડી એક અત્યંત પરિવર્તી (variable), બહુશાખી, રોમિલ કે અરોમિલ ભૂપ્રસારી શાકીય વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં ઉકરડામાં કે રસ્તાની બાજુએ અપતૃણ તરીકે થાય છે. હિમાલયમાં તે 2,000 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં કેટલાક પ્રમાણમાં તેનું વાવેતર થાય છે. મૂળવૃંત (root-stock) મજબૂત, ત્રાકાકાર અને કાષ્ઠમય હોય છે. પ્રકાંડ ભૂપ્રસારી, ઘણી વાર જાંબલી રંગનાં અને ગાંઠેથી ફૂલેલાં અને 1.2 મી. જેટલાં લાંબાં હોય છે. પર્ણો લાંબા પર્ણદંડયુક્ત, અંડાકાર કે લંબચોરસ-હૃદયાકાર (oblong-cordate), અખંડિત કે તરંગિત હોય છે. તેમની ઉપરની સપાટી લીલા રંગની અને નીચેની સામાન્યત: લીસી અને સફેદ હોય છે. પુષ્પો લાલ, ગુલાબી કે સફેદ હોય છે અને કક્ષીય કે અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ-(panicle)માં છત્રક(umbel)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળો અંડાકાર, લંબચોરસ, રોમિલ, પાંચ ખાંચવાળાં, શ્યાન (viscid) અને ગ્રંથિમય એન્થોકાર્પ(anthocarp)વાળાં હોય છે.

­­

આકૃતિ 1 : સાટોડી (Boerhavia diffusa)ની પુષ્પો અને ફળોવાળી શાખા

તાજી કે સૂકી સમગ્ર વનસ્પતિ પુનર્નવા ઔષધનો સ્રોત છે અને ભારતીય ઔષધકોશમાં ‘મૂત્રલ’ (diuretic) તરીકે અધિકૃત ગણાય છે. મૂળ, પર્ણો અને પુષ્પો પ્રકાંડ કરતાં વધારે શક્તિમાન (potent) ગણાય છે. તેની બે મુખ્ય જાતો છે : (1) સફેદ પુષ્પોવાળી જાત, શ્વેત પુનર્નવા; (2) લાલ પુષ્પોવાળી જાત, રક્તપુનર્નવા. બજારની પુનર્નવામાં Trianthema portulacastrum Linn syn. T. monogyna Linn.(ઘણી વાર તેને પણ શ્વેત પુનર્નવા કહે છે.)નું અપમિશ્રણ કરવામાં આવે છે. પુનર્નવાની સાચી ઓળખ વિશે ઉપર્યુક્ત અપમિશ્રક વનસ્પતિને કારણે અસ્પષ્ટતા રહી છે; પરંતુ હવે આ બંને વનસ્પતિઓ જુદાં જુદાં આયુર્વેદિક ઔષધો(પુનર્નવા અને વર્ષાભુ)નો સ્રોત સાબિત થઈ છે; જેમની ચિકિત્સીય (therapeutic) અસરો સંભવત: સરખી છે.

પુનર્નવા મૂત્રલ અને પ્રતિશોથજ (anti-inflammatory) ગુણધર્મો ધરાવે છે. ચોમાસામાં એકત્રિત કરેલા નમૂનાઓમાં આ ગુણો મહત્તમપણે સક્રિય હોય છે. આ બંને ગુણોના સંયોજનથી પુનર્નવા મૂત્રપિંડના શોથજ રોગોની અને અપવૃક્કીય સંલક્ષણ (nephrotic syndrome) જેવા રોગોની ચિકિત્સામાં અત્યંત ઉપયોગી ઔષધ ગણાય છે. તે પોષણ-ઔષધ (maintenance drug) તરીકે ખાસ ઉપયોગી છે. યકૃતના પ્રારંભિક સિરોસિસ (cirrhosis) અને દીર્ઘકાલીન પર્યુદર્યાશોથ(chronic peritonitis)ને પરિણામે ઉદ્ભવતા શોફ (oedema) અને જલોદર(ascites)ના કિસ્સાઓમાં તે અસરકારક છે. ઉદરીય અર્બુદ (abdominal tumors) અને કૅન્સરમાં પણ તે અસરકારક હોવાનું જણાયું છે. તે પ્રતિજીવાણુક (antibacterial) અને હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મો ધરાવે છે. ઔષધમાં ક્વિનોલિઝિડિન આલ્કેલૉઇડ, પુનર્નેવિન 1 અને 2 ઉપરાંત, બે નહિ ઓળખાયેલાં આલ્કેલૉઇડ, પોટૅશિયમના ક્ષાર (6.5 %) મેદીય તેલ હોય છે. ઔષધમાં હાઇપોઝેન્થિન-9-L-(એરેબિનોફ્યુરેનોસાઇડ પણ માલૂમ પડ્યું છે; જે પ્રાણીઓ અને મનુષ્યના સિરમમાં યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડે છે. તે પ્રાયોગિક પ્રાણીઓમાં અયનમક (depressor) અને નકારાત્મક કાલાનુવર્તી (chronotropic) અસરો ઉત્પન્ન કરે છે. ઔષધ રક્તવર્ધક (haematinic) અને વૃદ્ધિપ્રેરક તરીકે બાળકોને આપવામાં આવે છે. તે કુલ ઑક્સેલેટ (3.6 %), દ્રાવ્ય ઑક્સેલેટ (0.5 %), માયરીસિલ આલ્કોહૉલ, મિરિસ્ટિક ઍસિડ, D-ગ્લુકોઝ, એક નહિ ઓળખાયેલ ઍસિડ (C10H18O3, ગલનબિંદુ 108°109° સે.), એક પૉલિસૅકેરાઇડ અને પુનર્નેવોસાઇડ ધરાવે છે. પુનર્નેવોસાઇડ ફાઇબ્રિનલયનરોધી (antifibrinolytic) સક્રિયતા દર્શાવે છે.

મૂળમાં આલ્કેલૉઇડ (0.05 %), ટ્રાઇઍકોન્ટેનોલ હેન્ટ્રાઇઍકોન્ટેન, β-સિટોસ્ટૅરોલ, અર્સોલિક ઍસિડ, 5, 7-ડાઇહાઇડ્રૉક્સિ-3, 4-ડાઇમિથૉક્સિ-6, 8-ડાઇ મિથાઇલ ફ્લેવોન અને એક નહિ ઓળખાયેલ કિટોન (ગલનબિંદુ, 86° સે.) હોય છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ અને હાઇપોઝેન્થિન9Lએરેબિનોસાઇડની હાજરી પણ જણાઈ છે. મૂળમાં કીટકના રૂપાંતરણ સાથે સંકળાયેલો અંત:સ્રાવ, β-ઍક્ડાઇસોન હોય છે. મૂત્રલ પ્રક્રિયા β-ઍક્ડાઇસોનને આભારી છે. મૂળમાંથી ગોળ અને નલિકાકાર વાઇરસો સામે સક્રિય પ્રતિ-વાઇરસ (anti-viral) પ્રક્રિયક મૂળમાંથી અલગ તારવવામાં આવ્યો છે; જે વનસ્પતિઓમાં સર્વાંગી (systemic) અવરોધ પ્રેરે છે. મૂળ પ્રતિઆક્ષેપક (anti-convulsant), જ્વરરોધી (analgesic), રેચક (laxative), મૂત્રલ અને કફોત્સારક (expectorant) ગુણધર્મો ધરાવે છે. મૂળનો (50 %) ઇથેનોલીય નિષ્કર્ષ મોં દ્વારા વાંદરાઓને (50 મિગ્રા./કિગ્રા. શરીરનું વજનના દરે) આપતાં અંત:ગર્ભાશય (intra-uterine)-નિરોધક સાધન પ્રેરિત રક્તસ્રાવને અટકાવે છે.

આકૃતિ 2 : સાટોડીનાં મૂળ

પર્ણોનો રસ નેત્રશોથ(ophthalmia)માં લોશન તરીકે, રક્તશુદ્ધિકારક તરીકે અને સ્નાયુના દુખાવામાં ઉપયોગી છે. તે પ્રસૂતિ ઝડપી કરવામાં મદદ કરે છે.

આયુર્વેદમાં સોજાનાં દર્દ મટાડનારી તે ખૂબ મહત્ત્વની ઔષધિ ગણાય છે. સફેદ સાટોડી સૌમ્ય હોઈ તેના પાનની ભાજી કરી લોકો ખાય છે. લાલ સાટોડી (સાટોડો) ગરમ તાસીરની અને તીક્ષ્ણ હોય છે.

આયુર્વેદ અનુસાર, સફેદ સાટોડી સ્વાદે તીખી, તૂરી, કડવી, મધુર, રુચિકર, ખારી, ગુણમાં ગરમ, રુક્ષ, અગ્નિદીપક, સારક અને હૃદ્ય છે. તે ઉષ્ણવીર્ય, મધુર વિપાકી અને ત્રિદોષહર છે. તે ઉત્તમ સોજાનાશક, દીપન, અનુલોમક, રેચક અને મોટી માત્રામાં ઊલટી કરાવનાર છે. તે રક્તવર્ધક, મૂત્રજનન, સ્વેદજનન અને રસાયન છે. તે વાયુ, કફ, સોજા, ઉધરસ, હરસ, વ્રણ, પાંડુ, વિષદોષ, શૂળ, તાવ અને કોઢનાશક છે. તે રક્તનું દબાણ વધારે છે. તેનાં બીજ વૃષ્ય છે. લાલ સાટોડી કડવી, સારક અને ગરમ છે. તે સોજા, પાંડુ, રક્તપ્રદર (લોહીવા) અને પિત્તનો નાશ કરે છે. નીલ પુનર્નવા કડવી, તીખી, ઉષ્ણ અને રસાયન છે તેમજ હૃદ્રોગ, પાંડુ, સોજો, શ્વાસ, વાત અને કફનો નાશ કરે છે.

ઉપયોગો : (1) સોજા : સાટોડીનાં પર્ણો કે પંચાંગનો રસ 25થી 30 મિલી. કાઢી મધ નાખી સવાર-સાંજ પિવડાવાય છે અને તે રસ સોજા પર ચોપડવામાં આવે છે અથવા સાટોડીનાં પર્ણો, દેવદાર, સૂંઠ અને વાળાનો ઉકાળો (પુનર્નવાદિ ક્વાથ) કરી, તેમાં મધ કે ગોમૂત્ર ઉમેરી દર્દીને સવાર-સાંજ આપવામાં આવે છે. (2) શીઘ્ર પ્રસવ માટે સાટોડીનું તાજું મૂળ લાવી, સાફ કરી, પ્રસવ-તત્પર સ્ત્રીને કમરે બાંધવાથી ઝડપથી સુખપ્રસવ થાય છે. (3) સર્વાંગ સોજા, ઉદરરોગ, પાંડુ, કફદોષ અને મેદ મટાડવા સાટોડી, લીમડો, કડવાં પરવળ, સૂંઠ, કડુ, દારુહળદર, ગળો અને હીમજનો ઉકાળો કરી મધ કે જૂનો ગોળ ઉમેરી દિવસમાં બે વાર અપાય છે. (4) આંખના ફૂલા માટે સફેદ સાટોડીનું મૂળ મધ કે ઘીમાં ઘસીને આંખમાં આંજવામાં આવે છે. (5) રતાંધતા અને નેત્રપડળ દૂર કરવા સાટોડીનાં મૂળ પાણી કે કાંજી અથવા લીંબુના રસમાં ઘસીને રોજ આંખમાં આંજવામાં આવે છે. (6) શોફોદર અને સોજા પર સફેદ સાટોડીનાં મૂળનો કાઢો બનાવી પિવડાવાય છે અને સોજા પર લેપ કરાય છે અથવા સાટોડી અને સૂંઠનો કલ્ક કરી પિવડાવવામાં આવે છે. (7) રક્તાર્શ ઉપર સાટોડીનાં મૂળ હળદરના કાઢામાં આપવામાં આવે છે. (8) ગુલ્મરોગ અને પ્લીહા ઉપર સાટોડીના પંચાંગનું ચૂર્ણ ગોમૂત્ર અને સિંધવમાં અપાય છે. (9) કમળી ઉપર સાટોડીના પંચાંગનું ચૂર્ણ મધ અને સાકરમાં આપવામાં આવે છે અથવા કાઢો કરીને કે રસ કાઢીને પિવડાવાય છે. (10) રોગ ન થવા માટે સાટોડીનું પંચાંગ દૂધ અને સાકરમાં આપવામાં આવે છે. (11) મસ્તકરોગ અને જ્વરરોગમાં સાટોડીનું પંચાંગ ઘી અને મધમાં આપવામાં આવે છે. (12) વીંછીના વિષ પર સફેદ સાટોડીનાં મૂળ ચાવીને ખાવાથી વીંછીનું વિષ ઊતરે છે અથવા સાટોડીનાં મૂળ ઘસી લેપ કરવામાં આવે છે. (13) દંતરોગ ઉપર સાટોડીનાં મૂળ, લોધર અને ફુલાવેલી ફટકડીનું પાણી કરી તેના કોગળા કરવામાં આવે છે. (14) અંતવિદ્રધિ ઉપર સાટોડીનાં મૂળ અને વાયવરણાની છાલનો કાઢો કરી પિવડાવાય છે. (15) અમ્લપિત્ત ઉપર રોજ સવારે સફેદ સાટોડીનાં તાજાં બે મૂળ ચાવી ખાવામાં આવે છે. તે પછી બે પહોર બાદ ખોરાક લઈ શકાય છે. આ રીતે 14 દિવસ કરવામાં આવે છે. (16) ગુલ્મ અને જળોદર ઉપર સફેદ સાટોડીનાં મૂળ સમભાગે સિંધવ નાખી વાટી તેનો કલ્ક કરી તેમાં ઘી નાખવામાં આવે છે, જે ગુલ્મ ઉપર આપવામાં આવે છે તથા મધ નાખી જળોદર પર આપવામાં આવે છે અથવા જળોદર ઉપર સફેદ સાટોડીનાં મૂળનું ચૂર્ણ મધમાં ખવડાવવામાં આવે છે. (17) સાટોડીમાં અન્ય ઔષધો ઉમેરી પુનર્નવા તેલ અને પુનર્નવાદિ ઘૃત બનાવવામાં આવે છે.

સાટોડીનાં મૂળ સહિત છોડ શાકભાજી સ્વરૂપે કઢી અને સૂપમાં ઉમેરી ખાઈ શકાય છે. તેનાં મૂળ અને ધાન્ય કે અન્ય ખોરાક સાથે ઉમેરવામાં આવે છે. તે પક્ષીઓ, ઘેટાં અને બકરાંનો સ્વાદિષ્ટ ખોરાક છે. પશ્ચિમ બંગાળમાં દૂધનું ઉત્પાદન વધારવા દુધાળી ગાયોને તે આપવામાં આવે છે. તેનાં પર્ણોનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 84.5 %, પ્રોટીન 6.1 %, લિપિડ 0.9 %, કાર્બોદિતો 7.2 %, ખનિજદ્રવ્ય 1.3 %, કૅલ્શિયમ 667.0 મિગ્રા., ફૉસ્ફરસ 99.0 મિગ્રા., આયર્ન 18.4 મિગ્રા., વિટામિન ‘સી’ 27 મિગ્રા./100 અને ઊર્જા 61 કિ. કૅલરી/100 ગ્રા.. છોડમાં કુલ ઍમિનોઍસિડનું પ્રમાણ 9.43 % અને મૂળમાં 11.54 % હોય છે. તેઓમાં વિવિધ ઍમિનોઍસિડોનું બંધારણ અનુક્રમે આ પ્રમાણે છે : ઍલેનિન 0.88 %, 1.18 %; આર્જિનિન 0.47 %, 0.75 %; ઍસ્પાર્ટિક ઍસિડ 0.69 %, 0.95 %; ગ્લુટામિક ઍસિડ 1.1 %, 1.45 %; લ્યુસિન 0.67 %, 0.88 %; મિથિયોનિન 0.41 %, 0.45 %; ઓર્નિથિન 0.67 %, 0.96; ફિનિલ ઍલેનિન 0.52 %, 0.71 %; પ્રોલિન 0.35 %, 0.5 %; સૅરાઇન 0.73 %, 0.85; થ્રિયોનિન 0.72 %, 0.79 %; ટ્રિપ્ટોફેન 0.53 %, 0.65 %; ટાયરોસિન 0.61 %, 0.72 %; ઍસ્પરજિન 0.33 %, 0.0 %; ગ્લાયસિન 0.75 %, 0.0 %; અને વૅલાઇન 0.0 %, 0.75 %.

તૃણભૂમિઓ, ખેતરો અને ફળોદ્યાનોમાં સાટોડી એક ખૂબ સામાન્ય અપતૃણ છે. તેનાં ચીકણાં ફળોનું પ્રાણીઓ અને મનુષ્ય દ્વારા વિકિરણ થાય છે. તેનો નાશ ઊંડું ખેડવાથી કે ફનૉર્ક્સોન અથવા 2, 4D (2, 4-ડાઇક્લોરો-ફિનૉક્સીઍસેટિક-ઍસિડ)ના છંટકાવ દ્વારા કરવામાં આવે છે.

સાટોડીની ભારતમાં 6 જેટલી જાતિઓ થાય છે. સાટોડી સિવાયની અન્ય જાતિઓમાં B. erecta Linn. syn. B. punarnava Shah & Krishn. અને B. rubicunda Steub. syn. B. elegans Choisyનો સમાવેશ થાય છે.

 બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ