સાટો, ઐસાકુ (જ. 27 માર્ચ 1901, ટાબુસે, યામાગુચિ જિલ્લો, જાપાન; અ. 3 જૂન 1975, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનના પ્રધાનમંત્રી, વૈશ્ર્વિક સ્તર પર એક મહત્ત્વના રાષ્ટ્ર તરીકે જાપાનના રાજકીય પુનરુત્થાનના નેતા તથા ન્યૂક્લિયર શસ્ત્રોના પ્રસાર પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર જાપાન દ્વારા સહીસિક્કા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને તે માટે 1974નું વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર સહવિજેતા. 1924માં ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે જાપાનની રેલસેવાઓમાં નોકરી સ્વીકારી; જ્યાં 1941માં તેના બ્યૂરો ઑવ્ કન્ટ્રોલના વડા તથા 1948માં વાહનવ્યવહાર વિભાગના ઉપમંત્રી બન્યા. તે જ વર્ષે તેમણે જાપાનની લિબરલ પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું તથા 1949માં સંસદના સભ્ય ચૂંટાયા. 1952માં બાંધકામ-ખાતાના મંત્રી

ઐસાકુ સાટો

બન્યા બાદ એક વર્ષ પછી 1953માં તેમના રાજકીય પક્ષના મહામંત્રી બનવાથી મંત્રી-પરિષદમાંથી રાજીનામું આપ્યું. સમયાંતરે જાપાનના બે રાજકીય પક્ષો-લિબરલ પાર્ટી અને ડેમોક્રૅટિક પાર્ટી-નું વિલીનીકરણ થતાં તેઓ નવા પક્ષ લિબરલ-ડેમોક્રૅટિક પક્ષના અગ્રણી નેતા બન્યા. વીસમી સદીના છઠ્ઠા દાયકામાં તેઓ તેમના મોટા ભાઈ અને તેમના રાજકીય ઘડવૈયા કિશિ નોબુસુકેના મંત્રીમંડળમાં નાણામંત્રી રહ્યા. 1960માં ઇકેડા હયાટો દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમના મંત્રીમંડળમાં પણ સાટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1964માં ઇકેડાએ પ્રધાનમંત્રી-પદનું રાજીનામું આપ્યા બાદ તેના અનુગામી તરીકે સાટો ઐસાકુની વરણી થઈ. તેમના કાર્યકાળ (1964-72) દરમિયાન જાપાને ઝડપી આર્થિક પ્રગતિ કરી, એશિયાના દેશો સાથેના જાપાનના સંબંધોમાં સુધારો થયો. ખાસ કરીને દક્ષિણ કોરિયા સાથેના સંબંધો સામાન્ય બનાવવા માટે તેમણે 1965માં સઘન પ્રયાસો કર્યા. 1969માં તેમણે અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિક્સન (19131-994) સાથે સંધિ કરી રિયુક્યુ ટાપુઓ ભવિષ્યમાં જાપાનને મળે તેવી બાંયધરી મેળવી. તેવી જ રીતે જાપાનમાંથી બધાં જ આણ્વિક શસ્ત્રો હઠાવી લેવા તથા અમેરિકા સાથે 1951માં કરેલ સુરક્ષા કરારનો સાતત્યથી અમલ કરવા તેઓ રાજી થયા હતા. ઓકિનાવા ટાપુ પર જાપાનનું સ્વામિત્વ પુન:સ્થાપિત કરવામાં તેમને સફળતા મળી હતી, છતાં અમેરિકાની લશ્કરની ટુકડીઓને ઓકિનાવા-જિમા ખાતે રહેવાની તેમણે મંજૂરી આપી, જેના માટે તેઓ સખત ટીકાને પાત્ર બન્યા હતા.

જાપાનની ચીજવસ્તુઓ માટે યુરોપ અને સોવિયેત સંઘમાં બજાર શોધવાના તેમણે પ્રયાસ કર્યા, પરંતુ અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિક્સન ફેબ્રુઆરી, 1972માં ચીનની મુલાકાતે ગયા બાદ સાટોની લોકપ્રિયતામાં જોરદાર ઘટાડો થયો. જૂન, 1972માં તેમણે પ્રધાનમંત્રી-પદેથી રાજીનામું આપ્યું. તેમના અનુગામી તરીકે તેમની પસંદગીની કોઈ વ્યક્તિને પ્રધાનમંત્રી તરીકે બેસાડવાના તેમના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા, જેને કારણે તેમની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો.

1974માં તેમને વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ પારિતોષિકના તેમના સહવિજેતા હતા આયર્લૅન્ડના મુત્સદ્દી અને અમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના સંસ્થાપક સીન મૅકબ્રાઇડ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે