સાચી ઍન્ડ સાચી

January, 2008

સાચી ઍન્ડ સાચી : બ્રિટનના 2 વિખ્યાત વિજ્ઞાપનકારોની કંપની. તેમાં ચાર્લ્સ સાચી (જ. 1943, ઇરાક) તથા મૉઇરસ સાચી(જ. 1946, ઇરાક)નો સમાવેશ થાય છે. પોતાના પિતાની સાથે તે 1947માં સ્થળાંતર કરીને ઇંગ્લૅન્ડ આવ્યા અને 1970માં પોતાની વિજ્ઞાપન-સંસ્થાની સ્થાપના કરી. તેમને બહુ ઝડપથી વિજ્ઞાપનક્ષેત્રે પ્રસિદ્ધિ મળી. તેમની અનેક લોકભોગ્ય અને આકર્ષક જાહેરખબરમાંથી એક વિજ્ઞાપનમાં સગર્ભા પુરુષ દર્શાવીને ગર્ભનિરોધક સાધનોનો પ્રચાર-પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમની આ લોકપ્રિયતાથી પ્રેરાઈને રૂઢિચુસ્ત પક્ષે તેમને 1978માં ચૂંટણી માટેનાં પોસ્ટર તથા સૂત્રો તૈયાર કરવાની કામગીરી માટે રોકી લીધા હતા.

1980ના દશકામાં તેમણે અમેરિકાની 3 વિજ્ઞાપન-એજન્સીઓ ખરીદી લીધી અને વિશ્વની તે સૌથી મોટી વિજ્ઞાપન-સંસ્થા બની રહી; પરંતુ દશકાના અંતે શૅરબજારમાં આવેલા કડાકાને પરિણામે તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું. 1955માં શૅરના હિસ્સામાં મતભેદ પડવાથી સંસ્થાના ચૅરમૅન મૉઇરસ સાચી કંપનીમાંથી છૂટા થયા અને નવી વિજ્ઞાપન-એજન્સી શરૂ કરી.

મહેશ ચોકસી