સાંથાલ : આદિવાસીઓની એક જાતિ. દેશમાં વસ્તીગણતરી પ્રમાણે આદિવાસીઓમાં ત્રીજા ક્રમે આવતી સાંથાલ જાતિ તેમની દંતકથા અનુસાર મૂળ મુંડા જાતિમાંથી આવી છે. તેઓ મૂળે ‘હોર, હો, હોરો’ કહેવાતા, જેનો અર્થ ‘માણસ’ થાય છે. તેમના પૂર્વજો ‘ખારવાર’ એટલે યુદ્ધ કરનારા-લડવૈયા-ક્ષત્રિય ગણાતા. તેમણે અનેક સ્થળાંતરો કર્યાં છે. તેમનું મૂળ વતન મધ્ય પ્રદેશનું છોટાનાગપુર હતું. 1770ના મહાદુષ્કાળસમયે બિહારના બીરભૂમ અને સાંથાલ પરગણામાં તેમનું સ્થળાંતર થયું. તેમનો ભ્રમણ-ઇતિહાસ દર્શાવે છે કે તેઓ ‘સાન્ત’ (Sant) પ્રદેશમાંથી આવ્યા હોઈ ‘સાંઓતર’ અને તે પરથી ‘સાંથાલ’ કહેવાયા હશે. તેઓ વારંવાર સ્થળાંતર કરનારા, લડાયક અને દેખાવે સુંદર છે. આજે મુખ્યત્વે ગંગાથી વૈતરણી નદીની વચ્ચેના બિહારના રાજમહાલનો પર્વતીય વિસ્તાર તેમનો મુખ્ય નિવાસ-વિસ્તાર ગણી શકાય. વસ્તીની દૃષ્ટિએ તેઓ આજે બિહાર રાજ્યના સાંથાલ પરગણા, ભાગલપુર, મોંઘીર, માનભૂમ, હજારીબાગ અને સિંગભૂમ જિલ્લાઓ; ઓરિસા રાજ્યના મયૂરભંજ, બાલાસૌર જિલ્લાઓ; પ. બંગાળા રાજ્યના બીરભૂમ, બાકુરા અને મદિનાપુર જિલ્લાઓમાં તથા ત્રિપુરા રાજ્યમાં જોવા મળે છે.

વસ્તીગણતરી પ્રમાણે સાંથાલોની કુલ વસ્તી 42,60,842 જેટલી હતી. એ વર્ષે બિહારમાં 20,60,730; પ. બંગાળમાં 16,66,610; ઓરિસામાં 5,30,776 અને ત્રિપુરામાં 2,726 જેટલી સાંથાલોની વસ્તી હતી. આમ સૌથી વધુ વસ્તી બિહાર રાજ્યમાં છે. સાંથાલોની બોલી સાંથાલી છે. ગ્રિયર્સનના મતે સાંથાલી બોલી મુંડા કુટુંબની ભાષાનો ભાગ છે, જે ઑસ્ટ્રો-એશિયાટિક કુટુંબની શાખા છે. વિવિધ પ્રાદેશિક વસવાટના સંગને કારણે વિવિધ પ્રદેશોની પ્રાદેશિક ભાષાનો વત્તો-ઓછો પ્રભાવ સાંથાલોની બોલી પર પડ્યો છે. પ. બંગાળમાં બંગાળી ભાષાની અસર 35 % છે. ઓરિસામાં ઊડિયાની અસર 21.47 % છે, હિન્દીની અસર 20.76 % છે અને આસામીની 2.12 % અસર છે. સાંથાલોનું વિપુલ લોકસાહિત્ય છે. તેઓ બંગાળી, ઊડિયા અને અંગ્રેજી લિપિનો ઉપયોગ પોતાની અભિવ્યક્તિ માટે કરે છે. બંગાળી સાહિત્યમાં એક આગવો ‘સાંથાલી’ પ્રવાહ વિકસ્યો છે.

મુખ્ય ખોરાક ભાત, મકાઈ, બાજરી, દાળ છે. તેઓ માંસાહારી છે. તેથી નાનાંમોટાં જીવજંતુઓ, સાપ, ઉંદર, પશુઓ, પંખીઓ વગેરેનું માંસ ખાય છે. આ ઉપરાંત જંગલ-ઊપજ – ફણસ, અંજીર, ચારોળી, મહુડાં તથા તેની ડોળીનું તેલ ખાય છે. તમાકુ ખાવા-પીવામાં લે છે. ચોખાનો ‘હાંડિયા’ નામનો દારૂ તેમને અતિપ્રિય છે. તેઓ માટીનાં ઘાસથી છાયેલાં ઘરોમાં રહે છે. ઘર સ્વચ્છ, સુંદર અને રંગ-બેરંગી ચિત્રોવાળું હોય છે. પશુઓમાં ગાય, ભેંસ, ડુક્કર અને ઘરની ચોકી માટે કૂતરા ખાસ પાળે છે.

સામાજિક દૃષ્ટિએે તેઓ પિતૃસત્તાક, પિતૃવંશીય અને પિતૃસ્થાનીય સમાજવ્યવસ્થા ધરાવે છે. સાંથાલોમાં કુલ 12 ગોત્ર – ‘પારિસ’ છે : મરંડી, હંસદક, મુરમુ, કિસકૂ, હૈમ્બરમ્, સોરેન, ટુડૂ, બાસકે, બસેરા, પૌડિયા, ચૌડે અને બેદિયા. મૂળ ગોત્ર પહેલાં સાત જ હતાં; બાકીનાં પાછળથી આવ્યાં છે. જોકે સામાજિક દૃષ્ટિએ બધાં સરખાં છે; કોઈ દરજ્જાભેદ નથી. દરેક ગોત્રની ઉત્પત્તિની દંતકથાઓ છે તથા દરેક ગોત્રને પશુ, પંખી, વૃક્ષો, વનસ્પતિ વગેરેના સંદર્ભમાં વિવિધ ગોત્રચિહનો (totem) છે જેની તેઓ પૂજા કરે છે; દા.ત., મુરમુ ગોત્ર નીલગાયને, હંસદડ બતકને, મરંડી ઘાસને પવિત્ર માને છે. તેમનામાં પેટાગોત્રો – ‘ખૂંટ’ 100થી 150 જેટલાં છે, જે મુખ્યત્વે દેવીદેવતાઓ સાથે સંબંધિત છે.

સાંથાલો બિનસાંથાલ સાથે પાણી તથા રોટી-બેટી વ્યવહારનો નિષેધ રાખે છે. વળી સગોત્ર લગ્નનો પણ નિષેધ છે. સગાઈની દૃષ્ટિએ લોહીનાં સગાં જાતિયા પેરા અને લગ્નસગાં બંધુ પેરા – એમ બે ભાગ પડે છે. ગોત્રસંગઠન વધુ મજબૂત છે. મામા-ફોઈનાં સંતાનો વચ્ચે લગ્નનો નિષેધ છે. બે બહેનોનાં સંતાનો અલગ અલગ ગોત્રનાં હોવા છતાં લગ્નની મનાઈ છે. તેઓ લગ્ન માટે લોહીનાં સગાં અને લગ્ન-સગામાં 3 પેઢી સુધી નિષેધ દર્શાવે છે. પિતરાઈઓ વચ્ચે તથા જેઠ સાથે, મોટી સાળી સાથે, સ્ત્રીના અને પતિના મોટાભાઈઓ, પિતા, કાકાઓ તથા પુરુષ અને પત્નીની મોટી બહેનો કે પિતરાઈ બહેનો સાથે માતા કે કાકી સાથે લગ્નનો નિષેધ છે. આ ઉપરાંત કેટલાંક ગોત્રો સાથે, જેમ કે, ટુડૂ, બસેરા, કિસકૂ અને મારંગ ગોત્રો સાથે પણ લગ્નનો નિષેધ પ્રવર્તે છે. વેવાઈ-વેવાણ વચ્ચે, જેઠ-ભોજાઈ સાથે, સાસુ-જમાઈ સાથે મશ્કરીભર્યા વ્યવહારનો નિષેધ છે. રૂઢિરિવાજના ઉલ્લંઘન માટે દંડ થાય છે. બહુપત્ની, દિયરવટું, સાળીવટું અને પુનર્લગ્નની પુરુષ માટે છૂટ છે. સ્ત્રીનો દરજ્જો નીચો છે. પંચાયતમાં, ધાર્મિક સ્થળે, સ્મશાનમાં જવા સામે નિષેધો છે. સ્ત્રી લગ્ન પહેલાં પિતાની અને લગ્ન પછી પતિની મિલકત ગણાય છે. ઘરજમાઈની છૂટ છે. મિલકત પિતા દ્વારા પુત્રોને, પિતરાઈ પુરુષને મળે છે. પંચાયતની સંમતિથી પુત્ર-સંતાન ન હોય તો દત્તક લેવાની સંમતિ મળે છે. યુવાગૃહ જેવી કોઈ સંસ્થા નથી. પુખ્ત ઉંમરે લગ્ન થાય છે.

સાંથાલો મુખ્યત્વે ખેતી કરે છે. ખેતમજૂરી, મચ્છીમારી, કારખાનામાં મજૂરી, જંગલ-ઊપજ ભેગી કરવી, શિકાર, રોડ-મકાન-બાંધકામ તથા સરકારી નોકરીમાં તેઓ જોડાયેલા હોય છે. બિહારમાં સ્થાયી ખેતી કરનારા લગભગ 67 %, ખેતમજૂરી કરનારા 24 %, ઔદ્યોગિક મજૂરી કરનારા લગભગ 3 % અને નોકરી વગેરેમાં લગભગ 7 %નું પ્રમાણ જોવા મળ્યું હતું. મોટાભાગના સાંથાલો વત્તી-ઓછી જમીન ધરાવે છે. ખેતી સાથે તેઓ ગાય, ભેંસ, ડુક્કર પણ પાળે છે. પક્ષીઓમાં મરઘાં પાળે છે. તેમની ખેતી બે પ્રકારની છે : એક ખેત અને બીજી બાડી. ખેતમાં અનાજ પકવે છે અને બાડીમાં પર્વત પર સાંઠાવાળાં ધાન્યો પકવે છે. સ્ત્રી-પુરુષ સાથે મળીને ખેતી કરે છે. વધુ શ્રમવાળાં કાર્યો પુરુષ કરે છે; જ્યારે નીંદામણ, લણવું જેવાં કાર્યો સ્ત્રીઓ કરે છે. શિકાર માત્ર પુરુષો કરે છે, પણ મચ્છીમારી સ્ત્રી કરી શકે છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા તથા વેચવા માટે તેમનામાં હાટપ્રથા છે, નાણાંવ્યવહાર પણ છે; છતાં વિનિમયપ્રથા ટકી રહેલી જોવા મળે છે.

સાંથાલો પ્રકૃતિપૂજક છે. તેથી પરંપરાગત રીતે પ્રાકૃતિક વિવિધ દેવદેવીઓમાં માને છે. ઠાકુરજી, મરાન બુરુ ઉપરાંત ગોત્રમાં દેવી-દેવતાઓ, પ્રતીકો (ટોટેમ) તથા ‘બોંગ’ શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ પિતૃપૂજા કરે છે. ભૂત-પ્રેત, ડાકણ, ભગત, જાદુ-ટોણામાં માને છે. એ માટે પૂજા, ભોગ, બલિ વગેરે વારતહેવારે ચડાવે છે અને માંદગી, ખેતીઉત્પાદન તેમજ આફતના પ્રસંગે પૂજાવિધિ કરે છે. વારંવાર સ્થળાંતરો અને સંપર્કને પરિણામે સાંથાલોમાં વિવિધ ધર્મો પળાય છે. બિહાર રાજ્યમાં 83 ટકા, પ. બંગાળમાં 21 ટકા, ઓરિસામાં 52 ટકા અને ત્રિપુરામાં 99 ટકા સાંથાલો હિંદુ ધર્મ પાળતા માલૂમ પડ્યા હતા. તે રીતે બિહારમાં 3 ટકા, પ. બંગાળમાં 3 ટકા, ઓરિસામાં 0.36 ટકા અને ત્રિપુરામાં 0.85 ટકા સાંથાલો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ ઉપરાંત ઇસ્લામ, જૈન, બુદ્ધ ધર્મની પણ વધતી-ઓછી અસર જોવા મળે છે.

સાંથાલો ઉત્સવપ્રિય છે. તેમના ઉત્સવો તેમના વ્યાવસાયિક જીવન સાથે – ખેતી અને સમાજજીવન સાથે સંકળાયેલા છે. તેઓ નૃત્યના ભારે શોખીન છે. ઉત્સવો-તહેવારો પ્રસંગે ખૂબ નાચે છે – ગાય છે અને વાદ્યો વગાડે છે.

સાંથાલોની પંચાયત ત્રણ સ્તરીય દેખાય છે : (1) ગ્રામકક્ષાની, (2) પ્રદેશકક્ષાની અને (3) સમગ્ર પ્રદેશની પ્રતિનિધિરૂપ પંચાયત, જે બિટલાહા તરીકે ઓળખાય છે. ગ્રામપંચાયતનો વડો માંઝી હોય છે. પ્રાદેશિક પંચાયત પરગણા-પંચાયત તરીકે ઓળખાય છે, જે ગામ-ગામો વચ્ચેનો ન્યાય કરે છે. ત્રીજું ‘બિલલાહા’ સૌથી મોટું ઉપરી પંચ છે જે ખૂન, છૂટાછેડા, મારામારી, ચોરી વગેરે જેવા મોટા ગંભીર ગુનાઓમાં ન્યાય કરે છે.

સાંથાલ વિસ્તારમાં છેક અંગ્રેજ રાજ્યના વખતથી બિનસાંથાલ લોકો પ્રવેશેલા છે; જેમાં કુંભાર, વણકર, લુહાર જેવા વસવાયાં ઉપરાંત વેપારી, વહીવટી અને વિવિધ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. તેમના દ્વારા સાંથાલોનું શોષણ પણ થયું છે. આ બિનઆદિવાસી શોષણ-જૂથોને તેઓ ‘દિકુ’ નામથી ઓળખાવે છે. 1855માં સાંથાલોએ પ્રથમ આ સામે બળવો કર્યો હતો. 1870માં સામાજિક-ધાર્મિક સુધારાની ચળવળોની અસરમાં આવ્યા. ભક્તિચળવળ ફેલાઈ, આઝાદીની ચળવળનો પણ રંગ આંદોલન રૂપે પ્રસાર પામ્યો. ખ્રિસ્તી મિશનરીઓનાં થાણાં સ્થપાયાં, ઝારખંડ ચળવળ આ બધાંમાંથી વિકાસ પામી. રાજકીય પક્ષોના હસ્તક્ષેપના તેઓ ભોગ બન્યા. 1960-1970ના દસકામાં તેઓ નક્સલવાદી ચળવળના ભોગ પણ બન્યા. આમ વિવિધ ધાર્મિક સંપ્રદાયોએ, રાજકીય ચળવળોએ, આર્થિક અને શૈક્ષણિક વિકાસે મૂળ સાંથાલના પરંપરાગત સાંસ્કૃતિક જીવનમાં એક મોટું પરિવર્તન આજે આણ્યું છે. એ રીતે પ્રકૃતિની ગોદમાં પરંપરાગત જીવન જીવવા ટેવાયેલા સાંથાલો વિવિધ પરિવર્તનની અસરોથી વધતે-ઓછે અંશે મુક્ત નથી.

અરવિંદ ભટ્ટ