સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો એ મહાન જ્ઞાતા હતા. વિદ્યાધ્યયન પૂરું થયા પછી સાંદીપનિએ ગુરુદક્ષિણા રૂપે સમુદ્રમાં ડૂબી ગયેલા પોતાના પુત્રને જીવિત લાવવાની માંગણી કરી. શ્રીકૃષ્ણે એ માગણી પૂરી કરી. અન્ય કથા અનુસાર ગુરુપુત્ર મરી નહોતો ગયો પણ એને પંચજન નામનો અસુર ઉઠાવીને પોતાના પાતાલ લોકમાં લઈ જઈ ત્યાં છુપાવ્યો હતો. શ્રીકૃષ્ણે પંચજન સાથે યુદ્ધ કરીને અસુરનો સંહાર કરી તેના કબજામાંથી ગુરુપુત્રને છોડાવ્યો. આ અસુર પંચજન પાસે એક અદભુત શંખ હતો. શ્રીકૃષ્ણે એને પોતાને માટે રાખી લીધો. એ શંખ ‘પાંચજન્ય’ તરીકે ઓળખાયો.

પ્રવીણચંદ્ર પરીખ