સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું. તેનું આયોજન સાદું છે. તે લંબચોરસ આકારની છે. ભોંયતળિયે પ્રવેશની ડાબી બાજુએ સ્ટૉકરૂમ છે અને જમણી બાજુએ અપ્રાપ્ય પુસ્તકોનો વિભાગ તથા કાર્યાલય આવેલાં છે. ઇમારતની પાછળના ભાગે છૂટો હૉલ છે, જ્યાંથી ઉપરના આખાયે ભાગમાં આવેલા વાચન-ખંડમાં જવાય છે. સ્વતંત્ર છૂટા લોખંડના સ્તંભો અને કમાનોની ગોઠવણીને લીધે આ ખંડ ખૂબ જ અસરકારક લાગે છે. તેના બે લાંબા મંડપો (naves) વગેરે ભાગો પાસે સ્ટમના મંદિરને મળતા આવે છે. તેનો બહારનો ભાગ ઘણો સારો છે. તેના મુખભાગની ડિઝાઇન લાબ્રોસાંનું પોતાનું સર્જન છે. કેમ્બ્રિજમાં સર ક્રિસ્ટૉફર રેનની લાઇબ્રેરી, રિમિનિમાં લિયૉન બેટિસ્ટા આલ્બર્ટે ડિઝાઇન કરેલ ટેમ્પિયો માલા ટેસ્ટિયાનો, મિલાનમાં માઇકેલૉગ્ઝે કૃત બૅન્કો મેડિસિયો અને વેનિસમાં જેકોપો સાનસો વિનો રચિત બિબ્લિયોટેકા માર્સિયાના વગેરે ઇમારતોનો લાબ્રોસાં પ્રશંસક હતો. તે બધી ઇમારતોનાં ઘણાં લક્ષણો આ ઇમારતમાં લાવી શક્યો હતો. 19મી સદીના સ્થાપત્યની સાથે ગ્રીક સ્થાપત્યના જીર્ણોદ્ધારમાં લાબ્રોસાં સફળ થયો હતો.

સ્નેહલ શાહ

અનુ. થૉમસ પરમાર