સાંકળિયા હસમુખ ધીરજલાલ

January, 2008

સાંકળિયા, હસમુખ ધીરજલાલ (. 10 ડિસેમ્બર 1908, મુંબઈ; . ? 1989) : વિશ્વપ્રસિદ્ધ ભારતીય પુરાતત્વાચાર્ય. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈ ત્યાંની લંડન યુનિવર્સિટીમાંથી પ્રોફેસર કોડિંગ્ટનના માર્ગદર્શન નીચે ‘The Dynastic History of Gujarat Monuments’ વિષય પર કામ કરી 1933માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ સમય દરમિયાન બ્રિટનમાં મૅઇડન કાસલ નામના સ્થળે થતા ઉત્ખનનમાં તાલીમાર્થી તરીકે જોડાઈ ખોદકામનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. આ દરમિયાન પ્રસિદ્ધ પુરાવિદ સર મોર્ટિમર વ્હીલરના સંપર્કમાં આવ્યા. એમની પાસેથી પુરાતત્વની પાયાની દૃષ્ટિ-સમજ અને તાલીમ મેળવ્યાં. આ પછી અભ્યાસ પૂર્ણ થયો હોઈ ભારત પાછા ફરી અહીં એમણે આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા(ASI)ના નાયબ નિયામકની જગ્યા માટે અરજી તો કરી પણ નબળી શારીરિક સ્થિતિના કારણે નિયુક્તિ માટે લાયક ન ગણાયા. આ પછી પુણેની ડેક્કન કૉલેજમાં પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાયા (1939). આગળ જતાં અહીં પુરાતત્વ-વિભાગના વડા; જૉઇન્ટ ડિરેક્ટર અને છેલ્લે ઈ. સ. 1970માં ડિરેક્ટર તરીકે નિમાયા. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં એડવાઇઝર તરીકે એમણે કામ કર્યું. 1968માં એમને પહેલા છ નહેરુ ફેલોમાંના એક તરીકે પસંદ કરાયા. 1966નો ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ રણજિતરામ સુવર્ણચંદ્રક પણ અપાયો, તો 1974માં ભારત સરકારના ‘પદ્મભૂષણ’ ઇલકાબથી તેઓ વિભૂષિત કરાયા.

હસમુખ ધીરજલાલ સાંકળિયા

પુણેની ડેક્કન કૉલેજમાં જોડાયા બાદ તેમના પુરાતત્વના દીર્ઘ પ્રદાનની કારકિર્દી શરૂ થઈ. આ દરમિયાન ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રના પુરાતત્વ-સર્વેની વિસ્તૃત કામગીરી એમણે હાથ ધરી. આના અનુસંધાને ઉત્તર ગુજરાતના લાંઘણજ(જિ. મહેસાણા)ના અંત્યા-શ્મયુગના ટિંબાનું વિસ્તૃત ઉત્ખનન કર્યું (1942). અહીં પ્રથમ વાર જ ભારતીય ઉત્ખનનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી. આ ઉત્ખનન અનેક રીતે મહત્વનું રહ્યું છે. આ પછીથી તો ઇનામગાંવ, સોમનાથ, આખજ, નાવડાટોલી, આહાર, જોર્વે, કોલ્હાપુર, નાસિક વગેરે અનેક સ્થળોએ ઉત્ખનન કરી તત્કાલીન સમાજ-સંસ્કૃતિ-વાતાવરણનો વિસ્તૃત વૈજ્ઞાનિક અભ્યાસ કરી તારણો આપ્યાં. ઇનામગાંવમાં તો સતત 12 વર્ષના ઉત્ખનન દ્વારા એક નવપાષાણકાલીન વસાહતને તેના સમગ્ર વાતાવરણ-પર્યાવરણ સાથે ખોદી કઢાયું. પ્રસ્તુત ઉત્ખનનમાં ભારતમાં પ્રથમ વાર પુરાવિદોની સાથે વિવિધ વિષયના અનેક વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધેલ. આનો વિસ્તૃત સચિત્ર અહેવાલ Excavations at Langhanaj Part 1-3 (1965) નામે પ્રસિદ્ધ થયો છે. તામ્રયુગીન સંસ્કૃતિ વિશે પણ એમનું પ્રદાન સવિશેષ છે. કાશ્મીરથી કન્યાકુમારી ને ગુજરાતથી આસામ સુધી અનેક સર્વે દ્વારા એમણે અંત્યાશ્મયુગના વિવિધ સમયનાં અનેક સ્થળો શોધ્યાં, તો ગુજરાત(બૃહદ)માં સાબરમતી, ભાદર, હિરણ વગેરેનાં ખીણપટનો પગપાળા સર્વે-પ્રવાસ કરી આદિઅશ્મકાલીન ઓજારો (tools) શોધી કાઢી તે એકથી દોઢ લાખ વર્ષ પ્રાચીન હોવાનું તારણ આપ્યું. વિશ્વના આ ક્ષેત્રના નૂતન સંશોધન-પ્રવાહોથી સતત સંપર્ક-વાકેફ રહી અહીં ભારતમાં પણ એમણે વિભિન્ન ઉત્ખનનોમાં એનો વિનિયોગ કરેલ. ઇંગ્લૅન્ડના ડેવિડ ક્લાર્કની નૂતન દૃષ્ટિ ‘New archaeology’નો સિદ્ધાંત એમણે પણ સ્વીકારી ‘નવપુરાતત્વ’ એવું નામ આપેલ.

ઉત્ખનનકાર્યમાં અવિરત ડૂબેલા રહેતા હોવા છતાં આ બધાંને તેમજ પોતાનાં અન્ય સંશોધનોને એમણે શબ્દદેહ પણ આપેલ. ‘આર્કિયૉલૉજી ઑવ્ ગુજરાત’, ‘હિસ્ટૉરિકલ જ્યૉગ્રાફી ઍન્ડ કલ્ચરલ એથ્નૉગ્રાફી ઑવ્ ગુજરાત’, ‘પ્રી-હિસ્ટરી ઍન્ડ પ્રોટો-હિસ્ટરી ઇન ઇન્ડિયા ઍન્ડ પાકિસ્તાન’, ‘ન્યૂ આર્કિયૉલૉજી : ઇટ્સ સ્કોપ ઍન્ડ ઍપ્લિકેશન ઇન ઇન્ડિયા’, ‘પ્રી-હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’, ‘રામાયણ : મિથ ઍન્ડ રિયાલિટી’, ‘યુનિવર્સિટી ઑવ્ નાલન્દા’, ‘ઇન્ડિયન આર્કિયૉલૉજી ટુડે’ અને ‘અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ’, ‘નવ પુરાતત્વ’ અને ‘પુરાતત્વની બાળપોથી’ ઉપરાંત લગભગ 200 જેટલા સંશોધનલેખોનો સમાવેશ થાય છે. ‘પુરાતત્વને ચરણે’ (અનુ.) (મૂળ અં. Born for Archaeology) નામથી એમણે આત્મકથા પણ લખી છે (1985). એમના માર્ગદર્શન નીચે પચાસ જેટલા સંશોધનાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવેલ તો જિજ્ઞાસુઓને એમણે પરોક્ષ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડેલ. ડૉ. સાંકળિયાના જ એક વિદ્યાર્થી વાય. એમ. ચિત્તલવાલા(નિવૃત્ત : આસિસ્ટન્ટ ડિરેક્ટર ઑવ્ આર્કિયૉલૉજી)એ નોંધ્યું છે : ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળિયાના જીવનનો સાર તેમણે જ પસંદ કરેલા શેક્સપિયરના એક વાક્ય માત્રમાં આવી જાય છે : ‘Ripeness is all’, અર્થાત્ પરિપક્વતા સર્વસ્વ છે.

હસમુખ વ્યાસ