સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી)

January, 2007

સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી) (. 24 ઑક્ટોબર 1914, ચેન્નાઈ) : સ્વાતંત્ર્યસેનાની અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની ‘આઝાદ હિંદ ફોજ’(INA)ની મહિલાપાંખનાં સેનાપતિ. પિતા એસ. સ્વામીનાથન્ ડૉક્ટર અને માતા અમ્મુ સ્વામીનાથન્ સામાજિક અને રાજકીય કાર્યકર હતાં. રાજકીય ક્ષેત્રે અમ્મુ સ્વામીનાથન્ ભારતના બંધારણસમિતિનાં સભ્ય (1946-49), પ્રથમ લોકસભાના સભ્ય (1952-57) તથા રાજ્યસભાના સભ્ય (1957-62) રહ્યાં હતાં. લક્ષ્મી સહગલનું સમગ્ર શિક્ષણ મદ્રાસ(હવે ચેન્નાઈ)માં થયું હતું. 1938માં ત્યાંની મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કરી અને 1940માં સિંગાપુર ખાતે દાક્તરીનો વ્યવસાય શરૂ કર્યો. ટૂંક સમયમાં રાસબિહારી બોઝ દ્વારા સ્થાપવામાં આવેલ દૂર પૂર્વના ભારતીઓનું એકમાત્ર સંગઠન ‘હિંદી સ્વાતંત્ર્ય સંઘ’ના સભ્ય બન્યાં. જુલાઈ 1943માં આઝાદ હિંદ ફોજ(INA)ની સ્થાપના થતાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રેરણાથી તેઓ તેમાં જોડાયાં. ઉપર્યુક્ત ફોજમાં તેમને કર્નલ સુધીની બઢતી મળેલી, પણ તે જનમાનસમાં સામાન્યત: કૅપ્ટન લક્ષ્મી તરીકે જ જાણીતાં છે. અત્યંત વિકટ આપત્તિમાં સપડાયા વિના બ્રિટિશ સરકાર ભારતને સ્વાધીનતા આપશે નહિ એવો તેમનો દૃઢ વિશ્વાસ હતો. શરૂઆતમાં તેઓ રેડિયો-પ્રસારણ તથા રાહત-શિબિરોમાં સેવાઓ આપતાં હતાં. ઑક્ટોબર 1943માં આઝાદ હિંદ ફોજમાં ‘રાણી ઝાંસી બ્રિગેડ’ની સ્થાપના થતાં લક્ષ્મી તેનાં સેનાપતિ નિમાયાં.

લક્ષ્મી સહગલ

આઝાદ હિંદ સરકારના સંગઠન-મંત્રી તરીકે પણ તેઓ ફરજ બજાવતાં હતાં. 1944માં નેતાજીએ તેમને બ્રહ્મદેશ(હવે મ્યાનમાર)ના યુદ્ધમોરચા પર મોકલ્યાં, જ્યાં ‘રાણી ઝાંસી બ્રિગેડ’નાં સેનાપતિ તરીકે યુદ્ધભૂમિ પર તેમણે કરેલી સક્રિય કામગીરી શૌર્યની ગાથા બની ગઈ. ઇમ્ફાલના યુદ્ધમાં સુભાષચંદ્ર બોઝને બ્રિટિશ સૈન્યના ઘેરામાંથી બચાવવાનું શૌર્યભર્યું કાર્ય તેમણે કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ પર યુદ્ધબંદી તરીકે તેમની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ સુધી તેમને નજરકેદમાં રાખવામાં આવ્યાં. મૂળ ભારતીય લશ્કરનાં સૈનિક ન હોવાથી તેમના પર રાજદ્રોહનો ખટલો ચલાવવામાં આવ્યો ન હતો. 1946માં તેઓ સ્વદેશ પાછાં ફર્યાં. આઝાદ હિંદ ફોજ માટે ફાળો એકત્રિત કરવા સારુ તત્કાલીન મદ્રાસ રાજ્યનો પ્રવાસ ખેડ્યો. તત્કાલીન બ્રહ્મદેશની તેમની રણભૂમિ પરની કામગીરી દરમિયાન યુદ્ધની એક ખાઈમાં તેમની આઝાદ હિંદ ફોજના તત્કાલીન અધિકારી કર્નલ સહગલ સાથે મુલાકાત થઈ હતી, જે પાછળથી લગ્નમાં પરિણમી. રાજદ્રોહના આરોપસર દિલ્હી ખાતેના લાલ કિલ્લામાં કૅપ્ટન શાહનવાઝ, કૅપ્ટન ધિલ્લોન તથા કર્નલ સહગલ પર બ્રિટિશ તાજ વતી કામ ચલાવવામાં આવેલું. 1946માં સહગલની મુક્તિ થતાં 1947માં તેઓ સહગલ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

દૃઢ નિશ્ર્ચયબળ અને સ્વતંત્ર મિજાજ ધરાવતી આ વીરાંગના પર ભારતના ભાગલાની એટલી ઊંડી અસર પડી કે સ્વતંત્ર ભારતના રાજકારણમાં કદાપિ ભાગ ન લેવાનો નિર્ધાર તેમણે કર્યો હતો, છતાં તેમની પુત્રી અને લોકસભામાં એક વખતના માર્ક્સવાદી-સામ્યવાદી પક્ષનાં સભ્ય સુભાષિની અલીના આગ્રહને વશ થઈને ડાબેરી વિચારસરણી ધરાવતાં લક્ષ્મી સહગલ પણ સામ્યવાદી પક્ષમાં ઔપચારિક રીતે જોડાયાં હતાં. વર્ષ 2002માં યોજાયેલ ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ‘રાષ્ટ્રીય લોકશાહી મોરચા’(એન.ડી.એ.)નો વિરોધ કરનારા પક્ષોના ટેકાથી ચૂંટણી લડ્યાં હતાં, જેમાં એન.ડી.એ. સમર્થિત ઉમેદવાર ભૈરવસિંગ શેખાવત વિજયી બન્યા હતા.

1947થી તેઓ કાનપુર ખાતે રહે છે અને ગરીબ કામદારો તથા તેમનાં કુટુંબીજનો માટે બે નિ:શુલ્ક દવાખાનાં ચલાવે છે. જાણીતા નૃત્યકલાગુરુ મૃણાલિની સારભાઈનાં તેઓ બહેન થાય છે.

નાનુભાઈ સુરતી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે