સરસ્વતી રામનાથ (શ્રીમતી)

January, 2007

સરસ્વતી રામનાથ (શ્રીમતી) (. 7 સપ્ટેમ્બર 1925, કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી હિંદીમાં ‘વિદ્વાન’; ડી. વી. હિંદી પ્રચારસભામાંથી ‘પ્રવીણ’ની ડિગ્રી પ્રાપ્ત કરેલી.

તેમણે અત્યાર સુધીમાં 140 ગ્રંથો આપ્યા છે. તમિળમાં : ‘ભારત નાટ્ટુ અરુકાલિન કથાઈ’  5 ભાગમાં ભારતની નદીઓ પરનો ગ્રંથ, ‘ઇન્ડિયા માનિલાંગલ’ ભારતીય રાજ્યો પર 6 ગ્રંથો, ‘વીર સુધાંતિરામ’, ‘જય સોમનાથ’, ‘સપ્તપતી’, ‘રાગ દરબારી’, ‘ગંગાઈ તાઈ’, ‘ઇન્ડિયા મોળી સિરુકથાઈગલ’, ‘ઇન્ડિયા મોળી નાટકાંગલ’ એ બધા હિંદીમાંથી તમિળમાં અનૂદિત ગ્રંથો છે. ‘નાડોડી કથાઈગલ’ (5 ભાગમાં), ‘મહાભારત કથાઈગલ’ (5 ભાગમાં), ‘બિરબલ કથાઈગલ’; ‘મેલૈનટ્ટુ નાડોડી કથાઈગલ’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે.

હિંદીમાં : ‘ગોપુર કા દીપ’, ‘ફાઉ ફાટેગી’, ‘તમિળ કી પ્રતિનિધિ કહાનિયાં’ તમિળમાંથી અનૂદિત વાર્તાસંગ્રહો; ‘નારી’ તમિળમાંથી અનૂદિત નવલકથા; ‘કમ્બ રામાયણ’ અનૂદિત; ‘નદિયાં કી કહાની’ વાર્તાસંગ્રહ.

તેમને તમિળમાં 1993ના વર્ષનું કેન્દ્રીય સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ; 1993ના વર્ષનો હિંદી પ્રચારક સંઘ એવૉર્ડ; 1994ના વર્ષનો કેન્દ્રીય હિંદી સંસ્થાન એવૉર્ડ; 1994માં ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન એવૉર્ડ તથા ભારતીય અનુવાદ પરિષદ તરફથી દ્વિવાગિસ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

બળદેવભાઈ કનીજિયા