સરહદ સલામતી દળ (Border Security Force – BSF)

January, 2007

સરહદ સલામતી દળ (Border Security Force BSF) : ભારતની આંતરિક સુરક્ષા જાળવવા માટે ઊભા કરવામાં આવેલા સશસ્ત્ર દળોમાંનું એક દળ. ડિસેમ્બર 1965માં તેની શરૂઆત થયેલી. આ દળને ભારતની સરહદોની સુરક્ષાનું વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેની ચાર મુખ્ય ફરજો છે : (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવી; (2) દેશની સરહદો પર થતા ગુનાઓ અટકાવવા; (3) ભારતની સરહદની જોડેના દેશોમાંથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તેમજ ભારતમાંથી સરહદી દેશોમાં ગેરકાયદેસર રીતે આવનજાવન ન થાય તેની તકેદારી રાખવી તથા (4) દાણચોરી અને તેના જેવી અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવી. દેશ યુદ્ધમાં સંડોવાયેલો હોય ત્યારે દેશની રક્ષા કાજે ભારતીય લશ્કરને મદદ કરવાની પૂરક કામગીરી પણ આ દળને કરવાની હોય છે અને ત્યારે આ દળ પ્રત્યક્ષ રીતે ભારતીય લશ્કરને હસ્તક કામ કરે છે. સશસ્ત્ર દળ હોવાથી તેને આંતરિક સુરક્ષાનાં કાર્યો પણ કરવાનાં તથા નાગરિક પ્રશાસનની મદદ કરવાની પણ રહે છે.

તેનું મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે છે. તેના સર્વોચ્ચ વડાને ડિરેક્ટર-જનરલનો હોદ્દો આપવામાં આવે છે. દેશની સરહદ પર સુરક્ષાનાં કાર્યો કરતાં અન્ય દળોનાં કાર્યો સાથે આ દળ પોતાનાં કાર્યોનું સંકલન કરતું હોય છે. વર્ષ 2006માં તેને હસ્તક 157 બૅટૅલિયનો તથા 20 તોપખાનાની બૅટૅલિયનો કાર્યરત છે. દેશની 6,476 કિમી. જેટલી સરહદની સુરક્ષા કરવાનું કાર્ય તેને સોંપવામાં આવેલું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે