સરસ્વતીપુરાણ

January, 2007

સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ મનુષ્યોમાં નરશાર્દૂલ ગણાઈ ‘જયસિંહદેવ’ તરીકે જાણીતો થશે…… સનાતન ધર્મનો ઉદ્ધાર કરશે. મનુષ્યલોકમાં વિષ્ણુ જેવો સર્વોત્તમ ગણાશે. એ મહાદેવ તરફ ભક્તિ રાખી ચક્રવર્તી થશે અને ‘સિદ્ધરાજ’ તરીકે પ્રસિદ્ધ થશે…. પ્રાચીન રુદ્રમહાલયનો ઉદ્ધાર કરી ત્યાં મહારુદ્રનું આરાધન કરશે. એ…. ભય આપવાવાળા બર્બરકને જીતી વશવર્તી બનાવશે….. સર્વ રાજાઓનો રાજા-મહારાજા થશે.’’ આ લેખકે સિદ્ધરાજના સર્વ વિજયોમાં અવંતિના વિજયને ઘણું મહત્ત્વ આપ્યું છે.

સહસ્રલિંગ સરોવરના આયોજન માટેની અનન્ય હકીકતો સરસ્વતીપુરાણે રજૂ કરી છે. સિદ્ધરાજને સ્વપ્નમાં ભરદ્વાજ મુનિએ સરોવરને જળપૂર્ણ કરવાનો ઉપાય બતાવ્યો હતો. સિદ્ધરાજે તે પ્રમાણે સરસ્વતીની આરાધના કરી, દેવી પ્રસન્ન થયાં અને સિદ્ધરાજની ઇચ્છા પૂર્ણ કરી. પુરાણકારે આ સરોવરના કિનારા ઉપર આવેલ સેંકડો મંદિરોની નોંધ કરી છે. તેમાં દશાવતારનું મંદિર, 108 દેવીઓનું દેવીપીઠ, સોમનાથ ભૂતેશ્વર વગેરે જણાવેલ છે. સરોવરના કિનારા ઉપર 1008 શિવમંદિર તો હતાં જ, પરંતુ બીજાં સેંકડો મંદિર પણ ત્યાં આવેલાં હતાં.

રેખાબહેન ભાવસાર