સમાલોચક : ઈ. સ. 1896માં પ્રકાશિત થયેલું નોંધપાત્ર સામયિક. ઈ. સ. 1913 સુધી ત્રૈમાસિક રહ્યા પછી એ માસિક રૂપે પ્રગટ થવા લાગ્યું હતું. આ માસિકની સ્થાપના પાછળ ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રેરણા અને માર્ગદર્શન રહ્યાં છે. પુસ્તક પ્રકાશન અને વિક્રેતા એન. એમ. ત્રિપાઠીની કંપની દ્વારા આ સામયિક પ્રકાશિત થતું હતું. એ કારણે તેનાં મુદ્રણ અને સંચાલન બાબતે અન્ય સામયિકોને મુકાબલે સુવ્યવસ્થા, સુઘડતા જોઈ શકાય છે. પચાસથી સાઠ પૃષ્ઠોની મર્યાદામાં રહીને સમાલોચકે અનેક વિષયોનાં લખાણો પ્રકટ કરીને લોકાનાં હિતાહિત ઉપર અસર કરતી, બનતી, બનેલી કે બનનાર બાબતો પર સમીક્ષા કરી છે. ‘સમાલોચક’નો ઉદ્દેશ સાહિત્યસેવા ઉપરાંત ભારતીય ધર્મ, તત્ત્વજ્ઞાન, ચારે પુરુષાર્થની આડે આવતા સામાજિક રીતિરિવાજો, પશ્ચિમી દેશોમાં થતી વ્યાપારાદિની નવી યોજનાઓ વગેરેથી વાચકોને વાકેફ કરી રાજ્યક્ષેત્રે લોકજાગૃતિ લાવવાનો ને એ રીતે ગુજરાતી પ્રજાની યથાશક્તિ સેવા કરવાનો હતો. એ અર્થમાં પંડિતયુગની પરંપરાને આગળ ધપાવનારું એ સમર્થ સામયિક હતું. ‘સરસ્વતીચંદ્ર’ના અંત વિશે દયારામ ગીદુમલ સાથે ગોવર્ધનરામને ચાલેલો લાંબો પત્રવ્યવહાર અહીં પૂરેપૂરો પ્રસિદ્ધ થયેલો છે. ગુજરાતી લેખન-પદ્ધતિ અને નરસિંહરાવ દિવેટિયા અને ગોવર્ધનરામનો વિવાદ પણ અહીં ધ્યાન ખેંચે છે. ધર્મચિંતન અને તાત્ત્વિક વિચારણા કરતા, સંસ્કૃત ગ્રંથો પર આધારિત શાસ્ત્રીય લેખો ‘સમાલોચક’નું મહત્ત્વનું પાસું છે; જેમાં ગોવર્ધનરામકૃત સાક્ષર-જીવનની લેખમાળા ઘણી નોંધપાત્ર છે. પુરુષોત્તમ વિશ્રામ માવજીની ઇતિહાસ-વિષયક લેખમાળા ઐતિહાસિક વિગતોની સંદર્ભસમેતની ચર્ચાઓને કારણે ઘણી આધારભૂત બનેલી છે. મુખ્યત્વે ભાષાનાં વાચન, લેખન અને ગુજરાતના સર્જન-વિવેચનનું નિષ્પક્ષપણે મૂલ્યાંકન ‘સમાલોચક’નાં મહત્ત્વનાં અંગો બનેલાં છે. ચરિત્રો, ગ્રંથસમીક્ષાઓ જેવા વિભાગો ઉપરાંત પરંપરા મુજબ ધારાવાહી નવલકથાઓનું પ્રકાશન પણ ‘સમાલોચક’માં થયેલું છે; જેમાં ભોગીન્દ્રરાવ દિવેટિયાની નવલકથા ‘કૉલેજિયન’ છપાતી હતી તે દરમિયાન લેખકનું મૃત્યુ થતાં બાકીનો ભાગ તેમનાં પત્ની કૌમુદી દિવેટિયાએ પૂરો કરેલો; ગુજરાતી સાહિત્યમાં આ ઘટના અજોડ કહી શકાય. ઉછરંગરાય ઓઝાની નવલકથા ‘અજોજી ઠાકોર’ની સામગ્રી આજે પણ રસપ્રદ લાગે એવી છે, જે ‘સમાલોચક’માં પ્રસિદ્ધ થયેલી. ઉત્તમલાલ ત્રિવેદી જેવા અનેક પ્રતિભાશાળી ગદ્યકારોની શક્તિને બહાર લાવવામાં ‘સમાલોચકે’ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ માસિકે ગુજરાતી સાહિત્યમાં ત્રણ દાયકા સુધી પ્રકાશિત થતાં રહીને ભારતીય રાષ્ટ્રીય નવજાગૃતિના વાતાવરણને તેમ સાંસ્કૃતિક, સાહિત્યિક વાતાવરણને ઝીલવાનો પ્રયત્ન કર્યો. આ ત્રણ દાયકાઓમાં અવસાન પામેલા મહાનુભાવોને અપાયેલી શ્રદ્ધાંજલીઓને જોઈએ તો ગુજરાત અને ગુજરાત બહારના ચાલી રહેલા સામાજિક, સાંસ્કૃતિક આંદોલનોનો વાચકને નજીકથી પરિચય થાય છે. ગુજરાતી ભાષાના સાહિત્ય અને સંસ્કૃતિનો એક આખોયે આલેખ ‘સમાલોચક’માંથી જડી આવે એમ છે. આ સામયિકનો વિગતે અભ્યાસ ડૉ. ધીરુભાઈ ઠાકરે ‘સમાલોચક : સ્વાધ્યાય અને સૂચિ’ (1987) નામે કરેલો છે.

કિશોર વ્યાસ