સમાવર્તન : આ પ્રાચીન ભારતમાં પ્રચલિત સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર. એનો શબ્દાર્થ છે વિદ્યાભ્યાસ પૂરો કરીને ગુરુને ઘેરથી પાછા વળવું. આ સંસ્કાર પછી ‘બ્રહ્મચારી’ સ્નાતક કહેવાતો. વિદ્યાને સાગરની ઉપમા અપાતી અને એમાં સ્નાન કરીને જે પાછો આવતો તે સ્નાતક કહેવાતો.

ગુરુકુલમાં બ્રહ્મચારી બે પ્રકારના હતા. પહેલા પ્રકારના વિદ્યાર્થીઓ જે વિદ્યાભ્યાસ કરી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરવા માગતા હોય જ્યારે બીજા પ્રકારના બ્રહ્મચારી આજીવન બ્રહ્મચારી રહી ગુરુકુલમાં વિદ્યાર્થી જીવન ગાળવા માગતા હોય. સ્નાતકોના ત્રણ પ્રકારો હતા : 1. વિદ્યાસ્નાતક : જેઓ કેવળ વિદ્યા ભણીને ઘેર પાછા ફરી જતા. 2. વ્રત સ્નાતક : જે વિદ્યા તો ઓછી ભણતા, પરંતુ તપ વિશેષ કરતા. 3. ઉભય સ્નાતક : જેઓ વિદ્યા પણ પ્રાપ્ત કરતા અને વ્રતનું પરિપાલન પણ કરતા.

સમાવર્તન સંસ્કાર વખતે ગુરુ એને જે બોધ આપતા તેને દીક્ષાન્ત પ્રવચન કહેવામાં આવતું. એ વિદ્યાર્થી માટે જીવન જીવવાની કલા સમાન હતું અને વિદ્યાર્થી એને આજીવન કંઠસ્થ રાખતો. એના શબ્દોનું તાત્પર્ય આ મુજબ છે

દીક્ષાંત પ્રવચન

‘‘સદા સત્ય બોલજે. સદા ધર્માચરણ કરજે. સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ કરીશ નહિ. આચાર્યને પ્રિય હોય તે ધન દક્ષિણા રૂપે એમને આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર, જેથી સંતાન ઉત્પન્ન કરીને તું તારા વંશવેલાનો છેદ થતો અટકાવી શકે. સત્ય આચરણમાં ક્યારેય પ્રમાદ કરીશ નહિ. પોતાની યોગ્યતા અને સામર્થ્યના વિકાસમાં ક્યારેય પ્રમાદ કરીશ નહિ. સ્વાધ્યાય કરવામાં અને શીખેલું વિદ્યાનું રટણ કરવામાં ક્યારેય પ્રમાદ કરીશ નહિ. દેવકાર્યો અને પિતૃકાર્યોમાં ક્યારેય પ્રમાદ કરીશ નહિ. સદાય માતાની સેવામાં તત્પર રહેજે. સદા પિતાની સેવામાં તત્પર રહેજે. સદા આચાર્યની સેવામાં તત્પર રહેજે. સદા અતિથિઓની સેવામાં તત્પર રહેજે. જે દોષરહિત કાર્યો હોય તે જ કરજે, બીજાં નહિ.

અમારાં કેવળ એવાં કાર્યોનું અનુસરણ કરજે જે યોગ્ય હોય અને સદાચરણને અનુરૂપ હોય. અમારાં અનુચિત કાર્યોનું અનુસરણ કરીશ નહિ.

હંમેશાં દાન દેવા તત્પર રહેજે. શ્રદ્ધાપૂર્વક દાન કરતો રહેજે. શ્રદ્ધા ન હોય તો પણ દાન કરતો રહેજે, લોકલાજવશ પણ દાન કરતો રહેજે. ભયવશ થઈને પણ દાન કરજે. સંકલ્પિત દાન આપવા સદા તત્પર રહેજે. શું કર્તવ્ય કે અકર્તવ્ય છે, કયું આચરણ સમુચિત કે અનુચિત છે, શું જ્ઞાનત્વ કે અજ્ઞાતવ્ય છે એ બાબતમાં તને સંશય ઉત્પન્ન થાય તો ધર્મયુક્ત પરમ વિદ્વાન અને સદાચારી દ્વિજોને આ સંદિગ્ધ બાબતોમાં શો મત છે તે જાણજે. એ જેમ કરતા હોય તેમ કરજે. આ મારો આદેશ છે, આ મારો ઉપદેશ છે અને આ જ વેદો અને ઉપનિષદોનું વિધાન છે.’’

પ્રવીણચંદ્ર પરીખ