સમારિયા (Samaria) : પ્રાચીન પૅલેસ્ટાઇનના મધ્યભાગમાં આવેલું એક વખતનું શહેર તથા તે જ નામે ઓળખાતો તત્કાલીન પ્રદેશ. તેની ઉત્તર તરફ ગેલિલી, દક્ષિણ તરફ જુડિયા, પૂર્વ તરફ જૉર્ડન નદી અને પશ્ચિમ તરફ ભૂમધ્ય સમુદ્ર આવેલાં છે. દક્ષિણ ઍસિરિયાની ડુંગરમાળાઓ સળંગ વિસ્તરતી જઈને જુડિયા સુધી ચાલુ રહે છે. સમારિયાની મધ્યમાં આવેલું શેકેમ (Shechem) આ આખાય પ્રદેશનું રાજકીય એકમનું મધ્યસ્થ સ્થળ હતું, આજે તે ‘નાબુલસ’ નામથી ઓળખાય છે અને તે રસ્તાઓનું જંક્શન બની રહેલું છે.

પૅલેસ્ટાઇનની ઇઝરાયલી જીત વખતે આ પ્રદેશનાં વ્યૂહાત્મક સ્થળો કૅનાનાઇટ્સના હાથમાં હતાં. પહાડી પ્રદેશના તળેટી-વિભાગો જીતી લેવા ઇઝરાયલીઓ સમર્થ હતા; તેમ છતાં કેનન લોકોએ રાજા ડેવિડ(ઈ. પૂ. 10મી સદી)ના સમય સુધી તેમનો સફળતાપૂર્વક સામનો કર્યે રાખેલો. ડેવિડના પુત્ર સોલોમન(ઈ. પૂ. 10મી સદી)ના મૃત્યુ બાદ આ પ્રદેશના ઉત્તર અને દક્ષિણ ભાગો જુદા પડ્યા, તેમાંથી ઇઝરાયલનું અલગ સામ્રાજ્ય રચાયું. તે વખતે તેનું પાટનગર તિરઝાહ (આજનું તાલ-અલ-ફારિયાહ) રહેલું; પછીથી ઓમરીના સમય (876-869 અથવા 884-872) દરમિયાન તે સમારિયા ખાતે ખસેડાયું. રાજા ઓમરીએ ઈ. પૂ. 800માં આ શહેર બાંધેલું. જે સ્થળે આ શહેરનું નિર્માણ કરવામાં આવેલું તે સ્થળના માલિક શેમેરના નામ પરથી તેને ‘સૅમરિયા’ અથવા ‘સમારિયા’ નામ આપેલું. તે પછી ઈ. પૂ. 722માં ત્રણ વર્ષનો ઘેરો રાખ્યા પછી ઍસિરિયાએ સમારિયા જીતી લીધેલું. ઈ. પૂ. 331માં ઍલેક્ઝાંડરે આ શહેરને કબજે કરી લીધેલું. તે પછી હાઇર્કેનસે તેના પર આક્રમણ કર્યું અને ઈ. પૂ. 120માં તેને તારાજ કરી મૂકેલું. ત્યારબાદ હેરૉડ ધ ગ્રેટ દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું અને તેને ‘શેબાસ્ત’ નામ આપ્યું. આ સમારિયાના સ્થળે આજે શેબસ્તિયાહ અને જૉર્ડન આવેલાં છે.

1909માં અહીં ઉત્ખનન કરવામાં આવેલું. જેમાંથી જૂના વખતના ઘણા અવશેષો (બારમી સદીમાં બાંધેલા ક્રુઝેડર્સ ચર્ચના અવશેષો પણ) મળી આવ્યા છે. પરંપરા કહે છે કે જ્હૉન ધ બૅપ્ટિસ્ટને અહીં દફનાવેલો.

‘નવા ટેસ્ટામેન્ટ’માંના ઉલ્લેખ મુજબ સમારિયા રોમન કબજા હેઠળ હતું, ત્યારે તે હેલેનિસ્ટિક સંસ્કૃતિનું મધ્યસ્થ સ્થળ રહેલું. ઈસુ ખ્રિસ્તને સમારિયાના લોકો સાથે કોઈ નાતો ન હતો, જોકે ગ્રીકભાષી ખ્રિસ્તીઓ તેમને ઉપદેશ આપતા ખરા. હજી આજે પણ સમારિયન જાતિના થોડાક લોકો નાબુલસ ખાતે જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા