સમાજસુધારણા : જનસમુદાયના માનસમાં સ્થિર થયેલાં મનોવલણો, જીવનદર્શન અને તેમના વ્યવહારો જે પ્રગતિશીલ સમાજ સાથે સમાયોજન સાધી શકતા નથી તેમાં પરિવર્તન માટેના પ્રયાસો. આ પ્રયાસ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા અથવા કોઈ એક ભાગમાં ઉત્પન્ન થયેલા દોષો અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી પ્રેરિત થાય છે. સમાજસુધારણાનો જન્મ વિવિધ સામાજિક સમસ્યાઓમાંથી થાય છે. સમાજસુધારણા એક પ્રક્રિયા છે, જે વ્યક્તિ અને સમાજસુધારક વચ્ચેની આંતરક્રિયામાંથી જન્મે છે. જે સમાજમાં સમસ્યાઓ હોય તે સમાજને સુધારવાની તકો ઊભી થાય છે. સમાજસુધારણાનો હેતુ વ્યક્તિ કે સમુદાયના જીવનને  સમાજનાં નૈતિક મૂલ્યો અને સામાજિક સંસ્થાઓ સાથે સુસંગત બનાવવાનો હોય છે, સમાજ અને સમાજના વિભિન્ન વર્ગોને કષ્ટ આપતી કુરીતિઓને દૂર કરીને વિવિધ સવલતોની સુવિધા આપવાનો હોય છે.

સમાજસુધારણાનું એક પ્રયોજન સમાજનાં જીવનવિષયક મૂલ્યો અને સંસ્થાઓમાં પરિવર્તન લાવવાનું હોય છે. કેટલાંક રૂઢિગત મૂલ્યો સમાજનાં તત્ત્વો સાથે ભળી ગયાં હોય તેમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બને છે; પણ બીજાં કેટલાંક તત્ત્વોમાં પરિવર્તન લાવી શકાય છે, જેને સુધારણા કહે છે. આવી સુધારણા વ્યક્તિલક્ષી અને સમાજલક્ષી હોય છે.

સમાજસુધારણામાં સામાજિક-આર્થિક સંબંધો અને વર્તમાન રાજકીય માળખાની મર્યાદાને ધ્યાનમાં લઈને પરિવર્તન લાવવાનો અભિગમ અપનાવાય છે. આ અભિગમ દ્વારા લોકોનાં મૂલ્યો, વલણો, ધોરણો અને વર્તનસુધારણા તરફ ધ્યાન અપાય છે. માનવતાવાદી ધોરણોને ધ્યાને લઈ અપીલ કરવાની પદ્ધતિ અપનાવાય છે.

ભારતમાં સમાજસુધારણા માટે કારણભૂત વિવિધ પરિબળો આ પ્રમાણે છે : બ્રિટિશ સત્તા અને શાસન તથા વહીવટ, નવા સામાજિક વર્ગોનો ઉદ્ભવ અને વિકાસ, શિક્ષણનો વિકાસ, સાહિત્યનું પુનરુત્થાન અને સર્જન, લોકક્રાંતિઓ, આંદોલનો, વિદેશીઓની ટીકા, કાયદાનું શાસન, રસ્તા અને રેલવેનિર્માણ, વર્તમાનપત્રોનો વિકાસ જેવાં પરિબળોથી પરંપરાગત માળખામાં પરિવર્તન આવ્યું. સામાજિક દૂષણો દૂર થાય અને ધાર્મિક પરિવર્તન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈને સમાજસુધારણા થાય તેવી માંગ ઊઠી. શિક્ષણની પ્રક્રિયા અને પદ્ધતિથી સાહિત્યના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિસ્થિતિ સર્જાઈ. વિવિધ ભાષાઓમાં સાહિત્યસર્જન થયું જેનાથી દેશવાસીઓમાં જાગૃતિ આવી અને તેમાંથી સુધારણા માટેની ભૂમિકા સર્જાઈ. ખોટા સામાજિક રીતરિવાજો, માન્યતાઓ, કુરિવાજો, દૂષણોમાં સુધારણા લાવવાના પ્રયાસો થયા. પરિણામે સમાજસુધારણાની પ્રવૃત્તિઓથી રાજકીય સુધારા થયા.

18મી અને 19મી સદીના બ્રિટિશ શાસનકાળ દરમિયાન કેટલાક વહીવટદારોએ સામાજિક દૂષણો દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા. કન્યાને દૂધપીતી કરવી, કન્યાનો વધ કરવો, દાસપ્રથા, સતીપ્રથા, વિધવાવિવાહ જેવી અનેક બાબતો અંગે ઝુંબેશો ચાલી. સામાજિક દૂષણોને અટકાવવા માટે વિવિધ કાનૂનોનું અમલીકરણ કરવા પર ભાર મૂકીને નિરક્ષરતાનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, ધર્મ અને નાતજાતના ભેદભાવો દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા.

દેશમાં સામાજિક સુધારા પ્રથમ આવ્યા. 19મી સદી દરમિયાન સમાજસુધારાની પ્રવૃત્તિઓનો આરંભ બંગાળ અને મહારાષ્ટ્રથી થયો. બંગાળમાં સૌથી વધુ સતીઓ થઈ હતી. સતીપ્રથાની પાછળનાં કારણોમાં વારસાહક અને આર્થિક-સામાજિક બાબતોનો સમાવેશ થતો હતો. સતીપ્રથા નાબૂદ કરવાનું કાર્ય લૉર્ડ વિલિયમ બૅન્ટિક અને રાજા રામમોહન રાયે કર્યું. આ દરમિયાન બાળહત્યા નાબૂદ કરવાનો અને વિધવાવિવાહનો કાયદો પસાર થયો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, વારસાલિંગમ્, પંડિત વિષ્ણુ શાસ્ત્રી, મહર્ષી ધોંડો કેશવ કર્વે, પાન્તુલુ, મહાદેવ ગોવિંદ રાનડે, બહેરામજી મહેરવાનજી મલબારી, લોકમાન્ય ટિળક વગેરે જેવા અનેક વિચારકો વિદ્વાનોએ નોંધપાત્ર પ્રદાન આપ્યું. મહારાષ્ટ્રમાં પ્રાચીન પરંપરાઓ અને સિદ્ધાંતોમાં સામાજિક સુધારાની નીતિ અપનાવવાના નિયમો બનાવ્યા અને તેમનો અમલ કર્યો.

1857માં બળવો થતાં અંગ્રેજ શાસકોએ સામાજિક, ધાર્મિક બાબતોમાં તટસ્થતાની નીતિ અપનાવી. તેની અસર સમાજસુધારણાની નીતિ ઉપર પડી. 19મી સદી દરમિયાન વિધવાવિવાહ, સ્ત્રીશિક્ષણ, બાળલગ્ન પર પ્રતિબંધ, જાતિભેદની નાબૂદી વગેરે દ્વારા સમાજસુધારણા લાવવાની શરૂઆત થઈ. સમાજમાં જોવા મળતી બદીઓને દૂર કરીને સમાજસુધારણા કરવા પર ભાર મુકાયો. બાલ ગંગાધર ટિળક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓએ અનેક મુશ્કેલીઓ વેઠીને સમાજસુધારાનું પડકારરૂપ કાર્ય કર્યું. અનેક વિદ્વાન પુરુષોએ સ્ત્રીશિક્ષણ, સરકારી કાયદાકીય પ્રક્રિયા, સામાજિક પ્રથાઓ અને દૂષણોમાં સુધારણા લાવવાની હિમાયત કરી.

સમાજસુધારણાના આંદોલનનો આરંભ શિક્ષણના પ્રચારાર્થે થયો. વિવિધ વિદ્વાન સમાજસુધારકોએ સ્ત્રીશિક્ષણનો પ્રચાર કરીને સ્ત્રીઓની સ્થિતિ સુધારવા, સામાજિક બદીઓ દૂર કરવા માટે લોકશિક્ષણ ઉપર ભાર મૂક્યો. સરકારે વિચારણા કરીને વિવિધ કાયદાઓ ઘડીને તેમનો અમલ કરાવ્યો; જેવા કે, બાળલગ્નો અટકાવવાં; મિલકતમાં સ્ત્રીને સમાન અધિકાર, દ્વિપત્ની પર પ્રતિબંધ; દહેજપ્રથાની નાબૂદી; સ્ત્રીપુરુષ સમાન વેતનધારો વગેરે. આ ઉપરાંત વિવિધ સંપ્રદાયો અને સુધારકોએ સમાજસેવાનાં કાર્યો દ્વારા સમાજસુધારણાનાં કામો કર્યાં. બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, થિયૉસૉફિકલ સોસાયટી, રામકૃષ્ણ મિશન જેવાં ધાર્મિક સંગઠનોએ સમાજસુધારાનાં કામો કર્યાં.

સમાજસેવકોએ વિવિધ સમાજોમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવાનું કામ કર્યું. દાદાભાઈ નવરોજી અને બી. એમ. મલબારીએ પારસી સમાજમાં જોવા મળતા કુરિવાજો દૂર કરવાનું કામ કર્યું. સૈયદ અહમદખાં, મૌલવી ચિરાગ અલી, શાહ અબ્દુલ અઝીઝ, સૈયદ બરેલવી, શેખ કિસ્મત અલી, મિરઝા ગુલામ અલી, સૈયદ અકબર હુસેન જેવા સમાજસુધારકોએ મુસ્લિમ સમાજમાં જોવા મળતા કુરિવાજો દૂર કરીને શિક્ષણનો પ્રચાર કર્યો. વિવિધ સંપ્રદાયના અનુયાયીઓએ સંગઠનો બનાવીને સમાજસુધારણાનું કામ કર્યું. આ માટે અનેક આંદોલનો થયાં. દેશપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને ઉત્તેજના મળે તેવા સાહિત્યની રચના થઈ.

રાષ્ટ્રપ્રેમ અને સમાજસુધારણા પરસ્પર પૂરક બન્યાં છે. 19મી સદીનું સમાજસુધારાનું આંદોલન વ્યક્તિગત હતું, તે પછી સંગઠિત પ્રયાસો દ્વારા સમાજસુધારણાનું કામ થયું. તેનાથી રાષ્ટ્રીય ચેતના જાગી. સમાજસુધારાની પ્રવૃત્તિઓને કારણે રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ આવી. 20મી સદીના મહાન સમાજસુધારક મહાત્મા ગાંધીજીએ રાજકીય ક્ષેત્રે પ્રવેશીને રાષ્ટ્રવાદ અને સમાજસુધારણાની પ્રવૃત્તિઓ સમાંતર ચલાવી. રાષ્ટ્રીય અને રાજકીય દૃષ્ટિએ સમાજસુધારાની પ્રવૃત્તિઓ અનિવાર્ય બની ગઈ. ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે લડત ચલાવી દલિતોને ભગવાનના પુત્રો કહીને સામાજિક ન્યાય અપાવવા માટેના પ્રયાસો કર્યા.

દલિતોના ઉદ્ધાર અને મુક્તિ માટેના પ્રયાસો કરનારાઓ અન્ય સમાજસુધારકોમાં બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, કાંબળે, ચંદાવરકર, વિઠ્ઠલ રામજી શિંદે વગેરેનો સમાવેશ થતો હતો. તેનાથી દલિતોમાં જાગૃતિ આવી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે ગુજરાતમાં ગાંધીજી, ઠક્કરબાપા, જુગતરામ દવે તથા અન્ય સામાજિક કાર્યકરોએ કામ કર્યું. આવા અનેક પ્રયાસોથી દલિત અને આદિવાસી પ્રજામાં જાગૃતિ આવી. નબળા અને પછાત વર્ગોના ઉત્કર્ષ માટે રાષ્ટ્રવાદ અનિવાર્ય બન્યો. રાષ્ટ્રવાદે સમાજ-સુધારાની પ્રવૃત્તિઓનું ફલક વિસ્તૃત કર્યું, જેની અસર સમાજ-જીવન પર પડી. શિક્ષણનો પ્રચાર, પ્રસાર, સ્ત્રીજાગૃતિ, નબળા અને પછાત વર્ગનો ઉત્કર્ષ, લોકશાહી અને રાષ્ટ્રવાદ જેવાં પરિબળોએ સમાજસુધારણામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો. સમાજસુધારકોના સક્રિય પ્રયાસોથી સ્ત્રીઓ વિવિધ વિદ્યાશાખાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનાં સ્થાન, સ્થિતિ, હક, લાભ, વિશેષાધિકારો પ્રત્યે જાગ્રત બની. સામાજિક અને અન્ય પરિષદોમાં હાજર રહીને સામાજિક અન્યાયો અને ભેદભાવોનો સામનો કરવા લાગી. આને પરિણામે સ્ત્રીઓની સ્થિતિ સુધરી અને તેમની વિવિધ સંસ્થાઓનો અભ્યુદય થયો.

આઝાદીના આંદોલનમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્ત્રીઓએ રાષ્ટ્રીય અને રાજકીય ચળવળમાં ભાગ લીધો. સ્ત્રીઓની જાગૃતિથી પડદાપ્રથા નાબૂદ થઈ. લોકમતમાં પરિવર્તન આવ્યું. આ બાબતો સમાજસુધારા માટે સાનુકૂળ બની. સ્ત્રીઓ માટે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરની સંસ્થાઓ સ્થપાઈ; જેવી કે, અખિલ હિંદ મહિલા પરિષદ, ભારતીય સ્ત્રી મંડળ, મહિલાસંઘ, જ્યોતિસંઘ, ભારતીય મહિલા રાષ્ટ્રીય કાઉન્સિલ, આંતરરાષ્ટ્રીય મહિલા કાઉન્સિલ વગેરે. સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે શારદા ઍક્ટ, સિવિલ મેરેજ ઍક્ટ, વારસા અને મિલકતના હક્કો માટેના કાયદા, દેવદાસી પ્રથા વિરુદ્ધના કાયદાઓ અમલમાં આવ્યા. સ્ત્રીઓના ઉત્કર્ષ માટે રમાબાઈ રાનડે, જી. કે. દેવધરે વિવિધ પ્રયાસો અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધર્યાં. સ્ત્રીઓના કાયદાઓ ક્રાંતિકારી સ્વરૂપના હતા. સામાજિક દૂષણો દૂર કરવા આંદોલનો થયાં; જેમાં સરોજિની નાયડુ, બેગમ શરીફા, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મહારાણી ચિમનાબાઈ જેવાં સ્ત્રીનેતાઓએ સ્ત્રીઓને સમાન પ્રતિનિધિત્વ મળે તે માટે કામ કર્યું.

ગુજરાતમાં સામાજિક સુધારાનો લાંબો ઇતિહાસ છે. કવિ નર્મદે વિધવા સ્ત્રીને આશ્રય આપીને, તેની સાથે લગ્ન કરીને સમાજસુધારાના વિચારો વહેતા કર્યા; વિધવાવિવાહનો પ્રચાર કર્યો, સ્ત્રીશિક્ષણની હિમાયત કરી, મરણ પાછળ રોવા-કૂટવાના રિવાજોનો અને દહેજપ્રથાનો વિરોધ કર્યો. કવિ દલપતરામે બાળલગ્ન, મૃત્યુ પાછળ થતા રિવાજોની ઠેકડી ઉડાવીને સ્ત્રીઓનાં બંધન અને દેશાટન પરનાં નિયંત્રણોને દૂર કરવાના પ્રયાસોને લગતા વિચારો કવિતા અને લખાણોમાં વ્યક્ત કર્યા. ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપના થઈ. જેમાં સ્ત્રીકેળવણી, દેશાભિમાન, સ્થળાંતર, વિધવાવિવાહ જેવા વિષયોને પ્રમુખ સ્થાન અપાયું. આ ઉપરાંત કરસનદાસ મૂળજી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા, રણછોડલાલ છોટાલાલ લશ્કરી, ગોપાળ હરિ દેશમુખ, લાલશંકર ઉમિયાશંકર, રણછોડલાલ ઉદયરામ, શંકર પાંડુરંગ, ઝવેરીલાલ ઉમિયાશંકર, મન:સુખરામ સૂર્યરામ, નંદશંકર મહેતા, નવલરામ મહેતા જેવા અનેક વિદ્વાનોએ સમાજસુધારાનું કામ કર્યું. ખ્રિસ્તી પાદરીઓએ વનવાસી અને આદિવાસી વિસ્તારોમાં જઈને, અજ્ઞાનતા દૂર કરવાના પ્રયાસો કરીને શિક્ષણનો વ્યાપ વધાર્યો ને સમાજસુધારણાનું કાર્ય કર્યું.

ગાંધીજીએ સમાજસુધારાના ખ્યાલને સમાજસેવામાં પરિવર્તિત કર્યો. સમાજસુધારાને સ્વતંત્રતાની લડત સાથે જોડી દીધો. સમાજસુધારામાં ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, અનસૂયાબહેન સારાભાઈ, મીઠુબહેન પિટીટ, શારદાબહેન મહેતા, પરીક્ષિતલાલ મજમુદાર, મામાસાહેબ ફડકે, જુગતરામ દવે જેવા કાર્યકરોએ સાથ-સહકાર આપ્યો. દલિતોના ઉદ્ધાર અને વિકાસ માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરીને સમાજસુધારાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી. આદિવાસીઓના ઉત્કર્ષ માટે ઠક્કરબાપાના નેજા હેઠળ ભીલ સેવા મંડળની સ્થાપના કરીને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આવા અનેક કાર્યકરો અને લોકસેવકોએ પછાત અને નબળા વર્ગોના ઉત્કર્ષ માટે કામ કર્યું; જેના પરિણામે આવા વર્ગોમાં જાગૃતિ આવી.

સમાજસુધારણાના ક્ષેત્રે બે પ્રકારની સંસ્થાઓ કાર્યરત છે : રાજકીય અને બિનરાજકીય. રાજકીય સંસ્થાઓ રાજકીય પક્ષોની પેટાસંસ્થાઓ હોય છે, જે રાજકારણીઓ અને રાજકારણ સાથે સંકળાયેલા કાર્યકરો દ્વારા સમાજસુધારાનું કામ કરે છે. બિનરાજકીય સંસ્થાઓ રાજકારણથી પર રહીને લોકસેવકો અને સમાજસેવકો દ્વારા સમાજસુધારાનું કામ કરે છે. આવી સુધારાવાદી સંસ્થાઓએ જન-આંદોલન દ્વારા સામાજિક દૂષણો અને કુરિવાજોને દૂર કરીને સમાજસુધારાના પ્રયાસો કર્યા છે.

હર્ષિદા દવે