સમાજસુરક્ષા : વિકલાંગતા, વંચિતતા, અજ્ઞાનતા, વૃદ્ધાવસ્થા, બેકારી, બીમારી, અકસ્માત જેવાં સંકટોમાં નાગરિકોને સહાય આપવા માટેનો સામાજિક પ્રબંધ. તેનો આશય આપત્તિગ્રસ્ત વ્યક્તિની આર્થિક સ્થિતિને ન્યૂનતમ સ્તર પર ટકાવી રાખવાનો છે.

સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ગર્ભાવસ્થા, બીમારી, અકસ્માત, વિકલાંગતા, કુટુંબના મોભીનું અવસાન, બેકારી, વયનિવૃત્તિ, વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોને લીધે ગુમાવેલ આવકની ક્ષતિપૂર્તિ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આવા કાર્યક્રમોનું સંચાલન અને વ્યવસ્થાપન સરકાર તથા સરકારી સહાય દ્વારા થાય છે.

સમાજસુરક્ષાના અભિગમોમાં સામાજિક વીમો, સામાજિક સહાયતા અને લોકસહાયતાનો સમાવેશ થાય છે. આનો ઉપયોગ વિવિધ સ્વરૂપોમાં થાય છે. સામાજિક વીમો ધરાવતી વ્યક્તિઓના મૃત્યુ બાદ એમના આશ્રિતોને બીમારી, અકસ્માત, વૃદ્ધાવસ્થા, વિધવાપણું જેવી સ્થિતિમાં અંશદાન અપાય છે. જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી તેમને સામાજિક સહાયતા અપાય છે. અન્ય કારણોને લીધે વ્યક્તિ આજીવિકા કે રોજગારી મેળવવા અસમર્થ બને તેને પણ સામાજિક સહાય અપાય છે.

સમાજસુરક્ષાનો ઉદ્ભવ યુરોપમાં 18મી સદીમાં થયો. ઔદ્યોગિકીકરણ પછીની પરિસ્થિતિ સમાજસુરક્ષા સાથે સંકળાયેલી છે. આ માટે વિવિધ દેશોએ વિવિધ પ્રકારની યોજનાઓનો અમલ કર્યો છે.

સમાજસુરક્ષા નીચે અપાતી નાણાકીય સહાય વિભિન્ન વ્યક્તિની જરૂરિયાતો અને લાયકાતો પર આધાર રાખે છે. સમાજસુરક્ષાના કાર્યક્રમો પાછળ થતો નાણાકીય ખર્ચ લાભ અને નુકસાન પર આધારિત છે. કેટલાક દેશોમાં સરકાર પણ સમાજસુરક્ષાના કાર્યક્રમો માટે સહાય આપે છે, જેની પાછળનો આશય સમાજસેવાના કાર્યક્રમોના વિકાસનો છે.

મોટાભાગના પશ્ચિમના વિકસિત દેશોમાં વૃદ્ધાવસ્થા માટેના પેન્શનની વ્યવસ્થા દસકાઓ પૂર્વે કરવામાં આવી હતી; દા.ત., જર્મનીમાં, છેક 1889માં આ યોજના દાખલ કરવામાં આવી હતી. ઇંગ્લૅન્ડમાં 1908માં, ફ્રાંસમાં 1910માં અને અમેરિકામાં 1935માં એને અંગેના કાયદા કરવામાં આવ્યા હતા. ભારતમાં સરકારી કર્મચારીઓને જે રીતે પેન્શન આપવામાં આવે છે તે પ્રકારની આ યોજનાઓ નથી. એ યોજનાના પાયામાં સામાજિક વીમાયોજનાનો સિદ્ધાંત રહેલો છે. જેમ જિંદગીના, માંદગીના કે આગ-અકસ્માતના વીમામાં ચૂકવવામાં આવતું વળતર આખરે તો વીમાદારોએ તે માટે ચૂકવેલા પ્રીમિયમની આવકમાંથી ચૂકવવામાં આવે છે, તેમ વૃદ્ધાવસ્થા માટે આપવામાં આવતાં નાણાં આખરે તો એ વૃદ્ધોએ તેમની પૂર્વાવસ્થામાં તેને માટે ભરેલાં નાણાંમાંથી જ ચૂકવવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે વૃદ્ધોને તેમની વૃદ્ધાવસ્થામાં જે પેન્શન ચૂકવવામાં આવે છે એ માટેની બચત તો તેમણે તેમના કમાણીકાળમાં કરી હોય છે. વધારે ચોકસાઈથી કહીએ તો એવી બચત કરવાની તેમને ફરજ પાડવામાં આવી હોય છે. કેટલાક દેશોની યોજનાઓની થોડી વિગતો આ સંદર્ભમાં અહીં પ્રસ્તુત છે.

જર્મનીમાં આ યોજનાનો આરંભ 1889થી થયેલો અને 1911માં તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. રોજગારીમાં હોય એવા બધા કર્મચારીઓ-કામદારોને તેમાં આવરી લેવામાં આવે છે. ખાણોમાં કામ કરતા કામદારો, સરકારી નોકરો, સ્વરોજગારમાં હોય તેવા કારીગરો તથા ખેડૂતો માટે જુદી યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. આ વીમાયોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ 180 મહિના(15 વર્ષ)નો ફાળો આપેલો હોવો જોઈએ. તેમાં કામદારો તથા માલિકો પાસેથી સરખા પ્રમાણમાં ફાળો લેવામાં આવે છે. યોજનાના સંચાલન માટે તેમજ અન્ય હેતુઓ માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને ઠરાવવામાં આવ્યા પ્રમાણે પેન્શન ચૂકવવામાં આવે છે.

ઇંગ્લૅન્ડમાં 1908થી આ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ન્યૂનતમ ધોરણે ત્રણ વર્ષની નોકરી કરનાર અને વાર્ષિક સરેરાશ 50 અઠવાડિયાંનો ફાળો આપનાર કામદાર-કર્મચારી આ યોજનાનો લાભ લેવા માટે હકદાર બને છે. લાભની શરૂઆત પુરુષો માટે 65 વર્ષની વય અને સ્ત્રીઓ માટે 60 વર્ષની વયે થાય છે. આ માટેનો ફાળો કર્મચારી-કામદાર, રોજગારીદાતા અને સરકાર આપે છે. કામદારોની તુલનામાં માલિકો પાસેથી વધુ ફાળો લેવામાં આવે છે. કામદારો અને માલિકો પાસેથી જે કુલ રકમ આવે તેનો 25 ટકા જેટલો હિસ્સો સરકાર આપતી હતી.

ફ્રાંસમાં સામાજિક વીમાના સિદ્ધાંત પર આધારિત આ યોજનાને સ્પર્શતો કાયદો 1910માં કરવામાં આવ્યો હતો. આ યોજના પ્રમાણે વીમાદાર 60 વર્ષનો થાય ત્યારથી તેને લાભ મળવો શરૂ થાય છે. એ વયે પહોંચેલી લાભાર્થી વ્યક્તિ નિવૃત્ત થયેલી હોય તે જરૂરી નથી. પૂરું નિવૃત્તિવેતન મેળવવા માટે 30 વર્ષની નોકરી કરી હોય તે જરૂરી છે. તેનાથી ઓછી સેવા આપી હોય તો તે ઓછા પેન્શન માટે હકદાર બને છે. પાયાનું પેન્શન લાભાર્થીએ છેલ્લાં દસ વર્ષ જે સરેરાશ કમાણી મેળવી હોય તેના 20 ટકા જેટલું ચૂકવવામાં આવે છે. આ યોજનામાં સામેલ વ્યક્તિએ તેના વેતનનો છ ટકા ફાળો આપવો પડે છે. તેના રોજગારીદાતાને 15 ટકા ફાળો આપવાનો હોય છે, જ્યારે સરકાર કોઈ ફાળો આપતી નથી.

અમેરિકામાં નિવૃત્તિ માટેની આ સામાજિક યોજનામાં કામદારો-માલિકો પાસેથી સરખા પ્રમાણમાં ફાળો લેવામાં આવે છે. સરકાર તેમાં કોઈ ફાળો આપતી નથી. નોકરીમાં હોય એવી દસમાંથી નવ વ્યક્તિઓને આ યોજના નીચે આવરી લેવામાં આવે છે. આ નિવૃત્તિવેતનનો લાભ નિવૃત્ત થયેલી વ્યક્તિઓને જ મળે છે. નિવૃત્તિવય પુરુષો માટે 65 વર્ષની અને સ્ત્રીઓ માટે 60 વર્ષની છે.

ભારતમાં સંગઠિત ક્ષેત્રના કામદારોને સમાજસુરક્ષાના કેટલાક લાભો મળે છે; દા.ત., સરકારી કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે, આ ક્ષેત્રના કર્મચારીઓને તબીબી સારવાર માટે ભથ્થું ચૂકવાય છે, પ્રૉવિડન્ટ ફંડયોજનાનો લાભ આ ક્ષેત્રના બધા કર્મચારીઓને મળે છે; પરંતુ આ પ્રકારના લાભો મેળવતા કર્મચારીઓનું પ્રમાણ દેશમાં દસ ટકાથી ઓછું છે. જેને અસંગઠિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તેમાં કામ કરતા કામદારો-કર્મચારીઓને સમાજસુરક્ષાનો લાભ મળતો નથી. તેમને સમાજસુરક્ષા પૂરી પાડવા માટેનો એક ખરડો લોકસભામાં 2005ના વર્ષમાં રજૂ કરવામાં આવ્યો હતો [Unorganised Sector Workers’ Social Security Bill, 2005].

આ ખરડામાં જે જોગવાઈઓ રાખવામાં આવી છે તેમાંની કેટલીક આ પ્રમાણે છે : આ કાયદો સમગ્ર દેશને લાગુ પાડવામાં આવશે, માસિક રૂ. 5000 કે તેથી ઓછી આવક મેળવનારાઓને આ યોજનાનો લાભ મળશે. તેમાં સ્વરોજગારમાં હોય એવા કામદારો, નાના અને સીમાંત ખેડૂતોને પણ આ યોજનામાં સામેલ કરવાનો ખ્યાલ છે, વેતનદારો, ઘેર રહીને કામ કરનારાઓ અને સંગઠિત ક્ષેત્રમાં કોઈ પ્રકારની સમાજસુરક્ષા નહિ મેળવતા કામદારોને પણ આ ખરડામાં આવરી લેવામાં આવ્યા છે. આ ખરડો જો કાયદો બનશે તો અસંગઠિત ક્ષેત્રના 30 કરોડ કામદારોને તેનો લાભ મળશે એવો અંદાજ છે. જોકે આ સૂચિત ખરડો ગૃહ સમક્ષ ચર્ચા-વિચારણા માટે મુકાયો નથી.

પ્રસ્તુત ખરડામાં સમાજસુરક્ષા નીચે અસંગઠિત ક્ષેત્રના કામદારોને જે લાભો મળનાર છે તે આ પ્રમાણે છે : (1) 60 વર્ષથી મોટી વયના કામદારોને નિવૃત્તિ-વેતન; (2) પતિપત્ની અને 18 વર્ષથી નીચેની વયનાં સંતાનો માટે આરોગ્યવીમાનો લાભ; (3) સ્ત્રી-કામદારને પ્રસૂતિ અંગેના લાભો અથવા પુરુષ-કામદારને તેની પત્નીને પ્રસૂતિ આવે ત્યારે લાભ; (4) અકસ્માતથી થતા મૃત્યુ કે આવતી અપંગતા માટે વીમો. આ બધા લાભો મેળવવા માટે કામદારે પોતાનું નામ નોંધાવેલું હોવું જોઈએ. તેની ઉંમર 18 વર્ષથી મોટી હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે કામદારે રોજના એક રૂપિયા લેખે ફાળો આપવાનો રહેશે. જે કામદારો ગરીબીની રેખા નીચે જીવતા હશે તેમનો ફાળો કેન્દ્ર સરકાર આપશે. તેમાં માલિકો (રોજગારીદાતાઓ) એક રૂપિયા લેખે ફાળો આપશે. કામદાર સ્વરોજગારમાં હોય તો માલિક વતી સરકાર ફાળો આપશે. આ યોજનાનો અમલ વહીવટી રીતે કેટલો અસરકારક નીવડે અને તેમાં જે નાણાકીય બોજો સરકારે ઉપાડવાનો થાય તે કેટલો મોટો હશે તે બે પાયાના પ્રશ્નો આ સૂચિત યોજનાની બાબતમાં ઉદ્ભવે છે.

આજે પણ દેશનાં વિવિધ રાજ્યોમાં કામદારોનાં કેટલાંક જૂથો માટેની કેટલીક કલ્યાણયોજનાઓ અને વીમાયોજનાઓ ચાલે છે; દા.ત., આંધ્ર પ્રદેશમાં રિક્ષાચાલકો અને ખેતમજૂરો માટે વીમાયોજના ચાલે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કામદારોનાં ચોક્કસ જૂથો માટે સમાજસુરક્ષાનાં કેટલાંક પગલાં ભરવામાં આવેલાં છે. દેશનાં કેટલાંક રાજ્યો વૃદ્ધોને પેન્શન આપે છે. વિવિધ રાજ્યોમાં કેટલીક કલ્યાણ-પ્રવૃત્તિઓ માટે બૉર્ડ રચવામાં આવ્યાં છે. આ રાજ્યોમાં કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. કેટલાંક સ્વૈચ્છિક સંગઠનો પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતા કામદારો માટે સામાજિક સુરક્ષાની નાની મોટી પ્રવૃત્તિઓ કરે છે.

હર્ષિદા દવે