સત્યાગ્રહ (સામયિક)

January, 2007

સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયના આચાર્ય-પદેથી છૂટા થયા, ત્યારે એમણે તે જ વર્ષે 15મી ઑગસ્ટે ‘સત્યાગ્રહ’ નામનું સાપ્તાહિક પત્ર શરૂ કર્યું. આ પત્રના મુદ્રક-પ્રકાશક એમના પરમ મિત્ર અને ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક ગોપાળદાસ પટેલ હતા.

આ સાપ્તાહિકના પ્રથમ પાના ઉપર ગાંધીજીનું જાણીતું વાક્ય છપાતું હતું : ‘સત્યનો જય થાઓ; અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો’; આ ઉપરાંત સત્ય વિશેનો એક સંસ્કૃત શ્લોક પણ પ્રથમ પાના ઉપર છપાતો હતો. દર શનિવારે પ્રગટ થતા આ સામયિકનું વાર્ષિક લવાજમ માત્ર રૂ. 8 હતું. 8 પાનાંની આ અંકની છૂટક કિંમત માત્ર 20 પૈસા હતી. આ પત્રમાં પણ ગાંધીજીનાં અખબારોની જેમ જાહેરખબર લેવામાં આવતી નહોતી.

તા. 24-9-66થી છૂટક નકલની કિંમત 20ને બદલે 30 પૈસા કરવામાં આવી. તા. 4-3-67થી 8ને બદલે 6 પાનાં કરવામાં આવ્યાં અને તા. 16-3-68થી વાર્ષિક લવાજમ 8ને બદલે રૂ. 10 કરવામાં આવ્યું હતું. સંપાદકના તા. 1-2-69ના રોજ અવસાનની નોંધ સાથે તા. 8-2-1969નો અંતિમ અંક પ્રકાશિત થયો હતો. આમ 8 વર્ષ આ સામયિક ચાલ્યું. ને તેનો છેલ્લો 25મો અંક 8મી ફેબ્રુઆરીએ પ્રગટ થયો હતો.

પ્રથમ ખંડમાં અગ્રલેખ રૂપે મગનભાઈ દેસાઈએ ‘હરિ ૐ તત્ સત્’ નામથી લેખ લખ્યો હતો. છેલ્લા અંકમાં ગોપાળદાસ પટેલે ‘બુદ્ધિયોગી મગનભાઈ’ નામથી લેખ લખી તેમને અંજલિ આપી હતી. તે જ અંકમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળમાંથી મગનભાઈએ આપેલા રાજીનામાનો પત્ર પણ છપાયો છે.

તંત્રીનો પત્રવ્યવહાર ‘નવજીવન’ના સરનામે અને લવાજમ વગેરે અંગે ગોપાળદાસ પટેલનું સરનામું છપાયું હતું. આ પત્રની જાહેરાત આ મુજબ અપાઈ હતી, ‘રાષ્ટ્રજીવન અને તેનો વિકાસ તથા સમગ્ર પુનર્ઘટનાના પ્રશ્નોનો વ્યાપક દૃદૃષ્ટિએ વિચાર અને ચર્ચા કરનારું સાપ્તાહિક પત્ર’.

સામયિકના ચોથા પાને અગ્રલેખ ઉપર કાયમ એક વિચારકલિકા છાપવામાં આવતી હતી, જેમાં કોઈ ને કોઈ મહાપુરુષનાં વચનો છપાતાં. ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે તા. 1-2-1969ના અંકમાં તંત્રીનું કાવ્ય ‘30મી જાનેવારી’ છપાયું હતું, જે એમણે 27મી જાન્યુઆરીએ લખ્યું હતું અને એ અંક 1લી ફેબ્રુઆરીએ પ્રગટ થયો તે જ દિવસે સંપાદક મગનભાઈ દેસાઈનું અવસાન થયું હતું.

તા. 30-9-1961થી આ સામયિકમાં ‘સંસ્કાર અને સાહિત્યપૂર્તિ’નાં 4 પાનાં વધારવામાં આવ્યાં હતાં અને તે દર માસના અંતે પૂર્તિ રૂપે અપાતાં. આમાં ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના કૉપીરાઇટ વિભાગમાં આવતાં ‘ગુજરાતી પ્રકાશનો’ના નામથી દર માસે આંકડાઓ સાથે વિષયવાર અને ઉલ્લેખનીય પુસ્તકોની યાદી આવતી. આ પૂર્તિ તા. 28-8-1965 સુધી ચાલી. આ પૂર્તિમાં ‘નવું વાંચન’ અને ‘સાભાર સ્વીકાર’ બે વિભાગો આવતા, જેમાં અનુક્રમે પુસ્તકસમીક્ષા અને એ અર્થે આવતાં પુસ્તકોની સૂચિ અપાતી હતી. પૂર્તિ બંધ થયા પછી ‘નવાં પ્રકાશનો’ નામથી દર મહિને નાનો લેખ આવતો, જે નવેમ્બર 1967 સુધી ચાલ્યું.

આ સામયિકમાં વિશ્વની કેટલીક ઉત્તમ નવલકથાઓના અનુવાદ લેખમાળા રૂપે છપાયા છે. ચાર્લ્સ ડિકન્સની ત્રણ નવલકથાઓ અને આનાતોલ ફ્રાંસની એક નવલકથા આમ અનુવાદ રૂપે મળ્યાં છે. ઉપરાંત, દર સપ્તાહે ‘વિવિધ વિચાર’ નામથી સંપાદક અનેક વિષયો પર નોંધો લખતા. આ ઉપરાંત પ્રશ્નપેટી, ચર્ચાપેટી, લોકચર્યા, ટપાલપેટી વગેરે પણ અવારનવાર આવતાં હતાં.

દશરથલાલ શાહ