સજ્ઝાય : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત જૈન પદપ્રકાર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ખેડનારા અને વિકસાવનારા સર્જકોમાં જૈન સાધુકવિઓનું પ્રદાન અતિ મૂલ્યવાન છે. રાસા, ચરિય, ફાગુ આદિ પદ્યસ્વરૂપોની સાથે સાથે જ આ કવિઓને હાથે સ્તવન, સ્તુતિ, પૂજા, વિવાહલો, વેલિ, ચૈત્યવંદન, લેખ, હરિયાળી, ગહૂંળી જેવાં સર્જાયેલાં લઘુ પદ્યસ્વરૂપોમાંનું એક ગેય સ્વરૂપ છે સજ્ઝાય; જે વિશેષત: જૈન પરંપરામાં જ અતિ વ્યાપક રીતે ખેડાયેલું જોવા મળે છે.

‘સજ્ઝાય’ સંસ્કૃતના ‘સ્વાધ્યાય’ શબ્દમાંથી વ્યુત્પન્ન થઈને પ્રાકૃતમાં પ્રચલિત બનેલો જૈન પારિભાષિક શબ્દ છે. જૈન પરંપરામાં આ શબ્દનો એક અભિપ્રેત અર્થ છે આત્મચિંતન – સ્વનો અધ્યાય. તેથી જ આવા સ્વાધ્યાયને બાર પ્રકારના તપ પૈકીનું એક અભ્યંતર તપ કહ્યું છે, જે સાધુજીવનની સંયમ ભાવનાનું સંવર્ધન કરે છે ને ગૃહસ્થની વૈરાગ્ય ભાવનાને જાગ્રત કરે છે.

એ રીતે આત્મચિંતન તરફ દોરી જતી, વૈરાગ્યભાવને પોષક ઉપદેશપ્રધાન એવી રચનાઓ ‘સજ્ઝાય’ને નામે ઓળખાઈ. સંસારની અસારતા, દેહની નશ્વરતા, કામ-ક્રોધ આદિ કષાયોનો ત્યાગ, પરિષહ, પશ્ચાત્તાપ, કરુણા, મૈત્રી, ક્ષમાશીલતા, જીવદયા જેવી સદ્ભાવનાઓનો જીવનમાં સ્વીકાર વગેરે વિષયોને આવરી લેતું ધર્મપ્રબોધન  એ આ ‘સજ્ઝાય’નો પ્રધાન સૂર છે.

જૈન પરંપરામાં ‘સ્તવન’ નામે ઓળખાતી પદ્યરચનાથી ‘સજ્ઝાય’ એ રીતે જુદી પડે છે કે સ્તવનમાં મુખ્યત્વે પ્રભુ પરત્વેની ભક્તની પ્રીતિ-ભક્તિ-પ્રાર્થના તેમજ પ્રભુનાં રૂપગુણ-વર્ણનની સંલીનતા હોય છે અને જિનાલયોમાં એ વ્યક્તિગત કે સામૂહિક રીતે ગવાય છે; જ્યારે સજ્ઝાય એ આત્મચિંતન માટે વૈરાગ્યભાવને જાગ્રત કરનારી રચનાઓ હોઈ પ્રતિક્રમણ જેવી આવદૃશ્યક ક્રિયાવિધિ સમયે એકને મુખે ગવાય છે અને અન્ય વ્યક્તિઓ સ્વાધ્યાય રૂપે એનું શ્રવણ કરે છે. જૈનો રાત્રિની દેવસી-પ્રતિક્રમણવિધિમાં વૈરાગ્યપ્રધાન સજ્ઝાયનું ગાન કરે છે, જ્યારે પ્રાત:કાળની રાઈ-પ્રતિક્રમણવિધિમાં સાધુ મહાત્માઓ, મહાપુરુષો, સતી નારીઓનું નામસ્મરણ કરતી ‘ભરહેસરની સજ્ઝાય’નું શ્રવણ કરે છે.

મધ્યકાલીન સજ્ઝાય રચનાઓ કેવળ સીધો ધર્મબોધ આપીને અટકી નથી, પણ જૈન પરંપરાના અનેક સાધુમહાત્માઓ અને સતી સ્ત્રીઓનાં તપ, ત્યાગ, શીલ, સંયમ, ક્ષમા, કરુણા જેવા ઉત્કૃષ્ટ ભાવોને પ્રગટ કરતાં સંક્ષિપ્ત કથાનકોને પણ આલેખ્યાં છે. જોકે એ કથાનકો દ્વારા સજ્ઝાયનું અંતિમ પ્રયોજન તો ધર્મમય જીવનનો મર્મ જ પ્રગટ કરવાનું હોય છે.

વિષયની દૃષ્ટિએ આ સજ્ઝાય રચનાઓ સાધુચરિત આત્માઓનાં કથાનકો નિરૂપતી, શીલ-સંયમ-સચ્ચારિત્રનો સીધો ઉપદેશ કરતી, જૈન તત્વદર્શનનું નિરૂપણ કરતી, આગમગ્રંથો – ધર્મગ્રંથોનો પરિચય કરાવતી, જૈન પરંપરાનાં વિવિધ તપોનો મહિમા સમજાવતી, પર્યુષણા જેવા મહાપર્વને નિરૂપતી જોવા મળે છે.

કથનાત્મક સજ્ઝાયોમાં ઇલાચીકુમાર, અરણિક મુનિ, સ્થૂલિભદ્ર, વજ્રસ્વામી, મેતાર્ય મુનિ, મેઘકુમાર, જંબૂસ્વામી, ઝાંઝરિયા મુનિ, આષાઢ-ભૂતિ જેવા સાધુઓ; બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, અંજના જેવી સતી નારીઓ; ભરત, સનતકુમાર જેવા ચક્રવર્તીઓ; ગૌતમસ્વામી જેવા ગણધરો તથા નેમિનાથ આદિ તીર્થંકરોના જીવનપ્રસંગોનું નિરૂપણ છે. ઉપદેશપ્રધાન સજ્ઝાયોમાં ક્રોધ-માન-માયા-લોભ આદિ કષાયો; કુગુરુ, કુમતિ, અસ્થિર જોબન, વ્યસનપરિહાર, રાત્રિભોજનત્યાગ, શિયળની નવ વાડ, ગર્ભાવાસ, ગુરુવિનય વગેરે વિષયો આલેખાયા છે. જૈન તત્વદર્શનનો પરિચય કરાવતી સજ્ઝાયોમાં અઢાર પાપસ્થાનક, ચૌદ ગુણસ્થાનક, સમ્યક્ત્વના 67 બોલ, પાંચ મહાવ્રત, બાર ભાવના, શ્રાવકનાં બાર વ્રત, સામાયિકના 32 દોષ વગેરેનો સમાવેશ થાય છે. ‘ભગવતીસૂત્ર’, ‘સૂત્રકૃતાંગસૂત્ર’, ‘જ્ઞાતાસૂત્ર’, ‘દશવૈકાલિકસૂત્ર’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરની સજ્ઝાયો આગમગ્રંથોનો પરિચય કરાવે છે. તપવિષયક સજ્ઝાયો રોહિણી તપ, આયંબિલ તપ વગેરે તપોને નિરૂપે છે.

‘અઢાર નાતરાંની સજ્ઝાય’, ‘પાંચમા આરાની સજ્ઝાય’, ‘તંબાકુ-પરિહારની સજ્ઝાય’, ‘જીભલડીની સજ્ઝાય’ જેવી સજ્ઝાયોમાં કવિઓએ સત્વશીલ જીવન-બોધ માટે પસંદ કરેલા વિષયોનું વૈવિધ્ય જોઈ શકાશે.

લાવણ્યસમય, સહજસુંદર, ઉપા. યશોવિજયજી, આનંદઘન, ઉદયરત્ન, જિનહર્ષ, લબ્ધિવિજય, જ્ઞાનવિમલ, જયવંતસૂરિ, માનવિજય, સમયસુંદર, ઋષભદાસ શ્રાવક, પદ્મવિજય, ઉત્તમવિજય, વીરવિજય, કાંતિવિજય  એમ અનેક જૈન કવિઓને હાથે સજ્ઝાયરચનાની પરંપરા ચાલુ રહી છે.

ઉપા. યશોવિજયજી, જ્ઞાનવિમલ જેવા કેટલાક કવિઓની સજ્ઝાયો અનેક ઢાળોમાં વિભક્ત થયેલી મળે છે; જેમ કે, યશોવિજયજીની ‘સમ્યક્ત્વના 67 બોલની સજ્ઝાય’ 12 ઢાળમાં, ‘પ્રતિક્રમણ હેતુગર્ભિત સજ્ઝાય’ 19 ઢાળમાં રચાયેલી છે. એમની ‘અઢાર પાપસ્થાનક સજ્ઝાય’ 18 સજ્ઝાયોનો અને ‘અગિયાર અંગની સજ્ઝાય’ 11 સજ્ઝાયોનો ગુચ્છ બની છે. જ્ઞાનવિમલે લગભગ સોએક સજ્ઝાયો રચી છે. એમની ‘પર્યુષણના વ્યાખ્યાનની સજ્ઝાય’ 16 ઢાળમાં રચાયેલી છે. માનવિજયે ‘ભગવતીસૂત્ર’ આગમગ્રંથના જુદા જુદા શતકો ઉપર સજ્ઝાયો આપી છે. ઉદયરત્નની ક્રોધ-માન-માયા-લોભની સજ્ઝાય જૈન સમુદાયમાં ખૂબ જ પ્રચલિત બની છે.

કાન્તિલાલ શાહ