સખી-સંપ્રદાય : મધ્યકાલીન ભારતનો એક સંપ્રદાય. રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાને કેન્દ્રમાં રાખીને 16મી સદીમાં સ્વામી હરિદાસ દ્વારા આ સંપ્રદાય શરૂ થયો હતો. તે ‘હરિદાસી સંપ્રદાય’ તરીકે પણ જાણીતો છે. સ્વામીજી શરૂમાં નિમ્બાર્ક મતના અનુયાયી હતા, પરંતુ ભગવત્પ્રાપ્તિ માટે ગોપીભાવને જ એકમાત્ર સાધન ગણીને તેમણે પોતાના અલગ મતની સ્થાપના કરી હતી. વૃંદાવનમાંથી તેમને પ્રાપ્ત થયેલી બાંકેબિહારીની મૂર્તિ આજે ત્યાંના બિહારીજીના મોટા મંદિરમાં બિરાજમાન છે. શરૂઆતમાં હરિદાસજીએ પોતાના આ સંપ્રદાયને વેદાંતના કોઈ વાદ કે સિદ્ધાંત સાથે જોડ્યો ન હતો. તેમનો એકમાત્ર આદર્શ રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાનો સખીભાવે પ્રચાર કરવાનો હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ પોતાને રાધાની સખી માનીને કૃષ્ણની ઉપાસના કરે છે. તેઓ સ્ત્રીઓની જેમ વેશભૂષા ધારણ કરે છે, રંગીન વસ્ત્રો પહેરે છે, અલંકારો ધારણ કરે છે. પોતાનાં સાંપ્રદાયિક નામો પણ સ્ત્રીવાચક રાખે છે; જેમ કે પ્રેમા, લલિતા, શશિકલા વગેરે. તેઓ સંગીત દ્વારા રાધાકૃષ્ણને પ્રસન્ન કરે છે. રાધાકૃષ્ણની ભક્તિ તેમને માટે સૌથી વધુ મહત્ત્વની હોય છે. અયોધ્યા, જનકપુર અને વૃંદાવન આ સંપ્રદાયનાં કેન્દ્રો છે. ઉચ્ચ શ્રેણીના રસિક ભક્તો પોતાના સખીભાવને લોકાચારથી અલગ  ગુપ્ત રાખે છે. હરિદાસજીકૃત ‘કેલિમાલ’ આ સંપ્રદાયનો જાણીતો ગ્રંથ છે. તેમની શિષ્ય-પરંપરામાં વિઠ્ઠલવિપુલ, બિહારિનીદેવ, ભગવત્-રસિક અને સહરિચરણ મુખ્ય છે. વિઠ્ઠલવિપુલે રાધાકૃષ્ણની નિકુંજલીલા, રાસલીલા, હિંડોળા, વગેરે વિષયો પર પદોની રચના કરી છે. તેમના શિષ્ય બિહારિનીદેવે કૃષ્ણલીલાની કાવ્યરચના કરી છે.

થૉમસ પરમાર