સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે ભૂપ્રસારી શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો મોટાં અને મૃદુરોમિલ હોય છે. ફળ પેપો (pepo) પ્રકારનાં, ગોળાકાર, અંડાકાર કે ઉપવલયી અને કદ તેમજ રંગની દૃષ્ટિએ વિવિધતાવાળાં હોય છે.

તેનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં મોટા પાયા પર વાવેતર થાય છે. તે સ્વાદિષ્ટ અને ખુશબોદાર ફળ ઉત્પન્ન કરે છે, જે ભોજન પછી મધુર વાની તરીકે પીરસાય છે. તેને સમગ્ર ભારતમાં ખાસ કરીને ઉષ્ણ અને શુષ્ક ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. ફળનાં કદ અને આકાર, જાડાઈ; છાલનો રંગ અને ચિહ્નાંકનો (markings); અંદરના ગરની સુગંધી અને રંગ તેમજ સંવર્ધનના વલણ પરથી તેની અસંખ્ય જાતો શોધાઈ છે. છાલ મૃદુ કે સખત, પીળા, આછા પીળા અથવા નારંગી રંગની હોય છે. તેની સપાટી સાદી, ગૂંથણીવાળી કે શૂળો વડે ચિહ્નાંકિત હોય છે. ગરનો રંગ આછો પીળો, પીળો, નારંગી અથવા લીલો હોય છે. કેટલીક જાણીતી જાતો આ પ્રમાણે છે : (1) ‘સારદા’, ભારતમાં તેની મર્યાદિત પ્રમાણમાં વાવણી થાય છે; (2) લખનૌની ‘સફેદાહ’ અને ‘ચિત્તા’; (3) પંજાબની ‘ચુમૈરી’ અને ‘કલાચી’; (4) ચેન્નાઈની ‘બથાસા’, ‘શરબત અનાર’, ‘શિરંજિર’ (જામ ખિર્ની), ‘હિંગન’ અને ‘બુદુમી’. અંત:પ્રજનન (inbreeding) દ્વારા સુધારેલી જાતોની પસંદગીના પ્રયાસો પંજાબમાં થયા છે. સકરટેટીની M. 200, M. 153 અને M. 374 આશાસ્પદ જાતો છે.

સકરટેટીનું ફળ

આ વેલો ઉષ્ણ અને શુષ્ક પ્રદેશોમાં થાય છે અને તેને પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. તેને ઘણી વાર જ્યાં કોઈ પાક ઊગી ન શકે તેવા નદીના રેતાળ ક્યારાઓમાં વાવવામાં આવે છે. નદીનું પાણી ખસી ગયા પછી ક્યારાઓને પ્લૉટોમાં વિભાજિત કરવામાં આવે છે અને છૂટથી ખાતર આપવામાં આવે છે. અગાઉના વર્ષના પસંદગી કરેલાં ફળોનાં બીજ એકત્રિત કરી હરોળોમાં કે ખાડાઓમાં 1.2 મી.થી 1.5 મી.ના અંતરે વાવવામાં આવે છે. બીજને ધરુવાડિયામાં ઉગાડી બીજાંકુરો લગભગ એક અઠવાડિયાના બને ત્યારે તેમનું રોપણ ખાતર આપેલા પ્લૉટમાં કરવામાં આવે છે. શુષ્ક આબોહવામાં પિયત આપવામાં આવે છે. ફળ પાકવાની શરૂઆત કરે તે પહેલાં પિયત બંધ કરવામાં આવે છે. બીજની વાવણી જાન્યુઆરીથી માર્ચ સુધી કરવામાં આવે છે. 3-4 માસમાં ફળ લણણી માટે તૈયાર થાય છે. ફળ પૂરાં પાકી જાય ત્યારે વેલ પરથી ઉતારી લેવામાં આવે છે.

સકરટેટી કાચી ખાવામાં આવે છે. ફળનો ગર ફળના 45 %-80 % જેટલો ભાગ બનાવે છે. તે મૃદુ, લોટ જેવી ઘટ્ટતા ધરાવતું, કસ્તૂરી જેવી સુગંધવાળું અને સ્વાદિષ્ટ હોય છે. ફળની ડબ્બાબંધી (canning) થઈ શકે છે અથવા શરબત કે જામ બનાવી શકાય છે.

ફળનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 0.6 %, કાર્બોદિતો 5.4 %, મેદ 0.2 %, રેસો 0.5 %, ભસ્મ 0.6 %, કૅલ્શિયમ 0.016 % અને ફૉસ્ફરસ 0.015 %; આયર્ન 3.9 મિગ્રા./કિગ્રા., તાંબું 0.6 મિગ્રા./કિગ્રા., પૂર્વ (pro) વિટામિન ‘એ’ 2400 આઇ.યુ., વિટામિન ‘બી’ 57 માઇક્રોગ્રામ, વિટામિન ‘બી2’ 75 માઇક્રોગ્રામ અને વિટામિન ‘સી’ 25 મિગ્રા./100 ગ્રા..

કેટલીક જાતોમાં બીજ મોટાં હોય છે અને તેમનાં મીંજ(kernel)માં તેલ વિપુલ પ્રમાણમાં હોય છે. બીજ ખાદ્ય હોય છે અને તેનો ઉપયોગ બદામ અને પિસ્તાની અવેજીમાં થાય છે. ‘સારદા’ જાતના બીજના મીંજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : તેલ 44.6 %, અશુદ્ધ પ્રોટીન 35.8 % અને ભસ્મ 5.6 % છે. નિષ્કર્ષિત તેલ આછું પીળું હોય છે અને આનંદદાયી સુગંધ અને સ્વાદ ધરાવે છે. તેના કેટલાક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ.ગુ.23.5° 0.9174, સાબુકરણ-આંક 294.3, આયોડિન-મૂલ્ય 125.5, ઍસિડ-મૂલ્ય 3.9, અસાબુનીકૃત (unsaponifiable) દ્રવ્ય 0.6 %. અસાબુનીકૃત દ્રવ્યમાં સિટોસ્ટૅરોલ અને સિટાઇલ આલ્કોહૉલ હોય છે. તેલના ખોળમાં પાણી 11.56 %, પ્રોટીન 66.0 %, રેસો 4.03 %, કાર્બોદિતો 9.29 % અને ભસ્મ 9.12 % હોય છે.

બીજ મૂત્રલ (diuretic) હોય છે. ફળનો ગર મૂત્રલ અને દીર્ઘકાલીન ખરજવામાં લાભદાયી છે.

આયુર્વેદ અનુસાર સકરટેટી ગુણમાં શીતળ, સ્વાદે મધુર-ખાટી, જરા ભારે, રુચિકર, પૌષ્ટિક, પેટની શુદ્ધિ કરનાર, સ્નિગ્ધ, વાતપિત્તશામક, વીર્યવર્ધક, મૂત્રલ, બલપ્રદ, દસ્ત લાવનાર અને દાહ, મૂત્રની અટકાયત, ગાંડપણ, લોહીવિકાર, કોઢ, પ્રમેહ અને તૃષારોગ મટાડનાર છે. પાકી સકરટેટી મુખ્યત્વે યકૃત પર અસર કરે છે અને નવું લોહી બનાવે છે; જેથી તે કમળો, પાંડુ, મૂત્રપિંડનાં દર્દો, ઉચ્ચ રુધિરદાબ અને માનસ રોગોમાં ફાયદાકારક છે. સકરટેટી વધારે ખાવાથી ગરમીનો ઉપદ્રવ થાય છે.

ઉપયોગો : (1) કબજિયાત : પાકી સકરટેટીના ટુકડા પર મરી-સિંધવ કે સાકર મિશ્ર કરી રોજ આપવામાં આવે છે. (2) મૂત્રાલ્પતા : પાકી સકરટેટી સાકર છાંટી રોજ આપવામાં આવે છે કે તેનાં બીજનું ચૂર્ણ પાણી સાથે આપવામાં આવે છે. (3) પથરી : સકરટેટીનાં બીજના 100 ગ્રા. ચૂર્ણ સાથે 10 ગ્રા. સુરોખાર મિશ્ર કરી રોજ 3 ગ્રા.-5 ગ્રા. દવા સવાર-સાંજ પાણી સાથે આપવામાં આવે છે. (4) ત્વચાની કાળાશ : પાકી સકરટેટીના ટુકડા કરી ત્વચા પર ઘસવામાં આવે છે. (5) હિસ્ટીરિયા : સકરટેટીના ટુકડા પર ખાંડ છાંટી તેની ઉપર લીંબુનો રસ નિચોવી દર્દીને ખવડાવાય છે. (6) લૂ લાગવી : સકરટેટીના ટુકડા ઉપર સાકર છાંટી દર્દીને ખાવા આપવામાં આવે છે. તેનો રસ કાઢી શરીરે ચોપડવામાં આવે છે. દર્દીને તેનું શરબત પિવડાવાય છે. તેનાં બીજ વાટી માથા પર ચોપડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ