સંધિપાદ (Arthropods) : પ્રાણીસૃદૃષ્ટિનો સૌથી મોટો અને ખૂબ વૈવિધ્ય ધરાવતો અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમુદાય. પ્રાણી-જાતિઓ(species)ની 75 ટકા ઉપરાંતની જાતિઓ આ સમુદાયની છે. મૂળભૂત રીતે આ સમૂહનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી (triploblastic) અને સમખંડતા ધરાવનારાં છે. આ સમુદાયનાં પ્રાણીઓ નૂપુરક સમુદાય(Phylum Annilida)માંથી ઉદ્ભવેલાં હોઈ તેમનાં અંગો અને ઉપાંગોમાં સમખંડતા સ્પષ્ટ જોવા મળે છે. શરીરરચનામાં ખંડો ધરાવતા શીર્ષ, ઉરસ અને ઉદર જેવા ભાગો સ્પષ્ટ અગર એકબીજા સાથે સંલગ્ન થયેલા જોવા મળે છે. અંગ અને ઉપાંગો જોડાણવાળાં હોવાથી સમુદાયને ‘સંધિપાદ’ (સંધિ = સાંધા-જોડાણ; પાદ = ઉપાંગો-અવયવો) નામ આપવામાં આવ્યું છે. સમુદાયનાં ઉત્કૃષ્ટ વિકસિત પ્રાણીઓમાં સમખંડીય રચના કાર્યપ્રકાર મુજબ રૂપાંતર પામે છે, કે વિલીન થઈ જાય છે. ખંડોના આવાં રૂપાન્તરણને ખંડકીભવન (tagmatization) કહે છે. સંધિપાદના વર્ગ કીટક અને વર્ગ સ્તરકવચી(crustacea)માં આ ખંડકીભવનથી શીર્ષ, ઉરસ અને ઉદર અથવા શીર્ષોરસ અને ઉદર જેવા ઘટકો નિર્માણ થાય છે. શરીરરચનાની સાથે દેહધાર્મિક ક્રિયા, વર્તન અને નિવાસસ્થાનો-પરત્વે તે અન્ય સમુદાયનાં પ્રાણીઓથી જુદાં તરી આવે છે. આ ઉપરાંત સંધિપાદ પ્રાણીઓ વિશિષ્ટ સંવેદનાંગો, રુધિરગુહા(Hemocoel)વાળું પરિવહનતંત્ર અને દ્વિપાર્શ્ર્વીય સમરચના (bilateral symmetry) ધરાવે છે.

સંધિપાદ-સમુદાયનાં પ્રાણીઓની વિશિષ્ટ લાક્ષણિકતા તેના કાયટિનયુક્ત બાહ્ય કંકાલતંત્ર (exoskeleton) અને સાંધાવાળાં ઉપાંગોવાળી શરીરરચનામાં છે. તેના સ્નાયુઓ પણ અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓ કરતાં ભિન્ન પ્રકારના હોય છે. સંધિપાદમાં રેખિત સ્નાયુઓ હોય છે, જ્યારે અન્યમાં અરેખિત (smooth). સંધિપાદનું વર્ગીકરણ કરતાં તેમાં 6 વર્ગ, 80 શ્રેણી, લગભગ 2,400 કુળો અને 10 લાખ કીટક જાતિઓ સહિત 11થી 12 લાખ જાતિઓનો સમાવેશ થાય છે.

બાહ્ય કંકાલતંત્ર : બાહ્ય, સાંધાવાળું કંકાલતંત્ર અથવા ક્યૂટિકલ સંધિપાદ પ્રાણીઓના શરીરને ઢાંકે છે. તે શરીરનું રક્ષણ કરે છે. તેને આકાર આપે છે. પાણીને શરીરમાં જતું અટકાવે છે તેમજ શરીરમાંથી પાણી બહાર જતું અટકાવે છે. વળી હલનચલન માટેના સ્નાયુઓને ઉચ્ચાલન-સપાટી પૂરી પાડે છે. આ બાહ્ય કંકાલતંત્ર નિર્જીવ છે. તે તેની નીચે આવેલા અધિસ્તરના સજીવકોષોના સ્રાવમાંથી ઉદ્ભવે છે. આ બાહ્યસ્તરની લાક્ષણિકતાને કારણે સંધિપાદ સમુદાય પ્રાણીસૃદૃષ્ટિમાં સૌથી સફળ અને વિશાળ સમુદાય બની શક્યો છે. આ ઉપરાંત મૂળભૂત સમખંડીય રચના અને શરીરના મુખ્ય ત્રણ ભાગો; જેમ કે, શીર્ષ, ઉરસ અને ઉદરના ખંડોમાં વિભાજન વગેરે ખાસિયતો સંધિપાદને સફળ સમુદાય બનવામાં જવાબદાર છે.

બાહ્ય કંકાલતંત્ર બે સ્તરો ધરાવે છે : અધિક્યૂટિકલ (Epicuticle) અને અગ્રક્યૂટિકલ (Procuticle). અધિ ક્યૂટિકલ મીણયુક્ત લિપોપ્રોટીનનું બનેલું હોય છે, આ સ્તર પાણી માટે અપારગમ્ય (impermeable) અને સૂક્ષ્મ-જીવાણુ કે જંતુનાશક દવાઓ (pesticides) માટે અવરોધક છે. અગ્ર ક્યૂટિકલ દળદાર હોય છે, તે કાયટિનનું બનેલું હોય છે. આ સ્તર કડક અને બરછટ પૉલિસેકેરાઇડો અને પ્રોટીનો ધરાવે છે. દૃઢીકરણની પ્રક્રિયાથી અથવા ક્યારેક ચૂનાના ક્ષારો ભળવાથી આ સ્તર કઠણ અથવા દૃઢ બને છે. દૃઢીકરણ એ ટેનિંગની પ્રક્રિયા છે, તેમાં પ્રોટીનના સ્તરો આડા ગોઠવાઈ રચનાને કડક બનાવે છે અને ટેનિનના કારણે કાળો-બદામી રંગ આપે છે. દૃઢીકરણને કારણે અગ્ર ક્યૂટિકલની રચના અને કાર્યપદ્ધતિ વિવિધ પ્રાણીઓમાં અલગ સ્વરૂપ ધારણ કરે છે, જેને કારણે પ્રાણીઓમાં મજબૂતાઈ કે ઉડ્ડયનશક્તિ શક્ય બને છે. આ કડક આવરણને કારણે સંધિપાદ પ્રાણીઓને વૃદ્ધિ અને વિકાસ સાધવા આ નિર્જીવ બાહ્ય કંકાલતંત્રનો વારંવાર ત્યાગ કરવો પડે છે. આ નિર્જીવ ચામડી (ત્વચા) ઉતારવાની ક્રિયાને નિર્મોચન ક્રિયા કહે છે (ecdysis). ચેતા અને અંત:સ્રાવી ગ્રંથિઓના નિયંત્રણ હેઠળ આ નિર્મોચન-ક્રિયા થાય છે.

વર્ગીકરણ : આધુનિક વર્ગીકરણમાં સંધિપાદ સમુદાયને ત્રણ ઉપસમુદાય(subphylum)માં વર્ગીકૃત કરવામાં આવે છે; જેમ કે, ઉપસમુદાય – ટ્રાઇલોબિટોમૉર્ફા (Trilobitomorpha), ઉપસમુદાય – ચેલિસીરાટા (Chelicerata), ઉપસમુદાય  મૅન્ડિબ્યુલાટા (Mandibulata). [સૂચના : વર્ગ ઑનિકોફોટા (ઉદા. પેરિપેટસ) જે અગાઉ આદિસંધિપાદ વર્ગમાં મૂકવામાં આવ્યો હતો તે હવે (1965 પછી) નવા અલગ સમુદાયમાં મૂકવામાં આવ્યો છે.] તેવી જ રીતે ટાર્ડિગ્રેડ સમુદાય સંધિપાદને મળતો સમુદાય ગણાય છે.

ઉપસમુદાય ટ્રાઇલોબિટોમૉર્ફા વર્ગ ટ્રાઇલોબિટા :

આ વર્ગનાં જીવંત પ્રાણીઓ અસ્તિત્વમાં નથી, જોકે અશ્મિ-સ્વરૂપે 4,000 જાતિ-નમૂનાઓ જાણવા મળ્યા છે. આ વર્ગનાં પ્રાણીઓ 500 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતાં, 275 મિલિયન વર્ષથી નામશેષ બન્યાં છે. પેલિયોઝોઇક યુગના અંતભાગમાં પરમિયન કાળમાં તે નામશેષ બન્યાં એવું જણાય છે. અશ્મિઓના પ્રકાર ઉપરથી એવું જાણવા મળે છે કે આ પ્રાણીઓ વિવિધ પરિસ્થિતિકીય સ્થિતિમાં જીવતાં હતાં, કેટલાંક દરમાં રહેનારાં હતાં, કેટલાંક પ્રચલન કરનારાં અને કેટલાંક પાણીમાં તરનારાં જીવો હતાં. ટ્રાઇલોબાઇટનું શરીર ત્રણ ભાગોમાં (બે અગ્ર અને પશ્ચ ખાંચો દ્વારા) વિભાજિત થયેલું હોવાથી આ પ્રાણીઓના વર્ગનું ટ્રાઇલોબાઇટ એટલે કે ત્રિખંડીય પ્રાણીઓનો વર્ગ એવું નામકરણ કરવામાં આવ્યું છે. ટ્રાઇલોબાઇટનું શરીર પૃષ્ઠવક્ષીય સપાટીએ ચપટું અને લંબઅક્ષમાં ત્રણ ભાગોમાં વિભાજિત હતું. તેમાં પ્રથમ અને ત્રીજા ખંડ ઉપરનાં આવરણો સળંગ હતાં, જ્યારે વચલો ભાગ 9 આડા પેટાખંડો ધરાવતો હતો. આખું શરીર (ત્રણેય ભાગો સાથે) સમખંડીય રચનામાં દ્વિશાખી ઉપાંગો ધરાવતું હતું અને તેની ઉપર આ ત્રણ ભાગો બાહ્ય કંકાલતંત્ર રૂપે આવરણ પૂરું પાડતા હતા. ટ્રાઇલોબાઇટના અગ્ર ખંડમાં (શીર્ષના ભાગમાં) એક જોડ સંયુક્ત આંખ અને એક જોડ સ્પર્શક જોવા મળતાં હતાં. દ્વિશાખી ઉપાંગો પ્રચલન કે તરવા માટે રૂપાન્તરિત થયેલાં જોવા મળે છે. આ ઉપાંગો સાથે શ્વસન માટેની ઝાલરો જોડાયેલી જોવા મળે છે (અશ્મિઓ ઉપર).

ઉપસમુદાય ચેલિસીરાટા ગ્રાહિકાધારી પ્રાણીઓ : સંધિપાદ સમુદાયમાં આ એકમાત્ર સમૂહ છે, જે સ્પર્શકો ધરાવતો નથી. સમખંડીય રચનામાં આ સમૂહનાં પ્રાણીઓમાં અગ્રની પ્રથમ કડી સ્પર્શકો ધરાવતી નથી, પરંતુ બીજા ખંડની કડી એક જોડ નહોર જેવા ગ્રાહિક અંગ (ચેલિસીરી) ધરાવે છે. મુખની આગળ આવેલાં આ ગ્રાહિકા અંગો ખોરાક પકડવાનું અને તેના ટુકડા કરવાનું કામ કરે છે. અન્ય સંધિપાદી પ્રાણીઓના મુખમાં જોવા મળતા અધોહનુ (manclibles) આ સમૂહનાં પ્રાણીઓના મુખમાં જોવા મળતા નથી; પરિણામે આ પ્રાણીઓ ખોરાકનો ભૂકો કરવાનું કાર્ય ગ્રાહિકા અંગો દ્વારા કરે છે.

આ ઉપસમુદાયમાં મુખ્ય ત્રણ વર્ગો જોવા મળે છે : (1) વર્ગ મીરોસ્ટોમેટા – શ્વસનક્રિયા માટે વિશિષ્ટ બુકગિલ્સ કે ફુફુસ-પોથી ધરાવે છે (book gills). બીજું, શરીરનો પશ્ચ છેડો (ટેલ્સન) તેઓમાં અણીદાર ખીલી જેવો લંબાયેલો હોય છે; ઉદા., હૉર્સશૂ ક્રૅબ. આ વર્ગનાં મોટાભાગનાં પ્રાણીઓ ભૂતકાળમાં નામશેષ બની ગયાં છે. માત્ર 4 જાતિઓ અસ્તિત્વમાં છે; જેમકે, લિમ્યુલસ પૉલિફીમસ (હૉર્સશૂ ક્રૅબ). ‘ઘોડાની નાળ જેવો કરચલો’ – એવું નામ આપવા છતાં તે ખરેખર કરચલાંની જાત નથી. ખરાં કરચલાં સ્તરકવચી વર્ગનાં પ્રાણી છે. મીરોસ્ટોમેટા સમૂહનાં બધાં જ પ્રાણીઓ દરિયાઈ છે. લિમ્યુલસના નમૂનાઓ પૂર્વ-ઉત્તર અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને ઇંડોનેશિયાના સમુદ્રોમાં જોવા મળે છે. સંખ્યા ઓછી હોવા છતાં આ પ્રાણીઓનો દૃષ્ટિ અંગેનાં અને ઔષધી-વિજ્ઞાનનાં સંશોધનોમાં બહોળો ઉપયોગ થાય છે.

લિમ્યુલસ ઘોડાની નાળ સ્વરૂપનું બાહ્યાવરણ ધરાવે છે. પૃષ્ઠભાગમાં આવેલી આ ઢાલ શીર્ષ અને ઉરસના ભાગને ઢાંકે છે. તેના પૃષ્ઠભાગનાં છિદ્રોમાંથી સાદી અને સંયુક્ત આંખો બહાર આવે છે. પશ્ચ ભાગનો ઢાલ જેવો ભાગ અણીદાર કાંટાવાળી પૂંછડી (telson) ધરાવે છે. વક્ષભાગમાં ઉરસના ભાગમાંથી પાંચ જોડ ચલન-પાદ અને ઉદરભાગનાં ઉપાંગો પૈકી શ્વસન-પોથીઓ જોવા મળે છે, જે શ્વસનનું કાર્ય કરે છે. કિંગક્રૅબ (xiphosur sp.) અને લિમ્યુલસ sp. (કિંગ ક્રૅબ) 500 મિમી.નાં કદ ધરાવે છે.

વર્ગ 2 : અષ્ટપાદી (Class Arachnida) – ગ્રીક શબ્દ ‘એરેકને’ (arachne) કરોળિયો  ઉપરથી વર્ગ ‘એરેક્નિડા’ તરીકે ઓળખાય છે. આ બધાં પ્રાણીઓમાં 4 જોડ પગ હોવાથી બધાં અષ્ટપાદી વર્ગનાં પ્રાણીઓ તરીકે પણ વર્ગીકૃત થાય છે. આ અષ્ટપાદી ભૂચર પ્રાણીઓ છે અને તેઓ ચેલિસેરી અને પેડિપાલ્પ તરીકે ઓળખાતાં 2 જોડ મુખાંગો ધરાવે છે. ચેલિસીરાટા ઉપસમુદાયના અન્ય વર્ગો – મીરોસ્ટોમેટા, યુરીપ્ટેરિડા અને પિક્નોગોનિડાથી તે આ બાબતમાં જુદાં પડે છે.

અષ્ટપાદી વર્ગમાં વીંછી અને કરોળિયાનો સમાવેશ થાય છે. આ વર્ગનાં પ્રાણીઓમાં ઉદરના ખંડો ચલનપાદો ધરાવતાં નથી. આંખો સાદી. ક્યૂટિકલનું આવરણ સંવેદી કેશ કે ભીંગડાં ધરાવે છે. પેડિપાલ્પ પણ સંવેદી ઉપાંગ હોઈ, નરમાં શુક્રકોષો માદાનાં જનનાંગો સુધી ફેરવવાનું કાર્ય પણ કરે છે. ઝાલરોનો અભાવ, પણ ફેફસાં-પોથી (book-lungs) તરીકે ઓળખાતી વિશિષ્ટ વાયુનળીઓનું અંગ જોવા મળે છે. પ્રાણીઓ મોટેભાગે અંડપ્રસવી. (વીંછીમાં માદા બચ્ચાંને જન્મ આપે છે.) આ વર્ગમાં કુલ 9 શ્રેણી (orders) છે, જેમાં વીંછી (શ્રેણી  સ્કોર્પિયોનિડા), કરોળિયા (શ્રેણી – એરેની) અને ઇતરડી અને જૂવા (શ્રેણી – એકેરિના) મુખ્ય છે.

વર્ગ 3 : પિક્નોગોનિડા (Pycnogonida). ઉદા., – સમુદ્રના કરોળિયા. પ્રાણીઓ ખૂબ નાનાં; શીર્ષોરસ 3, 4 ખંડોના જોડાણવાળું, ઉદરના ખંડો અવશિષ્ટ, આંખો 4, પગની જોડ 4, ક્યારેક 5, 6 અથવા 12 જોડ – પાતળા નાજુક દરિયાઈ સમુદ્રમાં 360 મીટરની ઊંડાઈ સુધી જોવા મળે છે; ઉદા., સમુદ્ર-કરોળિયો Nymphon કોલોસેડિલ્સ (Collossedels)  ફેલાવો 60 સેમી. વગેરે.

ઉપસમુદાય મૅન્ડિબ્યુલેટા : આ ઉપસમુદાયમાં બહુપાદી (ઉદા., કાનખજૂરો, ભરવાડ), કીટક (ઉદા., વંદો વગેરે) અને સ્તરકવચી કે ઋકટ્વંશી વર્ગોના જીવોનો સમાવેશ થાય છે. (ઉદા., કરચલા, જિંગા વગેરે.) આ ઉપસમુદાયનાં પ્રાણીઓમાં શીર્ષના ત્રીજા ખંડના ઉપાંગનું અધોહનુ (mandible) રૂપે રૂપાન્તર થાય છે. બીજું, સંયુક્ત આંખની નેત્રિકા (omatidium) 8 કોષોનો નેત્રપટલ (retinula) ધરાવે છે. અધોહનુ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.

વર્ગ 1 : બહુપાદી (Myriapoda) : તેમાં શતપાદી (chilopoda કે centipedes) અને સહસ્રપાદી (diplopoda કે millipedes) એવી બે શ્રેણીઓ આવેલી છે. શતપાદી પ્રાણીઓ ખૂબ ઝડપથી પ્રચલન કરનારાં છે. તેમાં શીર્ષ, ઉરસ અને ઉદરના ખંડો લગભગ સરખા હોય છે અને દરેક કડીમાંથી એક જોડ ચલનપાદો નીકળે છે. (ઉદા., કાનખજૂરો). સહસ્રપાદી વર્ગનાં પ્રાણીઓ ધીમી ગતિથી ચાલતાં પ્રાણીઓ છે અને તેમના સમખંડીય શરીરની દરેક કડીમાંથી બે જોડ ઉપાંગો નીકળે છે. શતપાદી વર્ગમાં 3000 જાતિઓ (species) આવેલી છે. તેમના શરીર ઉપર ક્યૂટિકલનું આવરણ હોય છે. સામાન્ય રીતે તે ચલનપાદની 15 કે વધુ જોડ ધરાવે છે. કેટલીક જાતિઓમાં પગના મૂળ પાસેથી ચીકણા પદાર્થનો સ્રાવ થાય છે, જેના વડે તે દુશ્મનને દૂર રાખી શકે છે. સહસ્રપાદી(ઉદા., ભરવાડ)માં 10,000 જાતિઓનો સમાવેશ થાય છે.

વર્ગ કીટક (= ષટ્પાદી  Hexapoda) : બધા જ કીટકોમાં શીર્ષની એક જોડ ઉપાંગીય કડી વિલીન થઈ વક્ષઓષ્ઠ કે લેબિયમની રચના કરે છે. બીજું, કીટકો ઉદરના ભાગોમાં ઉપાંગો ધરાવતા નથી. કીટકો પૃથ્વી ઉપર લગભગ સર્વત્ર ફેલાયેલા છે  જમીન, મીઠાં પાણીમાં અને ખારાં પાણીનાં બંધિયાર જળાશયોમાં. હેલોબેટીસ (Halobates) નામનું કીટક સમુદ્રની સપાટી ઉપર પ્રચલન (strider) કરે છે. જોકે કીટકો સમુદ્રના પર્યાવરણમાં સફળતાપૂર્વક પ્રવેશ કરી શકતા નથી. કીટકો સમુદ્રના પાણીમાં જોવા મળતા નથી. લગભગ 10 લાખ (1 million) જાતિઓ અત્યાર સુધીમાં નોંધાઈ છે. તેની આ વિશાળ વિવિધતા વિવિધ પ્રકારની ખાદ્ય ટેવો, સ્થળાંતર કરવાની ક્ષમતા અને ઉડ્ડયનની સાથે દુશ્મનથી છટકી જવાની આવડત જેવાં લક્ષણોને આભારી છે.

આ કીટકનું શરીર ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે : શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષના ભાગમાં તેની ખોરાક લેવાની ટેવ મુજબનાં મુખાંગો આવેલાં હોય છે. ઉરસના ભાગમાં ત્રણ જોડ ચલનપાદ અને બે જોડ ઊડવા માટેની પાંખો હોય છે.

કીટકોના પગ પ્રચલન માટે, કૂદકા મારવા, તરવા, ખોદવા અને પકડવા માટે – એમ અનેક પ્રયોજનોથી રૂપાન્તર પામેલા જોવા મળે છે. શીર્ષના ભાગમાં તે સ્પર્શક અને સાદી અને સંયુક્ત આંખો ધરાવે છે. કીટકોને તેમની વિવિધતાને કારણે 22થી વધુ નાનાં-મોટાં કુળોમાં વહેંચવામાં આવ્યાં છે.

સંધિપાદ સમુદાયમાં કીટક વર્ગ 90 ટકા ઉપરાંતનાં પ્રાણીઓ ધરાવે છે. કીટકસૃદૃષ્ટિની પૃથ્વી ઉપર આટલી વિવિધતા વિકસવાનું મુખ્ય કારણ તેમની વિવિધ પ્રાશનપદ્ધતિ અને બદલાતા પર્યાવરણમાં અનુકૂળ થવાની ક્ષમતા છે. સપુષ્પ વનસ્પતિની વિસ્તૃત વિવિધતાને કારણે વિવિધ પ્રકારના કીટકોને આવદૃશ્યક પ્રકારનો ખોરાક મળવા માંડ્યો. સપુષ્પ વનસ્પતિ(Angiosperms)નો ઉદ્ભવ પણ નહોતો થયો ત્યારે ‘બીટલ્સ’ (તમરાં) સાયકસ, શંકુદ્રુમ કે ત્રિઅંગી વનસ્પતિ(Pterydophytes)નાં વૃક્ષોની છાલ કે પર્ણોમાંથી ખોરાક મેળવી જીવન ગુજારતા હતા. કીટકવર્ગમાં શ્રેણી ઢાલિયા (Coleoptera), પતંગિયાં અને ફૂદાંની શ્રેણી લેપિડોપ્ટેરા (Lepidoptera), મધમાખ અને કીડી-મંકોડાની શ્રેણી હાયમેનોપ્ટેરા (Hymenoptera), ચૂસિયાં કીટકોની શ્રેણી હેમિપ્ટેરા (Hemiptera) અને મચ્છર-માખીની શ્રેણી ડિપ્ટેરા (Diptera) મુખ્ય છે.

કીટકવર્ગના સંધિપાદો તેમના જીવનચક્રમાં અંડ-અવસ્થા, ડિંભ કે ઇયળ-અવસ્થા, કોષિત અવસ્થા અને પુખ્ત પ્રાણી-અવસ્થામાં જીવનચક્ર પૂરું કરે છે. પુખ્તાવસ્થામાં સ્વાવલંબી, પરોપજીવી કે પેસ્ટ તરીકે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ ઉપર જીવે છે. ઊધઈ આખી જિંદગી પેસ્ટ સ્વરૂપે જીવે છે; જ્યારે લાખ કે મધમાખી ઉપયોગી પ્રાણી (જીવાત) છે. ઊધઈ, કીડી કે મધમાખી વસાહતી જીવન ગુજારનારાં પ્રાણીઓ છે.

સ્તરકવચી કે ઋકટ્વંશી સંધિપાદો (Class Crustacea) : આ વર્ગનાં સંધિપાદોનાં શીર્ષ પાંચ જોડ અવયવો ધરાવે છે, જે પૈકી બે જોડ સ્પર્શક અને સ્પર્શિકામાં રૂપાંતર થાય છે. ડિંભાવસ્થામાં નોપ્લિયસ લાર્વા (ડિંભ) પેદા થાય છે, જેમાંથી પુખ્ત સ્તરકવચી પેદા થાય છે. સ્તરકવચીઓને મેલાકોસ્ટ્રાકા, બ્રેંકિયોપોડા, ઑસ્ટ્રાકોડા અને કોપીપોડા – એવા ચાર મુખ્ય પેટાવર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે.

પેટાવર્ગ મેલાકોસ્ટ્રાકા લગભગ 75 % સ્તરકવચીઓ ધરાવે છે. તેમાં શીર્ષોરસ 8 ખંડોનું, ઉદર 6થી 7 ખંડોનું અને પુચ્છપાદ (Telson) 2 ખંડોવાળું હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈને શીર્ષોરસની રચના કરે છે અને તેની ઉપરનું એક સળંગ પૃષ્ઠકવચ (carapace) અંદરનાં અંગોનું રક્ષણ કરે છે. શીર્ષોરસના ભાગમાંથી સ્પર્શિકા, સ્પર્શક, સંયુક્ત આંખો, અધોહનુ, પ્રથમ જંભપાદ, દ્વિતીય જંભપાદ, તૃતીય જંભપાદ અને પાંચ જોડ ચલનપાદો બહાર પડે છે. ઉદરના વક્ષભાગમાં 6 જોડ યુરોપોડ અને પુચ્છખંડ (Telson) આવેલા હોય છે. કરચલાં જેવાં પ્રાણીઓમાં શીર્ષોરસ મોટું અને ઉદર ટૂંકું હોય છે. લૉબ્સ્ટર અને કરચલાંમાં પ્રથમ ચલનપાદ રૂપાન્તર પામીને ચીપિયા જેવા ખોરાક/શિકાર પકડવા માટેના અંગની રચના કરે છે. મેલાકોસ્ટ્રાકામાં બે શ્રેણીઓ મુખ્ય છે – ડેકાપોડા અને બિનડેકાપોડા અથવા આઇસોપોડા અને એમ્ફીપોડા. તેમાં કુલ જાતિઓ 20,000 ઉપરાંતની છે. પેટાવર્ગ ઑસ્ટ્રેકોડામાં શરીર છીપની માફક બે કેરાપેસ (carapace) વચ્ચે ઢંકાયેલું રહે છે. છીપ જેવાં બાહ્યકંકાલ વાર્ષિક વૃદ્ધિવલયો (annual rings) ધરાવે છે. ઉરસના ભાગમાંથી માત્ર બે જોડ ઉપાંગો નીકળે છે; ઉદા. ડેફ્નિયા (મીઠા પાણીમાં), આર્ટેમિયા વગેરે. મોટાભાગના જીવો સૂક્ષ્મ અને ઝૂપ્લૅક્ટોન છે. કુલ 6,650 જાતિઓ મળી આવે છે અને સમુદ્રનાં પ્રાણીઓના મુખ્ય ખોરાક તરીકે તે ખૂબ ઉપયોગી છે.

પેટાવર્ગ કોપીપોડા : તેમાં ઉરસ 6 ખંડોનું અને ઉદર 5 ખંડોનું હોય છે. ઉરસનો પહેલો ખંડ શીર્ષ સાથે જોડાયેલો હોય છે. ઉદરના ભાગો ઉપાંગો ધરાવતા નથી. મોટાભાગના જીવો નોપ્લિયર લાર્વાની જેમ માત્ર એક ‘નોપ્લિયર’ આંખ ધરાવે છે. 8,500 જાતિઓ મળી આવે છે; ઉદા., સાઇક્લોપ્સ (મીઠા પાણીમાં) જીવો દરિયાઈ છે અને ફાયટોપ્લૅક્ટોન ઉપર જીવે છે. કોપીપોડા ઝાલર અને ઉદરીય ઉપાંગો ધરાવતાં નથી.

પેટાવર્ગ પેન્ટા સ્ટ્રોમિડા : આ સ્તરકવચી પૃષ્ઠવંશી પ્રાણીઓની નાસિકામાં પરોપજીવી રીતે જીવતાં મળી આવે છે. શરીર માત્ર 2 જોડ નહોર સાથેનાં ઉપાંગો ધરાવે છે.

બહિર્પરોપજીવી; ઉદા. રાઇટિટીલા (Raittitiella). પેટા વર્ગ : સિરિપીડિયા – પરોપજીવી. ઉરસીય ઉપાંગો. ગાળણ માટે રૂપાંતરિત-તંતુમય પગ. ઉદરનો અભાવ.

સંધિપાદના સંબંધિત સમુદાય (i) ઑનિકોફોરા અને (ii) ટાર્ડિગ્રેડિસ.

આધુનિક વર્ગીકરણમાં અગાઉ સંધિપાદમાં મુકાયેલા આ વર્ગોને હવે સ્વતંત્ર સમુદાયમાં તારવવામાં આવ્યા છે.

(i) સમુદાય ઑનિકોફોરા (અગાઉનો વર્ગ ઑનિકોફોરા-સમુદાય સંધિપાદ) ઉદા. પેરિપેટસ.

સામાન્ય લક્ષણો : (1) મુખપ્રદેશ આગળ બીજા ખંડનું ઉપાંગ જડબા રૂપે મુખને આવરી લે છે. (2) ત્રીજા ખંડનું ઉપાંગ ટૂંકી મુખીય પેપિલા(oral papilla)ની રચના કરે છે. (3) ઓરલ પેપિલામાંથી ચીકણા પદાર્થનો સ્રાવ થાય છે. (4) અધસ્ત્વચાની નીચે (sub-cutaneous) આવેલી રુધિરનલિકાઓ (hemal channels) પ્રાણીમાં જલદાબ જાળવનાર કંકાલતંત્રનું કાર્ય કરે છે.

ઑનિકોફોરન્સ પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો નૂપુરક સમુદાયનાં લક્ષણો જેવાં અને કેટલાંક સંધિપાદ સમુદાયનાં જેવાં દાખવે છે. આ સમૂહનાં બધાં જ પ્રાણીઓ સ્વતંત્રજીવી છે. તેમાં 100 જેટલી પ્રાણીજાતિઓ મળી આવે છે. તેમાં પેરિપેટસનો વિગતવાર અભ્યાસ થયો છે. આ સમુદાયનાં પ્રાણીઓ મુખ્યત્વે ઉષ્ણકટિબંધના ભેજવાળા પ્રદેશોમાં જોવા મળે છે. કેટલીક જાતિઓ ન્યૂઝીલૅન્ડના શીત-કટિબંધ વિસ્તારમાં પણ મળી આવે છે. આ સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવતું પેરિપેટસ (Peripatus capensis) 50 mm લંબાઈનું નળાકાર પ્રાણી છે. તેમાં શીર્ષ અલગ દેખાતું નથી. તેમાં એક જોડ સ્પર્શક, પૃષ્ઠભાગમાં એક જોડ નાની આંખો અને મધ્ય-વક્ષભાગમાં જોવા મળે છે. મુખની બાજુમાં (ફરતે) એક જોડ શૃંગીય જડબાં, મૌખિક પેપિલી (oral papilae) ખોરાક ઓળખવામાં અને ચાવવામાં મદદ કરે છે, ત્વચા પાતળી અંશત: કાયટિનયુક્ત હોય છે. પેરિપેટસની જાતિઓમાં 14થી 44 જોડ ટૂંકા, બુઠ્ઠા પગો આવેલા છે. દરેક પગના છેડે બે નહોર હોય છે. આંતરિક રચનામાં તે અન્ય જમીનના સંધિપાદને મળતા આવે છે. શ્વસનતંત્ર કીટકોની માફક શ્વસનનલિકાઓનું બનેલું હોય છે અને ઉત્સર્જનતંત્ર મેલ્પિજિયન નલિકાઓનું. ચેતાતંત્ર મગજ (મસ્તિષ્ક ચેતા કંદ) અને ખંડીય ચેતાકંદોનું બનેલું હોય છે. આ બંને લક્ષણો પણ કીટકનાં તંત્રો જેવાં હોય છે. પેરિપેટસમાં નર અને માદા પ્રાણીઓ અલગ (એકલિંગી પ્રાણી) હોય છે. માદા બચ્ચાંને જન્મ આપે છે.

ઑનિકોફોરા સમુદાય નૂપુરક સમુદાયનાં પ્રાણીઓ સાથે સામ્ય ધરાવે છે. આંખની રચના, ખંડીય રચનાવાળાં ઉત્સર્જનાંગો (nephridia), પક્ષ્મધારી (ciliated) પ્રજનનનલિકા અને સાદી પાચન-નલિકાની રચનાને કારણે ઑનિકોફોરાનો દરજ્જો નૂપુરક અને સામાન્ય સંધિપાદ સમૂહોની વચ્ચે આવે છે. તેનાં અશ્મિઓ કૅમ્બ્રિયન યુગમાંથી મળી આવે છે અને તેથી એવું મનાય છે કે સંધિપાદો આવાં નૂપુરકને મળતા આદિ સમૂહમાંથી ઉદ્ભવ્યાં હોય. માટે જ આને આદિ-સંધિપાદ તરીકે ઓળખવામાં આવે છે.

સમુદાય ટાર્ડિગ્રેડા : ઉત્ક્રાંતિપથમાં તેના શંકાસ્પદ સ્થાનને કારણે હવે તેને અલગ સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સમૂહના જીવો અતિસૂક્ષ્મ 1 m.m. નરમ શરીરવાળા અને અગ્રભાગમાં ખાંચને કારણે શીર્ષનો ભાસ કરાવતા જીવોને (સૂક્ષ્મ જીવોને) ‘સૂક્ષ્મ જલરીંછ’ એવું નામકરણ આપવામાં આવ્યું છે, તેમાં બે અણીદાર સંકોચનશીલ ‘કહેવાતાં મુખાંગો’, 4 જોડ સાંધા વગરના બેથી ચાર નહોરવાળા ચલનપાદો જેવાં લક્ષણોને કારણે સંધિપાદમાં તેનું સ્થાન શંકાસ્પદ રહ્યું છે. આ જીવાતના સ્કૅનિંગ ફોટોગ્રાફ ‘સૂક્ષ્મ રીંછ’ જેવા લાગે છે. તેમાં બે શ્રેણીઓ છે : હેટરોટાર્ડિગાર્ડા – ઉદા., ટેટ્રાકેન્ટ્રોન – સમુદ્રકાકડીનાં મુખ-સૂત્રાંગોમાં રહે છે. (સહજીવન) યુટાર્ડિગ્રેડા – સમુદ્ર કે મીઠા પાણીના રહેવાસી; ઉદા., મૅક્રોબાયોટિસ કદ. 0.7 m.m., જમીન ઉપર, મીઠા પાણીમાં, કેટલાંક સમુદ્રના પાણીમાં.

સંધિપાદ અને મનુષ્ય સાથેના સંબંધો : સંધિપાદ પ્રાણીસૃદૃષ્ટિમાં સૌથી વિશાળ અને વૈવિધ્યભર્યો સમુદાય હોઈ, મનુષ્ય-જીવનમાં તે હર પળે સંપર્કમાં આવતો રહ્યો છે. માખી, મચ્છર, વંદા તેના નિવાસ સ્થાનનાં સાથીઓ છે તો ઊધઈ જેવી જીવાત ઘરમાં અને ઘર બહાર બાગ-બગીચા, જંગલ વગેરે અનેક સ્થળોએ તેનું અસ્તિત્વ દાખવે છે. અનેક કીટકો પેસ્ટ તરીકે જીવતા હોય તો તેનાથી અનેકગણા કીટકો પરાગનયનક્રિયા કરાવી કૃષિપાકો મેળવવામાં મદદ કરે છે. મધમાખી, રેશમના કીડા અને લાખના જંતુઓ મનુષ્યને આર્થિક રીતે ઉપયોગી છે. રોગચાળો ફેલાવવામાં પણ સંવાહક (વેક્ટર) કીટકોનો ફાળો મોટો છે. વીંછી અને કરોળિયા મનુષ્યને ઉપદ્રવકારક તો કેટલાંક પેસ્ટનિયંત્રક તરીકે ઉપયોગી છે.

સ્તરકવચી લાખો જળચર જીવો ખોરાક-શૃંખલામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મનુષ્યના ખોરાકમાં પણ તે સીધો અને આડકતરો ભાગ ભજવે છે. જિંગા-લૉબ્સ્ટરનો વેપાર મત્સ્યોદ્યોગનું મહત્ત્વનું અંગ છે. સંશોધનક્ષેત્રે પણ મોટાભાગના સંધિપાદી પ્રાણીઓ ઉપયોગમાં આવે છે. જૂવા અને ઇતરડી મનુષ્ય અને તેનાં પાળેલાં પ્રાણીઓ ઉપર ઉપદ્રવકારક છે. કીટકોનું સામાજિક જીવન, તેમની શાશ્વત ટકી રહેવાની શક્તિ (sustanance), પદ્ધતિ મનુષ્ય-જીવન માટે બોધપાઠ-રૂપ છે.

રા. ય. ગુપ્તે