સંજય : મહાભારત અનુસાર ધૃતરાષ્ટ્રનો સારથિ અને પરામર્શદાતા. તે સૂત જાતિમાં ઉત્પન્ન થયો હતો. તે વેદવ્યાસનો કૃપાપાત્ર અને શ્રીકૃષ્ણનો ભક્ત હતો. દુર્યોધનના અત્યાચારોનો એ વિરોધ કરતો રહ્યો. એણે યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્રને યુદ્ધ રોકવાની સલાહ આપી હતી. પાંડવો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળવાથી શાંતિને માટે સમ્મત હતા પરંતુ કૌરવો માન્યા નહિ. તેણે ધૃતરાષ્ટ્રને શ્રીકૃષ્ણ અવતારી પુરુષ છે એ બાબત જણાવી અને જો યુદ્ધ થશે તો કુરુવંશની સાથે સંપૂર્ણ પ્રજાનો નાશ થઈ જશે એવી આશંકાથી પણ પરિચિત કરાવ્યા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તેથી તે એના દ્વારા યુદ્ધભૂમિથી દૂર હોવા છતાં ત્યાંની સ્થિતિનું પૂરેપૂરું વર્ણન ધૃતરાષ્ટ્ર સમક્ષ કરી શક્યો હતો. યુદ્ધ પૂરું થતાં યુધિષ્ઠિરે સંજયને પોતાના રાજ્યના આવક-જાવક નિરીક્ષકનું કાર્ય સોંપ્યું હતું. તેણે અંત સમયે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીની સાથે વનમાં જઈ વાસ કર્યો હતો જ્યાં તેનું મૃત્યું થયું હતું.

પ્રવીણચંદ્ર પરીખ