શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ

January, 2006

શેઠ, કેશવલાલ હરગોવિંદદાસ (. 20 નવેમ્બર 1888, ઉમરેઠ, જિ. ખેડા; . 1 નવેમ્બર 1947, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતી કવિ અને અનુવાદક. જ્ઞાતિએ ખડાયતા વણિક. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. પછી અમદાવાદમાં સ્થાયી થયા. અંગ્રેજી, મરાઠી, હિંદી તથા અન્ય ભાષાઓનો અભ્યાસ ખાનગી રીતે ચાલુ રાખ્યો.

આજીવિકા માટે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર નામનું પ્રેસ સ્થાપ્યું. ‘ખડાયતા મિત્ર’ના તંત્રીપદે કામગીરી કરી. તેમના પ્રિય વિષય લૉજિક અને તત્ત્વજ્ઞાન હતા. તેમની તેજસ્વી કલમના કારણે તેઓ ‘ગુજરાતી પંચ’ અને ‘પ્રજાબંધુ’ના લેખક થયા. ‘પ્રજાબંધુ’ની કામગીરી દરમિયાન તેમણે ભેટનાં બે પુસ્તકો તરીકે ‘કૉન્સ્ટેન્ટિનોપલની કથા’ (1921) અને ‘શંભાજીનું રાજ્યારોહણ’ (1922) નામક બે અનુવાદો આપ્યા.

કવિ તરીકે તેમણે ‘લગ્નગીત’ (1916), ‘સ્નેહસંગીત’ (1919), ‘પ્રભુચરણે પ્રાર્થના’ (1919), ‘સ્વદેશ ગીતાવલી’ (1919), ‘રાસ’ (1922), ‘અંજલિ’ (1926), ‘મહાગુજરાતનો મહાકવિ’ (1927) (ડોલનશૈલીમાં ન્હાનાલાલ વિશે લખાયેલું ચરિત્રાત્મક કાવ્ય), ‘રાસમંજરી’ (1929), ‘કેસરિયાં’ (1930), ‘રણના રાસ’ (1930), ‘રાસનલિની’ (1932), ‘વીરપસલી’ (1933), ‘બાળ ગીતાવલી’ (1938) જેવા કાવ્યગ્રંથો આપ્યા છે. તેમાં તેમણે રસપૂર્વક દેશભક્તિ, પ્રભુભક્તિ અને દામ્પત્યપ્રેમનું નિરૂપણ કર્યું છે. તેમની કાવ્યશૈલી ન્હાનાલાલનું અનુકરણ કરતી જણાય છે. તેઓ કરુણ મધુર ભાવ સુપેરે વ્યક્ત કરી શક્યા છે. ‘કેસરિયાં’ કાવ્યનો પ્રધાન વિષય ગાંધીજીના સત્યાગ્રહ-આંદોલનનો છે. તેમનાં કાવ્યોમાં લયબદ્ધ ઢાળોની ગેયતા ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે જ્ઞાતિસુધારા માટે ‘કવિયુગની વાતો’ નામક વાર્તાસંગ્રહ અને જ્ઞાતિના અગ્રેસર પુરુષોનો પરિચય આપતો ‘જીવનસ્મરણો’ નામક ચરિત્રગ્રંથ પણ આપ્યો છે. આમ, જ્ઞાતિસુધારક અને કવિ તરીકે સારી એવી ચાહના તેમણે પ્રાપ્ત કરી હતી.

મધુસૂદન પારેખ