શેઠ, ઇન્દુમતી ચીમનલાલ

January, 2006

શેઠ, ઇન્દુમતી ચીમનલાલ (. 28 નવેમ્બર 1906, અમદાવાદ; . 11 માર્ચ 1985, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવિકા અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન. શિક્ષણપ્રેમી, દાનવીર પરિવારમાં જન્મ. પિતાનું નામ ચીમનલાલ નગીનદાસ. માતાનું નામ માણેકબા. માતા-પિતાની ધર્મપરાયણતા તથા વિદ્યાવ્યાસંગના ગુણો તેમનામાં ભારોભાર ઊતર્યા હતા. તેઓ જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પિતરાઈ હતા. સમગ્ર શિક્ષણ અમદાવાદ ખાતેના ગૂજરાત વિદ્યાપીઠમાં. સમાજશાસ્ત્ર વિષય સાથે પ્રથમ શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્નાતક થયાં. ગુજરાતી વિષયમાં પણ સમગ્ર વિદ્યાપીઠમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાં વિદ્યાર્થીકાળમાં મહાત્મા ગાંધી, આચાર્ય જે. બી. કૃપાલાની, આચાર્ય ગિદવાણી, રામનારાયણ પાઠક જેવા અગ્રણીઓ સાથે પરિચય થયો. મહાત્માજીનું તો સાન્નિધ્ય પણ પ્રાપ્ત થયું. આચાર્ય કૃપાલાનીએ તેમને ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપિકા થવા માટેનું આમંત્રણ મોકલ્યું, જે તેમણે સ્વીકાર્યું; એટલું જ નહિ, પરંતુ અવૈતનિક વ્યવસાય તરીકે તે અંગેની જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક અદા કરી. તેઓ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું પોતાના જીવનમાં સાતત્યથી આચરણ કરતા હતા. તેમણે તેમની વિશાલ મિલકતનું ટ્રસ્ટ કરેલું અને તેનો ઉપયોગ શિક્ષણ અને લલિતકલાના ઉત્કર્ષ માટે કર્યો હતો. તેઓ અત્યંત નિર્ભય હતાં. 1941માં અમદાવાદમાં થયેલ રમખાણો દરમિયાન તેઓ શાંતિ સ્થાપવા માટે લોકોની વચ્ચે નીડરતાથી ફરતાં હતાં.

ઇન્દુમતી ચીમનલાલ શેઠ

રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેમણે ખાદીનો પ્રચાર, વિદેશી કાપડનો બહિષ્કાર તથા નશાબંધી આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે મૃદુલા સારાભાઈને દેશસેવિકાની પ્રવૃત્તિમાં સક્રિય સાથ આપ્યો. અમદાવાદ શહેર કૉંગ્રેસ સમિતિ તથા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ કમિટી જેવા એકમોમાં રસપૂર્વક કામ કર્યું. આઝાદી પહેલાં પ્રાંતીય સ્વરાજ્યના ગાળામાં વર્ષ 1946માં યોજાયેલ મુંબઈ ઇલાકાની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બિનવિરોધ ચૂંટાઈ આવ્યાં અને ઇલાકાના તત્કાલીન પંતપ્રધાન બાળાસાહેબ ખેરના પ્રાંતીય મંત્રીમંડળમાં શિક્ષણખાતાના સંસદીય સચિવના પદ પર નિમાયા. ત્યારબાદની વિધાનસભા-ચૂંટણીમાં પણ વિજયી બન્યાં અને પ્રાંતીય સરકારમાં નાયબ શિક્ષણપ્રધાન બન્યાં. 1960માં દ્વિભાષી રાજ્યનો પ્રયોગ સમેટી લેવાયો અને અલાયદા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ત્યારપછી 1962માં ગુજરાત રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં અને રાજ્યનાં પ્રથમ શિક્ષણપ્રધાન બન્યાં; સાથોસાથ સમાજકલ્યાણ ખાતાનો હવાલો પણ સંભાળ્યો. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટનાં સભ્ય ઉપરાંત વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(UGC)નાં સભ્ય તરીકે કામગીરી કરી. શિક્ષણ ઉપરાંત મદ્યનિષેધ, ગ્રામોદ્યોગ, બાળકલ્યાણ, મહિલા-ઉત્કર્ષ, કોમી એકતા ઇત્યાદિ ચળવળોમાં સક્રિય રહ્યાં. અમદાવાદ ખાતેનું ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર (સી. એન. વિદ્યાલય), અડાલજ ખાતેનું માણેકબા વિનયવિહાર, અમદાવાદ ખાતેનું ખાદીમંદિર, મહિલા સમુન્નતિ સંઘ જેવી માતબર સંસ્થાઓની સ્થાપના અને વિકાસમાં તેમણે આમરણ સક્રિય રસ લીધો. સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીની ટ્રસ્ટીશિપની ભાવના પોતાના જીવનમાં કાર્યાન્વિત કરી.

ભારત સરકારે 1970માં તેમને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજ્યાં હતાં.

વ્યક્તિગત અને જાહેર રીતે ઉમદા અને સ્વચ્છ ચારિત્ર્ય ધરાવતાં રાજનીતિજ્ઞ તરીકે તેમની છાપ રહી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે