શેંગ વંશ : પુરાતત્વવિદ્યાકીય તથા નોંધાયેલ બંને પુરાવા ધરાવતો ચીનનો પ્રથમ વંશ. તે યીન (Yin) વંશ તરીકે પણ ઓળખાય છે. તે વંશના શાસકો ઈ. પૂ. 1766થી 1122 સુધી શાસન કરતા હતા. તેનો પ્રદેશ ઉત્તર ચીનનાં મેદાનોમાં હતો અને ઉત્તરમાં શાંટુંગ પ્રાંત તથા પશ્ચિમે હોનાન પ્રાંત સુધી તેની સરહદો વિસ્તરેલી હતી. શેંગ વંશના રાજાઓએ તેમનાં પાટનગરો એક પછી એક બદલ્યાં હતાં. તેમાંનું એક ચેંગચાઉ હતું. ત્યાંથી પુરાતત્વના સમૃદ્ધ નમૂના મળ્યા છે; પરંતુ ઈ. પૂ. 14મી સદીમાં તેઓ હોનાન પ્રાંતના એનયાંગમાં વસ્યા હતા. રાજા સ્થાનિક ગવર્નરો નીમતો. ત્યાં ઉમરાવ વર્ગના તથા સામાન્ય લોકો રહેતા હતા. તેમનો મુખ્ય ધંધો ખેતીનો હતો. ખેતરોમાં વાવણી ક્યારે કરવી તેની રાજા જાહેરાત કરતો. તે સમાજ પાસે 30 દિવસનો મહિનો, બાર મહિનાનું વર્ષ અને વર્ષના 360 દિવસ એવું સુવિકસિત કૅલેન્ડર હતું. આ સમય દરમિયાન ચીનમાં લખવાની શરૂઆત થઈ હતી.

તે સમયે ચીનમાં સંગીતનો વિકાસ થયો હતો અને સંગીતનાં વાદ્યોનો ઉપયોગ થતો હતો. તાંબાની ઘંટડી અને ઢોલ, વાંસમાંથી વાંસળી જેવાં વાદ્યો બનાવવામાં આવતાં હતાં. શેંગ પહેલાંના સમાજ પાસેથી વાદ્યો મળ્યાં હતાં. શેંગ સમયના સ્થપતિઓ માટીના ભોંયતળિયા ઉપર ઇમારતી લાકડાનાં મકાનો બાંધતા હતા. તેઓ વાંસ અને ડાળખાંની ભીંતને લીંપી દેતા તથા પરાળનું છાપરું બનાવતા હતા. માટીમાં કબરો ખોદતા અને તેની દીવાલો ઉપર પ્રાણીઓ કે અન્ય આકારો ચીતરતા હતા. ડિશો અને બીજાં ઘણાં વાસણોને શણગારવામાં આવતાં.

શેંગ સમયના કુંભારો માટીની વિવિધ વસ્તુઓ બનાવતા હતા. માટીનાં વાસણો ઉપર તેઓ, જુદા જુદા આકારો ચીતરતા હતા. આ સમય દરમિયાન રત્નનું જડતરકામ, શસ્ત્રો ઉપર શિલ્પકામ વગેરે કૌશલ્યનો વિકાસ થયો હતો. શેંગ સમયનું સાહિત્ય મળ્યું નથી; પરન્તુ ઉત્કીર્ણ લેખો પરથી કેટલાંક નામ તથા નોંધોની માહિતી મળે છે. ચિત્રાત્મક ચિહ્નો, ચિત્રાક્ષરો અને phonogramsનો ઉપયોગ થયો હતો અને તે ચીનનાં સૌથી જૂનાં લખાણો છે.

જયકુમાર ર. શુક્લ