શુદ્ધાદ્વૈતવાદ : શ્રી વલ્લભાચાર્યજીએ સ્થાપેલો તત્વજ્ઞાનનો એક સિદ્ધાંત. પ્રાચીન ભારતના ઋષિ-મુનિઓએ પોતાને લાધેલા તત્વના જ્ઞાનને વેદના અંતભાગમાં આવેલાં ઉપનિષદોમાં થયેલું તત્વચિંતન શ્રુતિપ્રસ્થાન નામે ઓળખાય છે. ઉપનિષદોમાં રહેલા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સંક્ષેપમાં બાદરાયણે બ્રહ્મસૂત્રોમાં ગૂંથ્યા. આ સૂત્રોમાં નિહિત વિચારોને સારરૂપે શ્રીમદભગવદ્ગીતામાં સંગૃહીત કર્યા છે. સ્મૃતિ પ્રસ્થાનમાં ભગવદગીતા ઉપરાંત પુરાણોને પણ સમાવાયાં છે. શ્રી વલ્લભાચાર્યે શ્રીમદભાગવત પુરાણને ચોથા પ્રસ્થાનનો દરજ્જો આપ્યો. શ્રુતિમાં નિહિત તત્વજ્ઞાનનો વિકાસ આ સાહિત્યમાં થયો છે. તે સાહિત્ય પ્રસ્થાનત્રયી કે પ્રસ્થાનચતુષ્ટયી તરીકે ઓળખાય છે. આ ચારેય પ્રસ્થાનોનું અધ્યયન મૂળભૂત સિદ્ધાંતના વિકાસને પામવાની સોપાન-પરંપરા છે.

‘શુદ્ધાદ્વૈત’માં શુદ્ધ અને અદ્વૈત પદો અદ્વૈત પરંપરાના એક ભેદનો નિર્દેશ કરે છે. આ અદ્વૈતનો સિદ્ધાંત મૂળે બ્રહ્મ સાથે જીવજગતના સંબંધમાંથી ઉદ્ભવ્યો છે. બ્રહ્મ સાથે તેમનો સંબંધ ‘અદ્વૈત’ અર્થાત્ એકાત્મભાવનો છે. અદ્વૈત પરંપરાના આચાર્યોના દૃષ્ટિભેદને લીધે શ્રી શંકરાચાર્યનો અદ્વૈતવાદ ‘કેવલાદ્વૈત’ કહેવાય છે.

શ્રી રામાનુજાચાર્યનો સિદ્ધાંત ‘વિશિષ્ટાદ્વૈત’ કહેવાય છે અને શ્રી વલ્લભાચાર્યનો સિદ્ધાંત ‘શુદ્ધાદ્વૈત’ તરીકે પ્રસિદ્ધ છે.

આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પહેલાં ‘અખંડ બ્રહ્મવાદ’ અને પછી ‘અવિકૃત પરિણામવાદ’ એ નામોથી ઓળખાતો હતો. પાછળથી તે ‘શુદ્ધાદ્વૈતવાદ’ કહેવાયો છે.

‘શુદ્ધ’ પૂર્વપદ શુદ્ધિનો નિર્દેશ કરે છે. શ્રી શંકરાચાર્યે બ્રહ્મ-જીવની એકાત્મતા ઉપર ભાર મૂકવા છતાં ‘બ્રહ્મ જીવરૂપે માયાને કારણે ભાસે છે’ એમ બ્રહ્મ-જીવ વચ્ચે ભેદ કલ્પ્યો. આમ છતાં, બંનેના એકત્વ-અદ્વૈતનું સમર્થન કરતાં ‘વિવર્તવાદ’ આપ્યો. શ્રી વલ્લભાચાર્યે ‘શુદ્ધ’ પદને ‘માયા સાથે સંબંધ ધરાવતું નથી’, એવો મત પ્રસ્થાપિત કરવા પ્રયોજ્યું છે. ‘જીવ કે જગત રૂપે બ્રહ્મ અખંડ છે.’ એ માન્યતાને કારણે આ વાદ ‘અખંડ બ્રહ્મવાદ’ કહેવાય છે. ‘બ્રહ્મ જ જીવ અને જગત રૂપે પરિણમે છે’ એ વિચારસરણીને કારણે પરિણામ કહેવાય છે. પરંતુ આ પરિણયનને સાંખ્યના પ્રકૃતિપુરુષના સંયોગથી પ્રકૃતિના થતા પરિણયનથી જુદું પાડવા ‘અવિકૃત’ પદ વિશેષણ તરીકે પ્રયોજી ‘અવિકૃત પરિણામવાદ’ નામ આપ્યું છે. બ્રહ્મ માયાને લીધે જીવ અને જગત રૂપે પરિણમે છે, પણ બ્રહ્મ વિકૃત બનતું નથી. આથી શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને ‘અવિકૃત પરિણામવાદ’ કહી અન્ય દાર્શનિક સિદ્ધાંતોથી આને જુદો પાડવામાં આવ્યો છે.

આ સિદ્ધાંતની પ્રસ્થાપના પાછળની માયા પ્રતિ શ્રી વલ્લભાચાર્યની દૃષ્ટિ વિચારણીય છે. માયા એ બ્રહ્મની શક્તિ છે. આ શક્તિથી જ બ્રહ્મ જીવ અને જગત રૂપે પરિણમે છે. આ પરિણયન અવિકૃત હોવાથી તે બંને બ્રહ્મ જેવાં જ છે. પ્રસ્તુત સિદ્ધાંતમાં બ્રહ્મ, જીવ અને જગત – એ ત્રણેય તત્વો વિશે વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે.

બ્રહ્મ – બ્રહ્મ અદ્વૈત અર્થાત્ એકમાત્ર તત્વ છે. તે ત્રણ સ્વરૂપે બ્રહ્માંડમાં વ્યાપેલું છે : (1) આધિદૈવિક બ્રહ્મ અર્થાત્ પરબ્રહ્મ કે પુરુષોત્તમ. શુદ્ધાદ્વૈત મતે શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ, પુરુષોત્તમ કે પરમ તત્વ છે. શ્રીકૃષ્ણનું સ્વરૂપ સચ્ચિદાનંદમય, દોષરહિત, સકળ ગુણોથી સંપૂર્ણ, સ્વતંત્ર, જડ દેહના ગુણો વગરનું, આનંદ માત્રનાં રૂપનાં બનેલાં અવયવોવાળું (સાકાર) અને ભેદરહિત છે. શ્રીકૃષ્ણમાં અનેક શક્તિઓ રહેલી છે. તેમાં શ્રી, પુદૃષ્ટિ, ગિરા વગેરે બાર મુખ્ય છે.

પોતાના સમગ્ર પરિવાર સાથે શ્રીકૃષ્ણ, પરબ્રહ્મ કે પરમાત્મા પૃથ્વી ઉપર અવતરે છે. પરબ્રહ્મ શ્રીકૃષ્ણ જ જગત અને જીવ રૂપે પરિણમે છે, તેને આવિર્ભાવ કહે છે અને બધું જ પરબ્રહ્મમાં લય પામે છે, તેને તિરોધાન કહે છે. શ્રીકૃષ્ણની આ લીલાથી જીવસૃદૃષ્ટિ અને જગત્સૃદૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે કે લય પામે છે. આને આવિર્ભાવ- તિરોધાન લીલા કહે છે.

પરમાત્મા જગતમાં ધર્મના ઉત્થાન, અધર્મના નિવારણ, સજ્જનોના રક્ષણ અને દુરાચારીઓના વિનાશ માટે અવતાર લે છે. આને અવતારલીલા કહે છે.

સૃદૃષ્ટિનું સર્જન પોતાની માયા-શક્તિથી કરે છે. ‘એકલો છું, બહુ થાઉં’  એવા કામ-સંકલ્પથી પરમાત્મા જીવ-જગત સર્જે છે અને આ સૃદૃષ્ટિ સુવ્યવસ્થિત ચાલે તે માટે પરમાત્મા અવતારલીલા કરે છે.

જીવ-પરબ્રહ્મ શ્રીકૃષ્ણ પોતાને ઇચ્છા થાય ત્યારે પોતાના આનંદાદિ અંશો છુપાવી પોતે જ જીવનું સ્વરૂપ ધારણ કરે છે. એમાં માયાનો સંબંધ નથી, પરંતુ શ્રીકૃષ્ણની ઇચ્છા જ પ્રધાન છે. શ્રીકૃષ્ણ પોતાની ઐશ્વર્ય, શ્રી વગેરે શક્તિઓને તિરોહિત કરી દીનતા વગેરેને અપનાવે છે. વળી જ્ઞાનનું તિરોધાન કરી દેહાત્મભાવ સ્વીકારે છે. આમાં પરમાત્માના અવિકૃત ચિદંશમાંથી જીવ આવિર્ભાવ પામે છે.

સત્ય એવો જીવ શુદ્ધ, મુક્ત અને સંસારીએ ત્રણ પ્રકારનો હોય છે. શુદ્ધ જીવને અવિદ્યાનો સંબંધ હોતો નથી. આમ શુદ્ધ એટલે અવિદ્યાના સંબંધથી રહિત જીવ. મુક્ત જીવ અવિદ્યાના સંબંધથી મુક્ત બને છે. મુક્ત જીવના જીવન્મુક્ત અને કેવલમુક્ત – એમ બે પ્રકાર છે. સંસારી જીવ અવિદ્યાના સંબંધથી યુક્ત હોય છે. સંસારી જીવના દૈવી અને આસુરી એવા બે પ્રકારો છે. દૈવી સંસારી જીવના મર્યાદા-માર્ગી અને પુદૃષ્ટિમાર્ગી બે ભેદ છે. મર્યાદામાર્ગી જીવ ચારેય પ્રકારની મુક્તિનો અધિકારી છે. પુદૃષ્ટિમાર્ગી જીવમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેનામાં તિરોહિત રહેલો આનંદનો અંશ આવિર્ભૂત થાય છે. એ પછી સચ્ચિદાનંદ-સ્વરૂપ બની ભગવાન સાથે તે અભેદ પ્રાપ્ત કરે છે.

સળગતા અગ્નિમાંથી હજારો સ્ફુલ્લિંગો પ્રગટે છે એ પ્રમાણે અક્ષરબ્રહ્મમાંથી જડ અને ચેતન બે પ્રકારના જીવો આવિર્ભાવ પામે છે અને અક્ષરબ્રહ્મમાં અદર્શન (નાશ  नश् अदर्शने) પામે છે. આ તિરોભાવ છે. બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર જે પ્રમાણે કરોળિયો મોઢામાંથી લાળ કાઢે છે તે પ્રમાણે કે જે રીતે અગ્નિમાંથી અસંખ્ય તણખા ઊડે છે, તે રીતે આ આત્મા અક્ષરબ્રહ્મમાંથી બધા પ્રાણ, બધા લોક, બધા દેવ, બધા જડ-ચેતન પદાર્થો આવિર્ભાવ પામે છે. આ આવિર્ભૂત સઘળું બ્રહ્મ છે. શ્રુતિવચન અનુસાર ‘આ સર્વ કાંઈ છે તે બ્રહ્મમાંથી આવિર્ભાવ પામ્યું છે.’

અગ્નિમાંથી નીકળતા તણખાની ઉપમા ઉપરથી જીવ બ્રહ્મનો અંશ છે કે બ્રહ્મનું સ્વરૂપ છે એ પ્રશ્ર્નના ઉત્તરમાં બે વિચારધારા મળે છે. અંશાંશિભાવને વિશિષ્ટાદ્વૈતમાં સ્થાન છે. અહીં અગ્નિના સ્ફુલ્લિંગ અગ્નિસ્વરૂપ છે; માત્ર આનંદાદિ તિરોહિત છે. તે આવિર્ભાવ પામતાં જીવાત્મા મુક્ત થાય છે અને જગત પ્રલય પામે છે. ‘तत्वमसि’  ‘તે તું જ છે’ એ શ્રુતિવચન આ વિચારધારાનું સમર્થન કરે છે.

જગત : નિર્ગુણ સચ્ચિદાનંદ બ્રહ્મ જ અવિકૃત ભાવને લીધે જગત રૂપે પરિણમે છે. તે પ્રક્રિયામાં બ્રહ્મમાં કોઈ વિકાર થતો નથી. વળી  જગતની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી. પરંતુ જગત જીવોની માફક આવિર્ભાવ પામે છે અને તિરોભૂત થાય છે. ભગવાનના સદંશમાંથી જગતનો પ્રાદુર્ભાવ થાય છે.

સંસાર : અવિદ્યાને કારણે આવિર્ભૂત જીવાત્માને સાંસારિક અનુભૂતિ થાય છે. અવિદ્યા નાશ પામે એટલે સંસારની સત્તા તે જીવ પૂરતી નાશ પામે છે. આથી સંસાર દશા અવિદ્યાને લીધે હોવાથી તે સત્ય નથી; પરંતુ જીવ અને જગત અક્ષરબ્રહ્મમાંથી આવિર્ભાવ પામતા હોવાથી સત્ય છે; શ્રીકૃષ્ણની જેમ નિત્ય છે. ઉપાસ્ય શ્રીકૃષ્ણ બ્રહ્માંડ, બધા જીવો અને જગતમાં રહેલા છે; જ્યારે સંસાર અહંતા, મમતાત્મક છે.

શ્રીકૃષ્ણ પુરુષોત્તમ, ભક્ત અને જ્ઞાનીને ગોચર એવું બે પેટાપ્રકારનું – અક્ષર અને અંતર્યામી દ્વિવિધ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે.

સાંસારિક જીવોએ અવિદ્યાથી મુક્ત થવા બ્રહ્મ સાથે સંબંધ બાંધવા સંપૂર્ણભાવે સકલ પરિવેશસહિત બ્રહ્મની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. પુદૃષ્ટિમાર્ગમાં આ સંદર્ભે બ્રહ્મસંબંધ જરૂરી માન્યો છે. બ્રહ્મસંબંધ દ્વારા આત્મનિવેદન થાય છે.

મનુષ્યને મોક્ષ મેળવવા (1) પુદૃષ્ટિમાર્ગ, (2) પ્રવાહમાર્ગ અને (3) મર્યાદામાર્ગ  એમ ત્રણ માર્ગો છે. તેમાં વેદ-પ્રતિપાદિત કર્મો કરવાના માર્ગને ‘પ્રવાહમાર્ગ’ કહે છે. વેદ-પ્રતિપાદિત જ્ઞાન મેળવવાનો ‘મર્યાદા-માર્ગ’ છે. તેમાં વૈધી ભક્તિને પ્રાધાન્ય હોય છે. આ બે માર્ગ કરતાં ત્રીજો માર્ગ ‘પુદૃષ્ટિમાર્ગ’ છે. તેમાં નવધા ભક્તિને મહત્વ અપાયું છે. બ્રહ્મસંબંધ લેનાર શ્રવણ, કીર્તન આદિ નવધા ભક્તિના અંતિમ સોપાન પૂર્ણશરણાગતિ(complete surrender)ને પામે ત્યારે ભક્તિની ચરમસીમાએ ભક્ત પહોંચે છે. આ રીતે જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રણેય માર્ગોને સમાવી લીધા છે. આ મર્યાદાભક્તિ છે. પુદૃષ્ટિભક્તિ આથી ભિન્ન છે.

પુદૃષ્ટિભક્તિ શ્રીકૃષ્ણની કૃપાથી પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ભક્ત ઉપર નિર્હેતુક કૃપા કરે ત્યારે પુદૃષ્ટિ મળે છે. આને ‘પ્રેમલક્ષણા ભક્તિ’ પણ કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ કે પુદૃષ્ટિ પ્રાપ્ત થતાં ભક્ત ભગવાનમાં તન્મય બની જાય છે અને અંતે મુક્તિ પામે છે. આ તન્મયતા જ જીવ અને પરમાત્માના અદ્વૈતની અનુભૂતિ કરાવે છે. ક્ષુદ્ર જીવ અવિદ્યાજનિત સંસાર નાશ પામતાં શુદ્ધ પરમાત્મા સાથે અદ્વૈત પામે છે. આથી જ આ મત શુદ્ધાદ્વૈત કહેવાય છે.

કે. કા. શાસ્ત્રી