શિસ્ટ (Schist) : એક પ્રકારનો વિકૃત ખડક. આ પ્રકારના ખડકો પ્રાદેશિક વિકૃતિની પેદાશ ગણાય છે, જેને પરિણામે ભૂપૃષ્ઠમાં જુદા જુદા પ્રકારના શિસ્ટ જોવા મળે છે. મુખ્યત્વે મૃણ્મય ખડકો પર પ્રાદેશિક વિકૃતિ થવાથી, વિકૃતિની કક્ષા પ્રમાણે, શિસ્ટ ખડકો અસ્તિત્વમાં આવે છે. જે ખડકોમાં વિરૂપતાની અમુક ચોક્કસ અસર હેઠળ શિસ્ટોઝ સંરચના ઉદ્ભવે છે એવા ખડકો શિસ્ટ તરીકે ઓળખાય છે. શિસ્ટોઝ સંરચના એ ઓછાવત્તા પૂર્ણ સંભેદ(કે વિભાજકતા)નો ગુણધર્મ ધરાવતી સંરચના છે. તે આ પ્રકારના ખડકોને સરળ રીતે પડોમાં વિભાજિત કરવામાં સહાયભૂત થઈ પડે છે. આ ખડકો જો અગ્નિકૃત ખડકોમાંથી બનેલા હોય તો તેમને ઑર્થોશિસ્ટ અને જળકૃત ખડકોમાંથી બનેલા હોય તો તેમને પૅરાશિસ્ટ કહેવાય છે. પ્રાદેશિક વિકૃતિ દરમિયાન પુન:સ્ફટિકીકરણ થાય તો એવા ખડકો સ્ફટિકમય શિસ્ટ તરીકે ઓળખાય છે.

બંધારણ : શિસ્ટનું રાસાયણિક બંધારણ મોટાભાગના સિલિકેટ ખડકો જેવું હોય છે, પરંતુ ખનિજીય દૃષ્ટિએ બધા જ શિસ્ટ ખડકોમાં એક સર્વસામાન્ય લક્ષણ એ જોવા મળતું હોય છે કે તેમાં એક કે વધુ ખનિજો પતરીમય કે રેસાદાર (ફાયલોસિલિકેટ કે આયનોસિલિકેટ સ્ફટિકમય રચનાવાળા) હોય છે, તે જો પતરીમય હોય તો શિસ્ટોઝ સંરચનાની તલસપાટીઓને સમાંતર હોય છે; જો તે રેસાદાર હોય તો અન્યોન્ય ઓછાવત્તા પ્રમાણમાં સમાંતર હોય છે. એક રીતે જોતાં, આવાં ખનિજો આ ખડકની શિસ્ટોઝ સંરચના બનવા માટે લાક્ષણિક બની રહે છે. રેસાદાર ખનિજો વધારાનું રેખીય લક્ષણ (lineation) ઊભું કરે છે. જો તેમાં ફેલ્સ્પાર અને ક્વાર્ટ્ઝનું પ્રમાણ પતરીમય ખનિજો કરતાં વધી જાય તો શિસ્ટની લાક્ષણિક શિસ્ટોઝ સંરચના ઘટતી જાય છે અને અનિયમિત પત્રબંધી કે પટ્ટાદાર ગોઠવણી થાય છે; એવો ખડક નાઇસ કહેવાય છે.

શિસ્ટોઝ સંરચના : (અ) ગાર્નેટયુક્ત અબરખ-શિસ્ટ, (આ) અબરખ અથવા ક્લોરાઇટની પ્રચુર માત્રાને કારણે તૈયાર થતી શિસ્ટોઝ સંરચના, (ઇ) ઍમ્ફિબૉલ ખનિજ સળીઓથી તૈયાર થતી રેખીય શિસ્ટોઝ સંરચના

શિસ્ટોઝ સંરચનાનો વિકાસ : ખડકોની વિકૃતિને પર્વત હારમાળાઓ માટે થતા ગિરિનિર્માણ ભૂસંચલન સાથે સીધો સંબંધ હોય છે. ઘણી ઊંડાઈએ જુદા જુદા પ્રકારનું સંચલન થતું રહેતું હોય છે, તેમાં ખડકો માટેનાં ખનિજઘટકો તૈયાર થવાના અને ગોઠવાવાના સંજોગોની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આવી પરિસ્થિતિ દરમિયાન સંજોગોવશાત્ જો પતરીમય, પ્રિઝમેટિક કે રેસાદાર ખનિજસ્ફટિકો અમુક ચોક્કસ પ્રકારની સમાંતર કે રેખીય ગોઠવણી પામતા જાય તો શિસ્ટોઝ સંરચના થવા માટેની અનુકૂળતા મળી રહે છે.

શિસ્ટોઝ સંરચના એ એક પ્રકારનો સંભેદ છે. તે મુખ્યત્વે શિસ્ટ અને ફિલાઇટ જેવા વિકૃત ખડકોમાં જોવા મળે છે. મસ્કોવાઇટ, બાયોટાઇટ, ક્લોરાઇટ, શંખજીરું અને ગ્રૅફાઇટ જેવાં પતરીમય કે તકતીમય ખનિજોનું અથવા હૉર્નબ્લૅન્ડ, ટ્રેમોલાઇટ કે ઍક્ટિનોલાઇટ જેવા સળી-આકાર ખનિજોનું સમાંતર કે સમરેખીય વિતરણ જે ખડકોમાં થાય તે ખડકોની સંરચના શિસ્ટોઝ સંરચના કહેવાય. આવા ખડકો સરળ વિભાજકતાનો ગુણધર્મ ધરાવતા ગણાય અને તેમને તોડવાથી વ્યવસ્થિત પડોમાં તૂટી શકે. ખડકોમાં થતી વિકૃતિ દરમિયાન પરિણમતી વિરૂપતા આવી ગોઠવણી માટે જવાબદાર ગણાતી હોય છે. શિસ્ટોઝ સંરચનાનું આ લક્ષણ પ્રાદેશિક વિકૃતિ વખતે ઘણા મોટા વિસ્તારને ગેડીકરણ સહિત આવરી લેતું હોય છે. ટૂંકમાં, વિરૂપતા દરમિયાન થતું પુન:સ્ફટિકીકરણ તેમજ મહત્તમ દાબનું પ્રતિબળ આ પ્રકારના ખનિજોને અન્યોન્ય સમાંતર સ્થિતિમાં ગોઠવી આપે છે.

શિસ્ટોઝ સંરચના ધરાવતા સામાન્ય ખનિજોમાં પતરી કે તકતીમય સ્વરૂપવાળા અબરખ જેવા ખનિજોનું પ્રાધાન્ય હોય તો તે પ્રકારના શિસ્ટ લેપિડોબ્લાસ્ટિક શિસ્ટ અને સળી જેવા ઍમ્ફિબૉલ ખનિજોથી બનેલો હોય તો તેને નિમાટોબ્લાસ્ટિક શિસ્ટ કહેવાય છે. આગળ પડતા ખનિજો મુજબ પણ શિસ્ટનાં નામ અપાય છે; જેમ કે, અબરખ-શિસ્ટ, ગાર્નેટયુક્ત સ્ટોરોલાઇટ-શિસ્ટ, સ્ટોરોલાઇટ-ઍન્ડેલ્યુસાઇટ-શિસ્ટ, હૉર્નબ્લૅન્ડ-શિસ્ટ, કાયનાઇટ-શિસ્ટ, ક્લોરાઇટ-શિસ્ટ વગેરે.

ગિરીશભાઈ પંડ્યા