શિમોમુરા, ઓસામુ (Shimomura, Osamu) (જ. 27 ઑગસ્ટ 1928, ફુકુચિયામ, ક્યોટો, જાપાન) : જાપાની કાર્બનિક રસાયણવિદ અને સમુદ્રી (marine) જીવવૈજ્ઞાનિક તથા 2008ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમનો ઉછેર મંચુરિયા અને ઓસાકામાં જ્યાં તેમના પિતા લશ્કરી અફસર હતા ત્યાં થયેલો. ત્યાર બાદ તેમનું કુટુંબ ઈસાહાયા (Isahaya) નાગાસાકી ખાતે આવ્યું. નાગાસાકી ઉપર ફેંકાયેલા પરમાણુ-બાબના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા. અનેક મુશ્કેલીઓ પાર કરીને તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું અને વિદ્યાકીય ક્ષેત્રે નિપુણતા પ્રાપ્ત કરી. જોકે પરમાણુ-બૉંબે વેરેલા વિનાશને કારણે તેમાં ખલેલ પડી હતી.

શિમોમુરાએ નગોયા (Nagoya) યુનિવર્સિટીમાંથી કાર્બનિક રસાયણમાં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી અને 1956માં તેઓ આ યુનિવર્સિટીમાં પ્રો. યોશિમારા હિરાટા(Yoshimaro Hirata)ના સહાયક તરીકે નિમણૂક પામ્યા. પ્રો. હિરાટા સાથે કામ કરતા હતા ત્યારે તેમને એક પ્રકારના મૃદુકવચી(mollusc)ના છૂંદેલા અવશેષોને પાણીથી ભીંજવતાં તેઓ કેમ ચળકે છે તે શોધી કાઢવાનું મુશ્કેલ કાર્ય સોંપાયું. આમ કરવા જતાં તેમણે આને માટે કારણભૂત એવું એક પ્રોટીન શોધી કાઢ્યું અને પોતાના સંશોધનના ફળસ્વરૂપે તૈયાર કરેલ લેખ ‘ક્રિસ્ટલાઇન સિપ્રિડીન લ્યુસિફેરિન’ (crystalline cypridine luciferin) શીર્ષક હેઠળ ‘બુલેટિન ઑવ્ ધ કેમિકલ સોસાયટી ઑવ્ જાપાન’માં પ્રસિદ્ધ કર્યો. આ લેખે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રો. ફ્રૅન્ક જૉહનસનનું ધ્યાન ખેંચ્યું અને તેમણે શિમોમુરાને પોતાની સાથે કામ કરવા બોલાવ્યા.

ઓસામુ શિમોમુરા

પ્રિન્સ્ટન ખાતે શિમોમુરાએ જીવવિજ્ઞાન વિભાગમાં ફ્રૅન્ક જૉહનસન સાથે જેલીમત્સ્ય ઇક્વોરિયા વિક્ટોરિયા (Jellyfish Aequorea Victoria) ઉપર સંશોધન શરૂ કર્યું. તેમનું આ કાર્ય ઇક્વૉરિન (aequorin) અને લીલા પ્રસ્ફુરક પ્રોટીન(green fluorescent protein, GFP)ની શોધમાં પરિણમ્યું. 1967થી માંડીને 20 વર્ષ સુધી તેઓ ઉનાળામાં ફ્રાઇડે હાર્બર(વૉશિંગ્ટન સ્ટેટ)ના પ્રવાસે જતા અને રોજ 3000 જેટલાં જેલીમત્સ્ય એકઠાં કરતા. તેમણે સૌપ્રથમ શોધી કાઢેલ GFP પારજાંબલી પ્રકાશ હેઠળ તેજસ્વી લીલા પ્રકાશથી દમકતું હતું.

શિમોમુરાને GDFની શોધ અને વિકાસ બદલ 2008ના વર્ષનું રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક માર્ટિન ચાલ્ફી અને રોજર ત્સિયન સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું છે. તેઓ વૂડ્ઝ હોલ(મૅસેચ્યૂસેટ્સ)ની મરિન બાયૉલૉજિકલ લૅબોરેટરી(MBL)માં તથા બૉસ્ટન યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં માનાર્હ પ્રાધ્યાપક છે.

તેમનાં પત્ની એકિમી (Akemi) પણ કાર્બનિક રસાયણવિદ હોઈ શિમોમુરાની સંશોધનપ્રવૃત્તિઓમાં સહભાગી રહેલાં છે.

જ. દા. તલાટી