શિક્ષણ અને સાહિત્ય (સામયિક)

January, 2006

શિક્ષણ અને સાહિત્ય (સામયિક) : વીસમી સદીમાં અમદાવાદથી લગભગ 20 વર્ષો સુધી નિયમિત પ્રગટ થયેલું અને ગુજરાત, ભારત અને વિશ્વના પ્રવાહોને શિક્ષણ અને સાહિત્યની દૃષ્ટિએ મૂલવનારું માસિક.

1919માં મહાત્મા ગાંધીએ પોતાના તંત્રીપદે શરૂ કરેલા ‘નવજીવન’ સાપ્તાહિકમાં તા. 21-7-1929થી 8 પાનાંની પૂર્તિ રૂપે ‘શિક્ષણ અને સાહિત્ય’નો આરંભ કાકાસાહેબ કાલેલકરના તંત્રીપદે થયો હતો. તે પૂર્તિ દર મહિને એક વાર પ્રગટ થતી હતી. માર્ચ, 1930માં દાંડીકૂચ સમયના મીઠાસત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારે અમદાવાદનું નવજીવન પ્રેસ જપ્ત કર્યું, તેથી ‘શિક્ષણ અને સાહિત્ય’ની છેલ્લી પૂર્તિ ‘નવજીવન’ સાપ્તાહિકમાં 10મા અંક તરીકે તા. 6-4-1930ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.

ત્યારબાદ ઑક્ટોબર, 1939માં ગાંધી જયંતી નિમિત્તે નવજીવન સંસ્થા દ્વારા ફરીથી માસિક તરીકે ‘શિક્ષણ અને સાહિત્ય’નો આરંભ થયો. આ માસિકનું સંપાદકમંડળ આ મુજબ હતું : (1) જુગતરામ દવે, (2) ગોપાળદાસ પટેલ, (3) નગીનદાસ પારેખ, (4) મણિભાઈ દેસાઈ, (5) જીવણજી દેસાઈ (વ્યવસ્થાપક), (6) મગનભાઈ દેસાઈ (તંત્રી). આ માસિકનો મુદ્રાલેખ ગાંધીજીએ 1920માં સ્થાપેલી શિક્ષણસંસ્થા ગૂજરાત વિદ્યાપીઠનો મુદ્રાલેખ ‘सा विद्या या विमुक्तये ।’ જ રાખ્યો હતો.

સપ્ટેમ્બર 1942થી ડિસેમ્બર, 1944 સુધી ‘હિંદ છોડો’ની ચળવળ દરમિયાન અંગ્રેજ સરકારે નવજીવન પ્રેસ ફરી જપ્ત કરતાં આ સામયિક બંધ રહ્યું હતું. 1942 સુધી તે દર માસની પ્રથમ તારીખે પ્રગટ થતું હતું; પણ જાન્યુઆરી, 1945થી તે દર માસની છેલ્લી તારીખે પ્રગટ થવા માંડ્યું હતું. જુલાઈ, 1947થી સામયિકના સંપાદકમંડળમાં નગીનદાસ પારેખના સ્થાને ઠાકોરભાઈ દેસાઈને લેવામાં આવ્યા હતા. પછી જાન્યુઆરી, 1957થી સંપાદકમંડળ રદ કર્યું અને ત્યારથી તંત્રી તરીકે મગનભાઈ દેસાઈએ કામગીરી બજાવી હતી. આ માસિકનો છેલ્લો અંક જાન્યુઆરી, 1957નો જ છે. ત્યારબાદ ફેબ્રુઆરીથી તેનું નામ ‘નવજીવન’ રખાયું, જે 1961માં બંધ થયું.

આ સામયિકમાં ‘નવું વાંચન’ અને ‘માસિક વિવેચન’ નામે બે વિશિષ્ટ વિભાગો પ્રકાશિત થતા હતા. પ્રથમ વિભાગમાં નવાં પ્રકાશિત પુસ્તકોનો પરિચય અને સમીક્ષા તથા બીજા વિભાગમાં મહિના દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓનું વિશ્લેષણ પ્રગટ થતું હતું. વર્ષાન્તે તેમાં વાર્ષિક અનુક્રમણિકા પણ પ્રગટ થતી હતી. સામયિકમાં મુખ્યત્વે નીચેના વિષયો વિશે ચર્ચા થતી હતી :

(1) પાયાની કેળવણી

(2) પ્રૌઢશિક્ષણ

(3) ઉચ્ચ શિક્ષણ, શિક્ષણનું માધ્યમ, વિદ્યાપીઠો, પાઠ્યપુસ્તકો

(4) રાષ્ટ્રભાષા હિંદુસ્તાની : સ્વરૂપ અને પ્રચાર-પ્રસાર

(5) માનવ અર્થશાસ્ત્ર, રાજનીતિ, સર્વોદય સમાજ

(6) ખેતી, ખેડૂતો, વનસ્પતિશાસ્ત્ર, ગ્રામોદ્યોગો

(7) વિજ્ઞાન, રેંટિયો, ઉદ્યોગશિક્ષણ

(8) ખાદી, દારૂબંધી, મજૂરપ્રવૃત્તિ, આરોગ્ય

(9) વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓનાં ચરિત્રો

(10) રચનાત્મક કામો, ધર્મવિવેચન, ખગોળશાસ્ત્ર.

દશરથલાલ શાહ