શાહ, રાજેન્દ્ર કેશવલાલ

January, 2006

શાહ, રાજેન્દ્ર કેશવલાલ (. 28 જાન્યુઆરી 1913, કપડવણજ) : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર પ્રમુખ કવિ. પિતા કેશવલાલ વ્યવસાયે વકીલ. સાદરામાં પ્રથમ સરકારી વકીલ તરીકે રહ્યા પછી તે કાળે વડોદરાના ભાદરવા રાજ્યમાં જજ તરીકે નિયુક્ત થયા. અહીં શ્રેયસ્સાધક વર્ગના પરિચયમાં આવ્યા અને પોતાની ધર્મપિપાસાને કારણે શ્રીમન્નૃસિંહાચાર્યના અંતરંગ વર્તુળમાં પ્રવેશ પામ્યા. રાજેન્દ્રનાં માતા લલિતાબહેન કેશવલાલનાં ત્રીજાં પત્ની, અને રાજેન્દ્ર તેમનું એકમાત્ર સંતાન. રાજેન્દ્રની બે વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન. માતાના મમતા અને મક્કમતાભર્યા આચારવિચાર વચ્ચે રાજેન્દ્રનો ઉછેર. માતાએ બાળપણમાં કહેલું ‘આપણે તો સિંહ બાળ’. આમ, હિંમતથી જીવનમાં આગળ વધવાની તાલીમ.

કપડવણજમાં પ્રથમ-માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. 1930માં સ્વાતંત્ર્યની ચળવળે જોર પકડતાં, રાજેન્દ્રે અને માતા લલિતાબહેને એમાં ઝંપલાવ્યું. સ્વાતંત્ર્યસેનાની તરીકે સત્તર વર્ષની ઉંમરે પકડાયા અને સાબરમતી તથા યરવડાની જેલમાં સાડા ત્રણ માસની સજાનો ગાળો પસાર કર્યો. કપડવણજના ટાવર પર લહેરાઈ રહેલા રાષ્ટ્રધ્વજને ઉતારી લેવા પોલીસ ચડી રહી હતી, ત્યારે રાષ્ટ્રધ્વજની શાન જાળવવા યુવાન રાજેન્દ્રે સડસડાટ ટાવર પર પહોંચી જઈ, છાતીસરસો રાષ્ટ્રધ્વજને ચાંપીને તે ટાવર પરથી ભૂસકો મારેલો. પછડાટને કારણે લાંબી માંદગી પણ ભોગવવી પડેલી. અલબત્ત, કપડવણજમાં અંબુભાઈ પુરાણીએ વ્યાયામશાળા શરૂ કરેલી અને રાજેન્દ્રે ત્યારથી વ્યાયામમાં સક્રિય બની શરીરને કસ્યું હતું.

રાજેન્દ્ર કેશવલાલ શાહ

પિતૃવિહીન ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય, પણ એ કાળેય માતા-પુત્ર સ્વમાન અને સાદગીથી જીવન ચલાવતાં. 1931માં મંજુલાબહેન આગ્રાવાળા (અ. 1998) સાથે લગ્ન. 1932માં મૅટ્રિક થઈ કૉલેજશિક્ષણ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તે જ વર્ષે પ્રથમ સંતાન યોગિનીનો જન્મ અને થોડા સમયમાં અવસાન. ત્યારબાદ 1936માં પિનાકિનભાઈ, 1939માં ઇલાબહેન, 1942માં પીયૂષભાઈ (અ. 1986), 1944માં કૈવલ્યભાઈ, 1951માં વિભૂતિબહેન અને 1956માં નિયતિબહેનનો જન્મ. એમનું દામ્પત્યજીવન પ્રસન્ન અને કુટુંબજીવન પરિતૃપ્ત હતું.

મુંબઈમાં કૉલેજના અભ્યાસ સાથે અર્થોપાર્જનની પ્રવૃત્તિ. પરંતુ ત્યાંના હવામાનની પ્રતિકૂળતાને કારણે તબિયત લથડતાં મુંબઈ છોડ્યું અને બરોડા કૉલેજમાં જોડાયા. ત્યાંથી 1937માં તત્વજ્ઞાનનો વિષય લઈ સ્નાતક થયા. અનુસ્નાતક થવાની ઇચ્છા આર્થિક પ્રતિકૂળતાને કારણે બર આવી નહિ અને જીવનમાં વ્યાવસાયિક રીતે સ્થિર થવા એ જ વર્ષે અમદાવાદ આવ્યા. આરંભે ગુજરાત કૉલેજમાં એમ.એ.નું સત્ર ભરતાં ભરતાં એક શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી. અભ્યાસ અધૂરો રહ્યો. આર્થિક સ્થિતિ સ્થિર કરવા માટે ત્યારે કવિ સુંદરમની ભલામણથી ‘જ્યોતિસંઘ’માં નોકરી. પછી સ્વતંત્ર વ્યવસાયની ઝંખના જાગતાં એક મિત્ર સાથે અમદાવાદમાં ‘સી. આર. એસ. ટેક્સ્ટાઇલ વર્કસ’ નામે બૉબિનનું કારખાનું શરૂ કર્યું. બે-એક વર્ષ સુધી એ વ્યવસાય કરી એમાંથી છૂટા થયા અને પાલડીમાં ‘ગૃહસાધન’ નામે મોદીખાનાની દુકાન અને ‘ઇંધન’ નામે કોલસાનો સ્ટોર શરૂ કર્યો. આ વ્યવસાયમાં પણ બરકત ન આવતાં અમદાવાદ છોડી મુંબઈ સ્થાયી થયા 1945માં. આરંભમાં સ્વદેશી ડાઇંગ ઍન્ડ બ્લીચિંગમાં ત્રણચાર માસ નોકરી કર્યા બાદ જંગલોમાં લાકડા કાપવાનો કૉન્ટ્રેક્ટ રાખતી આર. જે. શાહ ઍન્ડ કંપનીમાં જોડાયા. 1951માં આ નોકરી પણ છોડી અને પાયોનિયર ટ્રેડર્સને નામે 1955 સુધી કાગળનો વેપાર જારી રાખ્યો. 1955માં ભાલ મલજી અને અન્યોની ભાગીદારીમાં લિપિની નામે મુદ્રણાલય શરૂ કર્યું, જે પછીથી સ્વતંત્ર માલિકીનું બન્યું અને 1970માં એ વ્યવસાયમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પુત્ર કૈવલ્યને તે સોંપ્યું. ત્યારપછીથી સર્જન અને અધ્યયન – એ જ એમની પ્રવૃત્તિ રહી છે.

જીવનની તડકીછાંયડીમાં ટકી રહેવાનું મનોબળ શ્રેયસ્સાધક અધિકારી વર્ગના ગુરુ ઉપેન્દ્રાચાર્યની સન્નિધિથી પ્રાપ્ત થયું. હરદમ પ્રસન્ન રહેવું એ જ એમનો જીવનમંત્ર. આ રીતે તે જીવનસાધક અને શબ્દસાધક બન્યા. મુંબઈની વિલ્સન કૉલેજમાં હતા ત્યારે 1933માં ત્યાંના મુખપત્ર ‘વિલ્સોનિયન’માં તેમની પ્રારંભિક અને પ્રથમ કાવ્યકૃતિ પ્રકટ થયેલી. તે પૂર્વે કિશોરકાળથી માતા સાથે શ્રેયસ્સાધક વર્ગના કાર્તિક અને ફાલ્ગુન માસમાં થતા ઉત્સવોમાં ભાગ લેતા અને ત્યાંનાં ગીતસંગીત ચિત્તમાં ઘૂંટાયાં કરતાં. ત્યારે ઉપેન્દ્રાચાર્યનું ગીત ‘પથ્થર પર પાણીનો ધોધ’ સાંભળ્યું અને તેના લયાન્દોલનો તથા ભાવોર્મિ-વિચારોર્મિથી ખૂબ આકર્ષાયા. વળી, 1930ના સ્વાતંત્ર્ય આંદોલન વખતે પણ દેશભક્તિનાં ગીતોની ભરમાર ચાલે. આ રીતે એક તરફથી ઉપેન્દ્રાચાર્યનાં ગીતસંગીતની તો બીજી તરફથી રાષ્ટ્રભક્તિનાં ગીતગાનની અસર તળે એમણે ગીતસર્જનનો આરંભ કર્યો. હજુ કવિતાકળા સિદ્ધ થઈ નહોતી.

કવિતાકળાની લગની લાગતાં સૌપ્રથમ ન્હાનાલાલનું વાચન શરૂ કર્યું. એમની અસર તળે નવરાત્રિના કેટલાક ગરબા પણ રચ્યા, પણ હજુ કવિતાનું ‘કાશી’ દૂર હતું. ત્યાં ‘કુમાર’નો અંક હાથમાં આવતાં એમાંની કવિતાએ એમને એ દિશાની સાચી કેડી ચીંધી. સુન્દરમ્, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ, દેશળજી પરમાર, ઇન્દુલાલ ગાંધી, કૃષ્ણલાલ શ્રીધરાણી વગેરે કવિઓની રચનાઓથી અભિભૂત થઈ તેવા કાવ્યસર્જનના મનોરથો જાગ્યા. છાંદસ કવિતા તરફ તેઓ આકર્ષાયા, પણ ત્યારે ‘લ’  ‘ગા’ સંજ્ઞાઓથી પણ તેઓ અપરિચિત હતા ! આ જ મન:સ્થિતિમાં 1937માં અમદાવાદ આવવાનું થતાં પિનાકિન ઠાકોરની મૈત્રીએ તેમને ‘કુમાર’ની ‘બુધસભા’માં પ્રવેશ કરાવ્યો. અહીં સમ્યગ્ અર્થમાં એમનું કવિ-ઘડતર થયું. 1937માં એમનું પ્રથમ કાવ્ય ‘હોળી-ધૂળેટી’ ‘કુમાર’માં પ્રકટ થયું. એમની કાવ્યયાત્રા પ્રભાવિત કવનમાર્ગથી આમ આરંભાઈ પોતીકી કેડી પર જઈ પહોંચી. શ્રીધરાણીના ‘કોડિયાં’ સંગ્રહની કાવ્યબાનીથી તેઓ ખૂબ પ્રભાવિત હતા, પરંતુ તરત જ તેમણે નિજી કાવ્યબાની શોધી લીધી.

એમની કવિપ્રતિભાનું પ્રથમ અને પરમ શિખર એટલે 1951માં પ્રકટ થયેલો કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’, જેના આગમને ગુજરાતી કવિતાના વાતાવરણમાં નવો પવન ફૂંકાયો. એમની સૉનેટસિદ્ધિ અને ગીતસિદ્ધિનાં ઉમદા અને ઉત્તમ ઉદાહરણો એમાં મળી રહે છે. છંદ અને લયના અવનવા પ્રયોગોએ સહુને આકર્ષ્યા અને અનુકરણ તરફ પ્રેર્યા. ગીતોનાં લયાવર્તનોમાં સરવાળા-બાદબાકી દ્વારા એમણે લોકઢાળો અને ચલણી ગીતચાલોને નવ્ય પરિમાણ આપ્યું. છાંદસ રચનાઓમાં સંસ્કૃતાદ્વય કાવ્યબાનીની સમાંતરે ગીતોની સાદી સરળ કાવ્યબાની એમના કવિવ્યક્તિત્વની ઓળખ બની રહી. અલંકારબાહુલ્યની સાથે સાથે કલ્પનપ્રતીકની સુચારુ અને સાર્થક પ્રયુક્તિથી એમનાં કાવ્યો પ્રશંસાયાં અને પુરસ્કારાયાં. ‘ધ્વનિ’ જેવા પ્રથમ કાવ્યસંગ્રહમાં તત્કાલીન નિરપેક્ષતા આશ્ર્ચર્યનું કેન્દ્ર બની રહી તો ‘વિષાદને સાદ’ (1968) જેવા સંગ્રહમાં તત્કાલીન સાપેક્ષતાએ પણ એવું જ આશ્ર્ચર્ય જન્માવ્યું. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ જેવા સનાતન વિષયોની તેમના કવનમાં નૂતન અભિવ્યક્તિ છે. ભાવોર્મિની સાથે સાથે ચિંતનોર્મિનું સબળ અને સફળ નિરૂપણ એમની સકલ કવિતાનો સાદ્યંત વિશેષ રહ્યો છે. ‘આયુષ્યના અવશેષે’ જેવી પ્રથિતયશ સૉનેટમાળા, ‘શેષ અભિસાર’ જેવી બોલચાલની સંવાદાત્મક અનુષ્ટુપની રચનારીતિ, ‘શ્રાવણી મધ્યાહ્ને’માં વસંતતિલકા છંદની ધીરગંભીર અને રમ્યગમ્ય ચાલ, ‘શાંત કોલાહલ’માંનું ગૃહમાધુર્ય અને પ્રસન્ન દામ્પત્યને નિરૂપતું મિશ્ર છંદોલયગત સૌંદર્ય, ‘ફેરિયો અને ફક્કડ’માંની સહજ સંવાદાત્મક અભિવ્યક્તિ, ‘કેવડાને ક્યારે’માં પ્રલંબલયના ગીતનો ધ્યાનાકર્ષક પ્રયોગ, ‘ઈંધણાં વીણવા ગૈતી’ ગીતમાંનું પ્રાદેશિક વાતાવરણ, ‘વાયરે ઊડી ઊડી જાય’ ગીતમાંની પ્રણયોન્મત્ત અભિવ્યક્તિ, ‘હો સાંવર થોરી અંખિયન મેં’ જેવાં ગીતોમાં રાજસ્થાની ભાષાછાંટ અને લયઘાટની મનોહારિતા, ‘આપણા દુ:ખનું કેટલું જોર ?’માં જીવનની વિષમતાનો ખુમારીભર્યો સ્વીકાર, ‘કાયાને કોટડે બંધાણો’ કે પછી ‘ઘટના મંદિરિયામાં’ જેવાં ગીતોમાં આધ્યાત્મિક અનુભવની સહજ બાનીસ્ફૂર્ત અભિવ્યક્તિ, ‘વનખંડન’ કાવ્યગુચ્છમાંની પ્રકૃતિપ્રેમની કાવ્યાત્મક નૂતન ભાવસંવેદના, ‘વનવાસીનાં ગીત’માંનો વનવાસીઓની પ્રકૃતિનો બળકટ આવેગ, ‘પદ્માવતી’ જેવી રચનાઓમાં પદ્યનાટકની શક્યતાનો ઉઘાડ વગેરે રાજેન્દ્ર શાહનાં કવિવ્યક્તિત્વનાં વિવિધ પાસાં રજૂ કરે છે. એમણે સૉનેટ, ગીત, સંવાદકાવ્ય, ગઝલ, હાઇકુ, ખાયણાં ગદ્યકાવ્ય ઇત્યાદિ કાવ્યપ્રકારોમાં પોતાની કલમ ચલાવી છે.

એમનાં કાવ્યોમાં વ્યક્ત થતું એમનું જીવનદર્શન પ્રસન્નતા અને ખુમારીનું છે, શ્રદ્ધા અને પ્રજ્ઞાનું છે. ‘ધ્વનિ’ (1951) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે તો ‘આ ગગન’ (2004) એમનો ચોવીસમો. 1983માં એમના સોળ કાવ્યસંગ્રહને સમાવતો ‘સંકલિત કવિતા’ ગ્રંથ પ્રકટ થયેલો. આ સંગ્રહમાં ‘ધ્વનિ’ (1951), ‘આંદોલન’ (1951), ‘શ્રુતિ’ (1957), ‘શાન્ત કોલાહલ’ (1962), ‘ચિત્રણા’ (1967), ‘ક્ષણ જે ચિરંતન’ (1968), ‘વિષાદને સાદ’ (1968), ‘મધ્યમા’ (1977), ‘ઉદ્ગીતિ’ (1978), ‘ઇક્ષણા’ (1979), ‘પત્રલેખા’ (1981), ‘પ્રસંગ સપ્તક’ (1982), ‘પંચપર્વા’ (1983), ‘કિંજલ્કિની’ (1983), ‘વિભાવન’ (1983) અને ‘દ્વા સુપર્ણા’ (1983)  એ સોળ કાવ્યસંગ્રહો સમાવિષ્ટ છે. તે પછી આપેલા કાવ્યસંગ્રહોમાં ‘ચંદનભીની અનામિકા’ (1987), ‘નીલાઞ્જના’ (1989), ‘આરણ્યક’ (1982), ‘સ્મૃતિ-સંવેદના’ (1998), ‘વિરહમાધુરી’ (1998), ‘હા હું સાક્ષી છું’ (2003), ‘પ્રેમનો પર્યાય’ (2004) અને ‘આ ગગન’(2004)નો સમાવેશ થાય છે. ‘નિરુદ્દેશે’(1973)માં 1973 સુધીની પોતાની કવિતાનું એમણે જ આપેલું ચયન છે. ‘ઇક્ષણા’(1979)માં 10 પંક્તિઓની સૉનેટકલ્પ સંસિદ્ધ રચનાઓ છે તો ‘પંચપર્વા’ (1983) ગઝલસંગ્રહ છે. ‘પ્રસંગ સપ્તક’ (1982) સંવાદકાવ્યોનો, ‘ચંદનભીની અનામિકા’ (1987) ખાંયણાંનો સંગ્રહ છે તો ‘મોરપીંછ’ (1959), ‘આંબે આવ્યા મોર’ (1985), ‘રૂમઝૂમ’ (1989), ‘અમોને મળી પવનની પાંખ’ (1995), ‘રમત અમારી’ (2002) અને ‘ખુલ્લામાં જઈ રમીએ’ (2002) એમનાં બાળકાવ્યોના સંગ્રહો છે. વળી તેમણે ‘સૂરદાસ’ તેમજ ‘ગતિમુક્તિ’ નામનાં બે એકાંકીઓ અને આઠેક વાર્તાઓ પણ આપી છે. ઈ. સ. 2004માં તેમણે એમની પદ્યનાટ્યાત્મક રચનાઓનો સંચય ‘ગતિ-મુક્તિ’ નામે જ આપ્યો. આ ઉપરાંત એમણે કેટલાંક પ્રશિષ્ટ કવિઓની બંગાળી અને અંગ્રેજી રચનાઓના અનુવાદો પણ આપ્યા છે. વૉલ્ટ વ્હિટમનના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’માંની કેટલીક રચનાઓનો ‘તૃણપર્ણ’ (1991) શીર્ષકથી તો રવીન્દ્રનાથ ટાગોરના ‘બલાકા’નો અનુવાદ (1993), ડૅન્ટિના મહાકાવ્ય ‘ડિવાઇન કૉમેડી’નો ‘દિવ્ય આનન્દ’ (1990), કોલરિજના દીર્ઘકાવ્ય ‘ધ રાઇમ ઑવ્ ઍન્શન્ટ મરિનર’નો ‘ગાથા એક વૃદ્ધ નાવિકની’ (1998) નામે તો ઈશાવાસ્ય ઉપનિષદ(1995)નો તથા બિલ્હણની કાવ્યરચના ‘ચૌર પંચાશિકા’(2004)નો પણ અનુવાદ આપ્યો છે. તેમણે ‘ગીતગોવિંદ’(1989)નો કરેલો સમશ્ર્લોકી અનુવાદ પણ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત તેમણે ‘મેઇકર્સ ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ની શ્રેણીમાં ‘વિદ્યાપતિ’ (1980), ‘જીવનાનંદ દાસ’ (1985) તથા ‘બુદ્ધદેવ બસુ’(1990)ના અનુવાદો પણ આપ્યા છે. એમની કવનપ્રવૃત્તિનું એમના કાવ્યસંગ્રહો નિમિત્તે સતત પ્રોક્ષણ થતું રહ્યું છે. સૌપ્રથમ 1947માં કવિતા માટે ‘કુમાર ચંદ્રક’ પછી 1956માં ગુજરાતીનો પ્રથિતયશ ‘રણજિતરામ સુવર્ણ ચંદ્રક’, 1977માં ‘નર્મદ ચંદ્રક’, 1980માં ‘અરવિંદ ચંદ્રક’, 1986માં ‘ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક’ તથા 1969માં ‘ક્ષણ જે ચિરંતન’ માટે ન્હાનાલાલ પારિતોષિક પ્રાપ્ત કર્યાં છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી 1964નો ઍવૉર્ડ એમના ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહને તો 1983 સુધીના પૂર્વપ્રકાશિત કાવ્યસંગ્રહોના સંગ્રહ ‘સંકલિત કવિતા’(1983)ને 1985નો કોલકાતાની ‘ભારતીય ભાષા પરિષદ’નો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે ગૌરવ કર્યું હતું તો ગુજરાત સરકારે 1992માં એમની સર્જકપ્રતિભાને ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’થી પુરસ્કારી હતી. ‘નરસિંહ મહેતા સાહિત્યનિધિ’ તરફથી 1999નો ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’ સૌપ્રથમ એમને એનાયત થયેલો. આ સર્વ સન્માનોના શિરમોર સમો ‘જ્ઞાનપીઠ ઍવૉર્ડ’ એમને 2001માં અર્પણ કરાયો હતો.

એમણે 1957માં ગુજરાતી કવિતાનું પ્રથમ દ્વૈમાસિક ‘કવિલોક’ મુંબઈથી શરૂ કર્યું હતું, જે અદ્યાપિ (2006) પ્રકટ થાય છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીની ગુજરાતીની સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ વરાયેલા. ‘કવિલોક ટ્રસ્ટ’ના તેઓ મૅનેજિંગ ટ્રસ્ટી છે. આજે 93 વર્ષે પણ સર્જનપ્રવૃત્ત છે અને મુંબઈમાં નિવૃત્ત જીવન વિતાવે છે.

ધીરુ પરીખ