શાહ, રમેશચંદ્ર

January, 2006

શાહ, રમેશચંદ્ર (. મે 1937, અલમોરા, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ ગવર્નમેન્ટ હમિદિયા કૉલેજ, ભોપાલમાંથી પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ નિરાલા સૃજનપીઠ, ભારતભવન, ભોપાલના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ 1996-97માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ, શિમલાના ફેલો હતા અને ‘નયા પ્રતીક ઍન્ડ પૂર્વગ્રહ’ના સંપાદકમંડળના સભ્ય પણ રહ્યા હતા.

તેમણે 38 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કછૂએ કી પીઠ પર’ (1973), ‘નદી ભાગતી આઈ’ (1988), ‘પ્યારે મુચકુન્દ કો’ (1994) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘ગોબર ગણેશ’ (1977), ‘કિસ્સા ગુલામ’ (1986), ‘પૂર્વાપર’ (1990), ‘આખિરી દિન’ (1992), ‘પુનર્વાસ’ (1995) તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘પ્રતિનિધિ કહાનિયાં’ (1994) વાર્તાસંગ્રહ છે. જ્યારે ‘શૈતાન કે બહાને’ (1980), ‘સ્વધર્મ ઔર કાળગતિ’ (1996) નિબંધસંગ્રહો છે. ‘છાયાવાદ કી પ્રાસંગિકતા’ (1981), ‘ભુલાને કી વિરુદ્ધ’ (1990) તેમના વિવેચનગ્રંથો છે.

તેમના હિંદી સાહિત્યમાંના પ્રદાન બદલ તેમને મધ્યપ્રદેશ સરકાર તરફથી શિખર સન્માન (1987-88); નંદદુલારે વાજપેયી પુરસ્કાર (1975); ભવાનીપ્રસાદ મિશ્ર પુરસ્કાર (1986-88 મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી); ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ, કોલકાતા (1994) પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા