શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ

નૉર્મન એડ્વર્ડ શમ્વે

જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી અને શલ્યચિકિત્સામાં પીએચ.ડી.ની ઉપાધિ 1956માં યુનિવર્સિટી ઑવ્ મિનેસોટામાંથી પ્રાપ્ત કરી હતી, જ્યાં તેમણે ઓવેન હાર્ડિંગ વેન્જેન્સ્ટીન અને ક્લૅરેન્સ વોલ્ટન લિલેહી હેઠળ અભ્યાસ કર્યો; જે બંને શલ્યચિકિત્સામાં વિખ્યાત નૂતનમાર્ગીઓ (innovators) હતા. 1958માં શમ્વે ફૅકલ્ટી ઑવ્ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનમાં જોડાયા. તે સ્ટેન્ફર્ડના હૃદ્-વાહિકા (cardiovascular) સંશોધન શલ્યચિકિત્સા કાર્યક્રમના સભ્ય હતા. તેમણે કૂતરાઓમાં હૃદયપ્રતિરોપોના પ્રયોગો કરીને પ્રારંભ કર્યો. લગભગ એક માસ પછી દક્ષિણ આફ્રિકન શલ્યચિકિત્સક ક્રિસ્ટિયાન બર્નાર્ડે દુનિયામાં સૌપ્રથમ વાર માનવહૃદયપ્રતિરોપણ કર્યું. શમ્વેએ 54 વર્ષના પુરુષના હૃદયની શલ્યચિકિત્સા કરી. તેના હૃદયને વાઇરસના ચેપ દ્વારા નુકસાન થયું હતું. તેમની શલ્યચિકિત્સા સફળ હોવા છતાં દર્દી 14 દિવસમાં મૃત્યુ પામ્યો. દીર્ઘકાલીન ઉત્તરજીવિતા(survival)નો નીચો દર ધરાવતા મોટા ભાગના દર્દીઓ અંગ-અસ્વીકૃતિ કે ચેપને કારણે શલ્યચિકિત્સા પછી મૃત્યુ પામતા હતા. તેથી ઘણા શલ્યચિકિત્સકોએ 1970ના દસકાના પ્રારંભમાં આ પ્રક્રિયા છોડી દીધી. જોકે શમ્વેએ હૃદયની શલ્યચિકિત્સામાં સુધારા કર્યા અને અંગ-અસ્વીકૃતિ અટકાવતા ઔષધ અંગે પ્રગતિ કરી. મોટે ભાગે તેમના પુરુષાર્થ દ્વારા જ 1980ના દાયકામાં હૃદયપ્રતિરોપણની શલ્યચિકિત્સા જીવનક્ષમ (viable) બની. 1981માં સૌપ્રથમ સફળ હૃદ્-ફુપ્ફુસ પ્રતિરોપણની શલ્યચિકિત્સકોની ટુકડીમાં શમ્વે એક હતા. તેમની અન્ય સિદ્ધિઓમાં વિવિક્ત-હૃદય (open-heart) પ્રક્રિયાઓ – જેમ કે, કપાટપ્રતિરોપણ(valve transplantation) – નો સમાવેશ થાય છે. 1974માં હૃદ્-વક્ષ (cardiothoracic) સ્ટેન્ફૉર્ડના શલ્યચિકિત્સાના વિભાગની સ્થાપનામાં શમ્વેએ મદદ કરી અને 1993 સુધી તેમણે તેના પ્રથમ અધ્યક્ષ તરીકે સેવા આપી નિવૃત્ત થયા.

બળદેવભાઈ પટેલ