વ્યાસ, મોહનલાલ (. 2 મે 1907, ધોળીધાર, ગુજરાત; . 24 સપ્ટેમ્બર, 1976) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન અને આયુર્વેદના પ્રબળ સમર્થક. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. કાર્યક્ષેત્ર : અમદાવાદ-ગાંધીનગર. શરૂઆતમાં સહકારી પ્રવૃત્તિ, દારૂબંધી અને પછી મજૂરમહાજનની પ્રવૃત્તિ બાદ ગુજરાત રાજ્યના મજૂરપ્રધાન અને છેવટે આરોગ્યપ્રધાન બન્યા. સને 1963થી 1967નાં પાંચ વર્ષો દરમિયાન તેઓએ ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન-પદે રહીને, આયુર્વેદવિજ્ઞાનના પરમ હિતેચ્છુ બનીને રાજકીય સત્તા, પોતાની બુદ્ધિ-પ્રતિભા અને કુનેહ દ્વારા ગુજરાત ને સમગ્ર ભારતમાં એવું ઐતિહાસિક કાર્ય કર્યું કે આયુર્વેદના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયું છે.

સને 1963ના અરસામાં ગુજરાત અને ભારતમાં આયુર્વેદ-વિજ્ઞાનની સ્થિતિ ખૂબ ખરાબ હતી. કેન્દ્ર તથા રાજ્ય સરકારે આયુર્વેદને પ્રોત્સાહન આપવાનું સિદ્ધાંતમાં સ્વીકારેલું પણ તેનો અમલ થતો નહોતો. સરકાર આરોગ્યક્ષેત્રે ઍલોપથીને જ મોટા પાયે રાજ્યાશ્રય આપતી હતી. આયુર્વેદને નહિવત્ સહાય કરાતી હોઈ, આયુર્વેદ રાજ્યાશ્રયના પીઠબળ વગરનું એક ઉપેક્ષિત ક્ષેત્ર હતું. વૈદ્યોની ગણના નિમ્ન કોટિમાં થતી અને આયુર્વેદના શિક્ષણ તથા આરોગ્યસેવાઓ માટે અપવાદ રૂપે અલ્પ સહાય થતી હતી. વૈદ્યોનાં પગારધોરણો ડૉક્ટરી સ્નાતકોની તુલનામાં સાવ ઓછાં હતાં. સમગ્ર ભારતમાં આયુર્વેદ-શિક્ષણનો કોઈ સુનિશ્ચિત કાર્યક્રમ નહોતો. આયુર્વેદ-સમાજ, વૈદ્યો અને આયુર્વેદના પ્રોફેસરો નારાજ ને હતાશ હતા.

મોહનલાલ વ્યાસ

આવા કટોકટીભર્યા સમયમાં મોહનલાલ વ્યાસે આયુર્વેદના પરમ મદદગાર થઈને કલોલ મુકામે મળેલ ગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળના અધિવેશનમાં અતિથિવિશેષ તરીકેના વક્તવ્યમાં ગુજરાત સરકારે આયુર્વેદને રાજ્યાશ્રય આપ્યાના નિર્ણયની જાહેરાત કરીને નિજ કાર્યનો પ્રારંભ કર્યો. તેમણે ગુજરાતના આરોગ્યપ્રધાનના પદ પર પાંચ વર્ષ રહીને રાજ્ય અને મધ્યસ્થ સરકારમાં આયુર્વેદને પ્રતિષ્ઠાપૂર્વકનું સ્થાન અને સન્માન અપાવવા શ્રેણીબદ્ધ નક્કર પગલાં લીધાં. તેમણે ગુજરાત રાજ્યના સ્નાતક વૈદ્યોને ડૉક્ટરોની સમકક્ષ દરજ્જો તથા પગાર અપાવ્યા. તેમણે અન્ય નામી વૈદ્યો અને મુખ્ય પ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈના સહકારથી ગુજરાત રાજ્ય કામદાર વીમા-યોજનામાં આયુર્વેદના વૈદ્યોની જગાઓ ઊભી કરવાની સમગ્ર દેશમાં પહેલ કરી. આ સાથે તેમણે આયુર્વેદની કૉલેજોના પ્રોફેસરોનાં પગારધોરણો પણ સુધરાવ્યાં; જેથી સમાજમાં વૈદ્યો અને આયુર્વેદના પ્રોફેસરો, જ્ઞાતાઓનો સામાજિક માન-મરતબો વધ્યાં. તેમણે જામનગરમાં દેશની અને વિશ્વની સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની જાન્યુઆરી 1967માં સ્થાપના કરાવી. 1963માં તેમણે સેન્ટ્રલ કાઉન્સિલ ઑવ્ હેલ્થની 11મી પરિષદમાં, તેમના અધ્યક્ષસ્થાને રચાયેલ શુદ્ધ આયુર્વેદના પાઠ્યક્રમનો સ્વીકાર સમગ્ર દેશ માટે કરાવડાવ્યો. એ રીતે સમગ્ર દેશમાં આયુર્વેદ શિક્ષણમાં સમાનતા (એકવાક્યતા) સધાઈ. તેમણે રાજપીપળામાં આયુર્વેદ ફાર્મસી  કૉલેજ શરૂ કરાવી. અમદાવાદમાં આયુર્વેદની પ્રવૃત્તિને વધુ વેગ આપવા તેમણે ગુજરાત આયુર્વેદ વિકાસ મંડળની ફાર્મસી શરૂ કરાવી. તે સાથે આયુર્વેદ સહાયક નિધિ નામનું મંડળ શરૂ કરાવી, તે દ્વારા ‘નિરામય’ નામનું આયુર્વેદનું માસિક શરૂ કરાવ્યું. ગુજરાતમાં સરકારી સ્તરે પાંચ આયુર્વેદ કૉલેજો તથા આયુર્વેદ હૉસ્પિટલો શરૂ કરાવી. આયુર્વેદ વિકાસ મંડળ દ્વારા રાજ્યનાં અનેક શહેરોમાં આયુર્વેદ-ચિકિત્સાલયો શરૂ કરાવ્યાં.

ગુજરાત રાજ્યનું મંત્રીપદ છોડ્યા પછી એમણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર-પદે 3 વર્ષ સુધી રહીને પોતાની શક્તિ-બુદ્ધિથી ઉત્તમ સેવા આપી હતી. તે પછી જીવનના અંત સુધી તેઓ ‘નિરામય’ નામના આયુર્વેદિક માસિક પત્રના તંત્રીપદે રહેલા; જેમાં તેમણે આયુર્વેદની સાથે યોગ અને નિસર્ગોપચારને પ્રોત્સાહન મળે તેવા લેખો પ્રગટ કરેલા. તેઓ પોતે આયુર્વેદનાં પ્રકાશિત પુસ્તકોનું અવલોકન લખી, માસિકમાં પ્રગટ કરતા.

આમ ગુજરાતમાં આયુર્વેદના પુનરુદ્ધાર અને પ્રતિષ્ઠામાં મહત્વનું પ્રદાન કરનાર તેઓ પ્રથમ આરોગ્યમંત્રી હતા. ગુજરાતમાં થતાં આયુર્વેદ-સંમેલનો, પરિસંવાદો, ચર્ચા-સભાઓ તથા વિશિષ્ટ સંસ્થાઓના ઉદ્ઘાટન-સમારંભોમાં તેઓ હંમેશાં હાજર રહેતા. વ્યાસસાહેબની શુદ્ધ આયુર્વેદ પ્રત્યેની અથાગ નિષ્ઠા, ભક્તિ અને સેવા તમામ વૈદ્યોને અનેરી પ્રેરણા આપતાં હતાં. વૈદ્ય-જગતને તેમના માટે ખૂબ જ આદરભાવ હતો.

અદ્ભુત સંકલ્પબળ, ભાવિમાં દૂર સુધી જોવાની દૃષ્ટિશક્તિ, ઉત્તમ આયોજનશક્તિ અને શીઘ્ર અમલશક્તિ સાથે બધા સાથે સૌજન્યપૂર્ણ મધુર વ્યવહાર તેમના આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વનાં નોંધપાત્ર લક્ષણો હતાં. તેઓ ગાંધીવાદને વરેલા હતા. નિ:સ્પૃહતા, કર્તવ્યનિષ્ઠા, વહીવટી નિપુણતા, પ્રશ્ર્નો સમજવાની આગવી બુદ્ધિ, નિખાલસ-સાદું-સાત્ત્વિક અને હસમુખું જીવન; સર્વને સહકાર આપવાની ભાવના, નિર્વ્યસનીપણું, શિસ્તનો આગ્રહ, સતત પ્રવૃત્તિશીલતા, યોગ અને આયુર્વેદની ઉપાસના, મિલનસાર સ્વભાવ અને વ્યવહાર-દક્ષતા જેવા અનેક સદ્ગુણોને કારણે વ્યાસસાહેબ જેમ ગુજરાતમાં તેમ કેન્દ્ર સરકારમાં પણ આદરણીય બનેલા.

તેઓ રોગમુક્તિ માટે હંમેશાં આયુર્વેદિક સારવાર જ લેતા. એક પ્રખર વૈદ્યમાં હોવા જોઈએ તેવા ઉત્તમ ગુણોનો તેમનામાં સમન્વય જોવા મળતો. પોતે દરરોજ વ્યવસ્થિત અને નિયમિત રીતે યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન વગેરે કરતા અને સાથે આયુર્વેદની પ્રવૃત્તિ પણ કરતા રહેતા.

સમગ્ર દેશમાં તેઓ ગુજરાતના આરોગ્યમંત્રી કરતાં આયુર્વેદના પરમ હિતેચ્છુ મંત્રી તરીકે વધુ પ્રસિદ્ધિ પામેલા. તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયેલું. તેઓ એક સંસ્કારી કર્મયોગીનું જીવન જીવી, આયુર્વેદના એક અનન્ય જ્યોતિર્ધરનું બહુમાન મેળવી ગયા. ગુજરાતના આયુર્વેદ-જગતમાં તેમનું સ્થાન ચિરંજીવ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા