વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ

January, 2006

વૉડિયાર (વૂડિયાર), સદાશિવ શિવાદેવ (. 7 ઑગસ્ટ 1924, મરેવાડ, જિ. ધારવાડ, કર્ણાટક) : કન્નડ અને અંગ્રેજી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1947માં એલએલ.બી. અને 1948માં એમ.એ.ની પદવી મેળવી. તેઓ 1957-76 દરમિયાન કર્ણાટક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર; 1976-77માં કર્ણાટક યુનિવર્સિટીમાં શૈક્ષણિક સલાહકાર; 1977-78માં પોસ્ટ-ગ્રૅજ્યુએટ સેન્ટર, નંધાલ્લીના નિયામક; 1978-81 કર્ણાટક યુનિવર્સિટીમાં ઉપકુલપતિ અને ઇન્ડિયન પેન(PEN)ના આજીવન સભ્ય રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 21 ગ્રંથો બહાર પાડ્યા છે. ‘જીવનકાળે’ (1958); ‘રવીન્દ્રદર્શન’ (1965) તેમના નિબંધસંગ્રહો છે. ‘જોન ઑવ્ આર્ક મત્તુ ઇતર નાટકગલુ’ (1971); ‘માઇકલૅન્જેલો મત્તુ ઇતર નાટકગલુ’ (1984)  આ બંને તેમના જાણીતા નાટ્યસંગ્રહો છે. તેમના અંગ્રેજી ગ્રંથોમાં ‘ધ લાઇટ ઑવ્ અધર ડેઝ’ (1973); ‘ટ્રેલિંગ ક્લાઉડ્ઝ’ (1973); ‘સ્ટ્રીક્સ ઑવ્ લાઇટ’ – તેમના ઉલ્લેખનીય નિબંધસંગ્રહો છે. ‘રાણી ચેન્નમ્મા’ (1977); ‘ઉત્તાંગી ચેન્નપ્પા’ (1984) તેમના ચરિત્રગ્રંથો છે.

કન્નડ સાહિત્યમાં તેમના આ પ્રદાન બદલ તેમને 1966માં રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા 1980-81માં ઇલકલ મહંતસ્વામી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા