વૉટ્સન મ્યુઝિયમ : રાજકોટમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી જૂનું તથા પુરાતત્વ, કલા, હુન્નર, વિજ્ઞાન સંસ્કૃતિવિષયક બહુહેતુક મ્યુઝિયમ. 1888માં તેની સ્થાપના થયેલી.

બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં 50 વરસ પૂરાં થતાં 1887માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. 1886થી 1889 સુધી સૌરાષ્ટ્રના પૉલિટિકલ એજન્ટ રહેલા કર્નલ જ્હૉન ડબ્લ્યૂ. વૉટ્સનના નામ પરથી આ મ્યુઝિયમનું નામાભિધાન થયું. વૉટ્સન 1838ના ફેબ્રુઆરીની છઠ્ઠીએ ઇંગ્લૅન્ડના બ્રિસ્ટોલ પરગણાના ક્લિફટન ગામે જન્મેલા. માત્ર સોળ વરસની ઉંમરે એ લશ્કરમાં જોડાઈને ભારત આવેલા અને પુણે, મુંબઈ, રાંચી, ગોંડલ, કોલ્હાપુર, ભાવનગર વગેરે સ્થળોએ લશ્કરી હોદ્દા સંભાળેલા. ભારતમાં એ કુલ ચોત્રીસ વરસ રહેલા. છેલ્લે 1886માં એ સમગ્ર સૌરાષ્ટ્રના પૉલિટિકલ એજન્ટ નિમાયેલા. ભારતના ઇતિહાસ અને પુરાતત્વમાં એ ઊંડો રસ ધરાવતા હતા. સમગ્ર સૌરાષ્ટ્રની જમીન, પ્રજા, ઇતિહાસ, ઊપજ, રીતરિવાજો, ખેતી, ઉદ્યોગો, વેપાર, અર્થતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણ, ધર્મ, હૉસ્પિટલો, જોવાલાયક સ્થળો અને પુરાતત્વનો અભ્યાસ કરી ‘કાઠિયાવાડ ગૅઝેટિયર’ નામનો સર્વસંગ્રાહક જેવો ગ્રંથ તેમણે તૈયાર કરેલો. વલ્લભજી હરિદત્ત આચાર્ય સાથે વૉટ્સને સૌરાષ્ટ્રમાં ઘણા પ્રવાસો કરેલા. ફૉર્બ્સની ‘રાસમાળા’ની પ્રસ્તાવના પણ તેમણે લખેલી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા અને ગોંડલ જેવાં પ્રથમ વર્ગનાં રાજ્યોની આંકડાકીય માહિતી આપતા ગ્રંથો ‘સ્ટૅટિસ્ટિકલ એકાઉન્ટ્સ’ પણ તેમણે લખ્યા. ઊંઘની દવાના વધુ પડતા ડોઝથી 1889ના માર્ચની ચોવીસમીએ માત્ર પચાસ વરસની ઉંમરે તેમનું અવસાન થયેલું.

વૉટસન મ્યુઝિયમ, રાજકોટ

તેમની યાદગીરીમાં સ્થપાયેલ આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન મુંબઈ રાજ્યના ગવર્નર લૉર્ડ હૅરિસે કરેલું. મ્યુઝિયમના પ્રારંભિક સંગ્રહમાં વૉટ્સને દાન આપેલ પુરાતત્વસંગ્રહ તથા રૉબર્ટ બ્રુશ ફૂટે આપેલા ભૂસ્તરશાસ્ત્રીય નમૂનાઓ પ્રદર્શિત હતા. એ પછી સૌરાષ્ટ્રના અનેક રાજવીઓએ પ્રાચીન-મધ્યકાલીન વસ્તુઓ, મૂર્તિઓ, સિક્કાઓ અને વસ્ત્રો દાનમાં આપી મ્યુઝિયમની સમૃદ્ધિમાં વધારો કર્યો.

વિવિધ શિલ્પ, સિક્કાઓ, લઘુચિત્રો, હસ્તપત્રો, રાજાઓનાં તૈલચિત્રો, કાપડ, ચાંદીનાં વાસણો, સંગીતનાં વાજિંત્રો, પાઘડીઓ, ભૂંસું ભરેલ પશુપંખીઓની ખોળો, કાષ્ઠકલાના નમૂનાઓ, ભૂસ્તરશાસ્ત્રીય અવશેષો, નૃવંશશાસ્ત્રીય (anthropological) નમૂનાઓ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. કુલ 13,495 નમૂનાઓ વિવિધ વિભાગોમાં અહીં પ્રદર્શિત છે. ગુંદા, જસદણ, જૂનાગઢ અને વંથલીમાંથી મળી આવેલા બ્રાહ્મી અને અરબી લિપિમાં લખાયેલ શિલાલેખો પણ અહીં પ્રદર્શિત છે. જેઠવા રાજવંશની રાજધાની ઘૂમલીમાંથી મળી આવેલ કમાન, સ્તંભ, તોરણ તથા ઘૂમલી, ઝીંઝુવાડા, માંગરોળ, સિદ્ધપુર, પાટણ અને ચોટીલામાંથી મળી આવેલાં 7મીથી 13મી સદી સુધીનાં પથ્થરનાં શિલ્પ અહીં છે. તેમાં વિશાળ કદના એક બ્રહ્મા, બ્રહ્માણી, ગણેશ, ઉમામહેશ્વર, સરસ્વતી, વરાહ, સૂર્ય-સૂર્યાણી, કાળભૈરવ, મહાવીર, પાર્શ્ર્વનાથ અને નેમિનાથનાં શિલ્પ તુરત જ ધ્યાન ખેંચે છે. યુરોપિયન શૈલીનાં શિલ્પોમાં રાણી વિક્ટોરિયાનું સફેદ આરસમાંથી કંડારેલું શિલ્પ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. બ્રિટિશ શિલ્પી આલ્ફર્ડ ગિલ્બર્ટે તે કંડારેલું. સિક્કાઓમાં કુશાણ, ક્ષત્રપ, ગુપ્ત, દિલ્હીની પ્રાગ્, મુઘલ સલ્તનતો, ગુજરાતની સલ્તનતો, તેમજ મુઘલ, ગાયકવાડ અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો, લુણાવાડા, રાધનપુર, ખંભાત, છોટા ઉદેપુર અને કચ્છના સિક્કાઓ અહીં પ્રદર્શિત છે.

ધાતુની પ્રતિમાઓમાં ગણેશ, ગાય-વાછરડું, ઘોડેસવાર સૈનિક, ગરુડ, વિઠોબા, મહિષાસુરમર્દિની, ઉમા-મહેશ્વર, ગજારૂઢ શિવ, લક્ષ્મી-નારાયણ અને બુદ્ધ પ્રદર્શિત છે.

કાષ્ઠકલામાં 17મીથી 19મી સદી સુધીના ગુજરાતનાં હીંચકા, પાટ, બારણાં, બારીઓ પ્રદર્શિત છે.

ભૂસ્તરશાસ્ત્રીય વિભાગમાં અકીક, જિપ્સમ (ચિરોડી), બૉક્સાઇટ, કેલસાઇડ, લિગ્નાઇટ, ચૂનાના પથ્થર અને અબરખ પ્રદર્શિત છે.

ભૂંસું ભરેલી ખોળમાં કલગીવાળું ગરુડ, સુરખાબ, વિવિધ બગલા, પોપટ, કોયલ, કાળોકોશી, બતક, કંકણસાર, કલકલિયો, જળકૂકડી, બુલબુલ, બાજ, ચીબરી, ઘુવડ, લલેડો, શિયાળ, લોંકડી, સસલાં, નોળિયા, બિલાડાં, વાંદરાં, કીડીખાઉ, મગર, દીપડા અને વાઘ પણ પ્રદર્શિત છે.

ગાંધી વિભાગમાં ગાંધીજીનું સમગ્ર જીવનવૃત્તાંત દર્શાવતી તસવીરોની પૅનલો, ગાંધીજીના જુદી જુદી બાર ભાષામાં હસ્તાક્ષર અને ગાંધીજીની કેટલીક માર્મિક ઉક્તિઓ મઢીને પ્રદર્શિત કરવામાં આવી છે.

આ મ્યુઝિયમના વિકાસમાં તેના પ્રથમ બે ક્યુરેટર વલ્લભજી હરિદત્ત આચાર્યે (કાર્યકાળ-1888થી 1910) અને ગિરિજાશંકર આચાર્યે (કાર્યકાળ-1910થી 1919) સૌથી વધુ મહત્વનો ફાળો આપ્યો હતો.

એક સર્વસંગ્રાહક મ્યુઝિયમ તરીકે વૉટસન મ્યુઝિયમ આજે મહત્વનું સ્થાન ધરાવે છે.

અમિતાભ મડિયા