વૉટર્લૂ : નેપોલિયનને 1815માં આખરી પરાજય મળ્યો તે લડાઈનું મેદાન.

ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ એના જીવનની છેલ્લી લડાઈ વૉટર્લૂના મેદાન પર તા. 18મી જૂન 1815ના રોજ લડ્યો હતો. આ લડાઈમાં એને ભયંકર પરાજય મળ્યો અને યુરોપ પર રાજ્ય કરવાની તેની મહેચ્છા કાયમ માટે નાશ પામી. આજે પણ જ્યારે કોઈને મોટી નિષ્ફળતા મળે ત્યારે તેની સરખામણી નેપોલિયનની વૉટર્લૂની નિષ્ફળતા સાથે કરવામાં આવે છે.

એપ્રિલ 1814માં નેપોલિયનને ફ્રાન્સના સમ્રાટ તરીકે પદભ્રષ્ટ કરીને ઇટાલી નજીકના એલ્બા ટાપુ પર મોકલવામાં આવ્યો; પરંતુ એલ્બામાં એક વર્ષ પૂરું થાય એ પહેલાં એ ત્યાંથી છટકીને ફ્રાન્સ આવ્યો. એણે ફરીથી સત્તા ધારણ કરી. ફ્રાન્સના લોકોએ તેને આવકાર્યો.

એણે ઉત્તરમાં બેલ્જિયમ તરફ કૂચ શરૂ કરી. વિયેના કૉંગ્રેસની મહાસત્તાઓના મતભેદોનો લાભ તેને મળશે એમ તે માનતો હતો; પરંતુ એ મહાસત્તાઓ ફરીથી નેપોલિયન સામે એક બની. એમણે નેપોલિયન સામે લડવા માટે સંયુક્ત લશ્કરી દળો મોકલ્યાં. ડ્યૂક ઑવ્ વેલિંગ્ટન ગ્રેટ બ્રિટન, બેલ્જિયમ, હેનોવર અને નેધરલૅન્ડ્ઝનાં સંયુક્ત લશ્કરી દળોનો વડો બન્યો. એ સમયે નેપોલિયનની તબિયત બહુ સારી ન હતી; તેથી અગાઉ જેવી આક્રમક તાકાત તે બતાવી શકે તેમ ન હતો.

બંને દળો વચ્ચે બ્રસેલ્સ નજીકના વૉટર્લૂ નામના નાના શહેર પાસે 18મી જૂને ભીષણ લડાઈ થઈ. નેપોલિયન પાસે 74,000 સૈનિકો હતા; જ્યારે ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનના લશ્કરમાં 68,000 સૈનિકો હતા. ફ્રેન્ચ સૈનિકોએ પ્રથમ હુમલો કર્યો, જેનો સંયુક્ત દળોએ પ્રતિકાર કર્યો. નેપોલિયને જો તે દિવસે સવારે હુમલો કર્યો હોત તો કદાચ તેને વિજય મળ્યો હોત; પરંતુ આગલી રાત્રે વધારે વરસાદ થયો હોવાથી તેણે બપોર સુધી રાહ જોવાનું પસંદ કર્યું. એ દરમિયાન માર્શલ ગેબ્હાર્ડ વૉન બ્લૂચર તેના લશ્કર સાથે વેલિંગ્ટનની મદદમાં જઈ પહોંચ્યો. તેથી વેલિંગ્ટનની લડાયક તાકાતમાં વધારો થયો.

નેપોલિયને છેલ્લા પ્રયાસ તરીકે પોતાના પ્રસિદ્ધ ‘ઓલ્ડ ગાર્ડ’ નામના લશ્કરી દળને લડાઈમાં ઉતાર્યું. એ દળની ત્રણ ટુકડીઓ વીરતાપૂર્વક દુશ્મનો સામે લડી; છતાં એમને પીછેહઠ કરવી પડી અને પરાજય સહન કરવો પડ્યો. બંને પક્ષે ઘણી ખુવારી થઈ. ફ્રેન્ચ દળના 40,000 સૈનિકો અને સંયુક્ત દળના 23,000 સૈનિકો મૃત્યુ પામ્યા. એ પછી નેપોલિયન નવું લશ્કર એકઠું કરી શક્યો નહિ અને એને બીજી વાર ફ્રાન્સની સત્તાનો ત્યાગ કરવો પડ્યો. એ પછી યુરોપના તેના દુશ્મન રાષ્ટ્રોએ સેન્ટ હેલેના નામના દૂરના ટાપુમાં તેને કેદી તરીકે મોકલી આપ્યો, જ્યાં 1821ના મે માસમાં તેનું અવસાન થયું.

મુગટલાલ પોપટલાલ બાવીસી