વૈરોચન : ધ્યાની બુદ્ધ. નેપાળ પ્રદેશમાં બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ તેમને સૌથી પ્રાચીન અને પ્રથમ ધ્યાની બુદ્ધ માને છે. તેમનું સ્થાન સ્તૂપની વચમાં હોય છે જ્યાં ચારે તરફ એકેક ધ્યાની બુદ્ધ સ્થાપેલા હોય તેવા સ્તૂપના કેન્દ્રમાં એટલે કે ગર્ભગૃહમાં વૈરોચનનું સ્થાન હોય છે. સાધનામાલા અને ઈ. સ. 300 આસપાસ રચાયેલ ‘ગુહ્યસમાજતંત્ર’માંથી વૈરોચન વિશે વિસ્તૃત માહિતી મળે છે. સાધનામાલા પ્રમાણે આ ધ્યાની બુદ્ધનો વર્ણ શ્વેત છે. તેમના બંને હાથ ધર્મચક્રમુદ્રામાં છાતીની સન્મુખ રાખેલા હોય છે. તેમનું વાહન નાગ કે નાગમિશ્રિત વ્યાલયુગલ હોય છે. તેમનું લાંછન ચક્ર છે. તેમની બુદ્ધશક્તિનું નામ વજ્રધાત્વીશ્વરી અને બોધિસત્વનું નામ સમંતભદ્ર છે. આ ધ્યાની બુદ્ધમાંથી મારીચી, ઉષ્ણીય વિજયા, સિતાતપત્રા-અપરાજિતા, મહાસહસ્રપ્રમર્દની, વજ્રવારાહી, આર્યવજ્રવારાહી વગેરે દેવીઓ પ્રગટ થયેલી છે. આ બુદ્ધમાંથી કોઈ દેવનો આવિર્ભાવ થતો નથી. એમાંથી પ્રગટેલી દેવીઓ પોતાના મસ્તકે વૈરોચનને ધારણ કરે છે. વૈરોચનમાંથી ઉદભવેલી સર્વ દેવીઓ ચૈત્યની અંદર સ્થાપવામાં આવે છે. મુખ્ય દેવી મારીચી છે. ‘નિષ્પન્નયોગાવલી’માં વૈરોચનને ચાર મુખ અને આઠ હાથ હોવાનું જણાવ્યું છે. આવા સ્વરૂપને ‘વજ્ર ધાતુ’ તરીકે ઓળખવામાં આવે છે. તે શ્વેત વર્ણના અને વજ્રપર્યંકાસનમાં બેઠેલા હોય છે. વૈરોચનનું આ સ્વરૂપ ચીનમાં પ્રચલિત છે.

પ્રવીણચંદ્ર પરીખ