વૈદ્ય જુગતરામ વિશ્વનાથ દવે (. 19 નવેમ્બર 1909, પડધરી, જિ. જામનગર, સૌરાષ્ટ્ર; . 9 ડિસેમ્બર 1992, ભાવનગર) : ભાવનગરના જાણીતા વૈદ્ય. વૈદ્યોની નગરી ગણાતા ભાવનગર શહેરને કર્મભૂમિ બનાવીને ગાંધીવાદી સિદ્ધાંત મુજબ જીવનશૈલી અપનાવી, આયુર્વેદીય ચિકિત્સા તથા શિક્ષણક્ષેત્રે ધૂણી ધખાવનાર પ્રખ્યાત સેવાભાવી ચિકિત્સક. ગુજરાતભરમાં અમદાવાદમાં રહી આયુર્વેદ ચિકિત્સા, શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે નામના કાઢી, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનેલા વૈદ્ય શ્રી વલ્લભરામ દવેના તેઓ નાના ભાઈ હતા. તેમના બીજા ભાઈ લક્ષ્મીશંકર ભાવનગરમાં વૈદ્ય હતા; જ્યારે ચોથા સૌથી નાના ભાઈ અંતુભાઈ વૈદ્યે મુંબઈમાં વિવિધ વર્તમાનપત્રો અને વૈદકીય પુસ્તકોના લેખન સાથે સફળ ચિકિત્સક તરીકે નામના પ્રાપ્ત કરેલી. શ્રી જુગતરામભાઈના પિતાશ્રી વિશ્વનાથ પણ પડધરીમાં વૈદ્ય હતા.

શ્રી જુગતરામભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધેલું. આયુર્વેદ-વિજ્ઞાનનો અભ્યાસ તેમણે મુંબઈની પોદ્દાર આયુર્વેદિક મહાવિદ્યાલયમાં કરેલો. એ અભ્યાસ પછી ગાંધી પ્રવૃત્તિના રંગે રંગાઈ, સાદગીભર્યું જીવન અપનાવી, આમજનતાની આયુર્વેદ દ્વારા ઉત્તમ સેવા કરવાનું વ્રત ધારણ કરી, ભાવનગરના વૉરા બજારમાં આયુર્વેદિક ચિકિત્સાલય શરૂ કરેલું. પ્રાય: કાષ્ઠાદિ સરળ, સાદી ઔષધિઓ જ દર્દીને આપી, સસ્તા દરે લોકોની આરોગ્યસેવા જીવનભર કરી. તેમણે ચિકિત્સાકાર્ય સાથે જ ત્યાંના ગુજરાતના સર્વપ્રથમ આયુર્વેદિક મહાવિદ્યાલયમાં 12 વર્ષ સુધી માનાર્હ પ્રાધ્યાપક તરીકે સુંદર સેવા આપેલી. છેલ્લે તેઓ ભાવનગરની શેઠ જી. પ્ર. આયુર્વેદ મહાવિદ્યાલયના આચાર્ય પણ બનેલા. તેમના દવાખાને આયુર્વેદ મહાવિદ્યાલય(ભાવનગર)ના વિદ્યાર્થીઓ ચિકિત્સાની પ્રત્યક્ષ તાલીમ લેવા બૅચ પ્રમાણે કાયમ માટે આવતા અને જુગતરામભાઈ સ્વયં ખૂબ અભ્યાસ કરી, શ્રમ ઉઠાવી પ્રેમથી બધા વિદ્યાર્થીઓને જ્ઞાન અને માર્ગદર્શન આપતા.

જુગતરામભાઈ અટપટી શસ્ત્રક્રિયા (શલ્ય-શાલાક્ય), દાહકર્મ, રક્તમોક્ષણ, જલૌકાપ્રયોગ અને પંચકર્મ પર પણ સારું પ્રભુત્વ ધરાવતા હતા અને કૉલેજના વિદ્યાર્થીઓને તેની જાતે તાલીમ આપતા હતા. વિદ્યાર્થીઓને ઉત્તમ સમજણ મળે તે માટે તેમણે વૈદ્ય પનારા પાસે આયુર્વેદના અનેક આલેખપત્રો (ચાર્ટ્સ) બનાવડાવેલા. શુદ્ધ આયુર્વેદની સસ્તી સરળ ઔષધિ અને શલ્ય-શાલાક્ય ચિકિત્સા તેમના જીવનનો આદર્શ હતો. મૃદુભાષી, સરળ-નિષ્કપટી સ્વભાવ, આયુર્વેદમાં અનન્ય નિષ્ઠા અને ગાંધીવિચાર-આચારમાં નિષ્ઠા – એ એમના ગુણો હતા. તેમણે પોતાના અનુભવો ‘નિરામય’ માસિકમાં લેખો દ્વારા પ્રગટ કરેલા છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા