વેલ્થ ઑવ્ નૅશન્સ, : અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ(1723-90)ની મહાન કૃતિ. પ્રકાશનવર્ષ 1776. સ્મિથ ઇંગ્લૅન્ડની ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા તે ગાળામાં તેમના પ્રોફેસર હચેસને વર્ગખંડોમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વિષય પર આપેલાં વ્યાખ્યાનોને આધારે આ ગ્રંથ લખાયેલો છે. સ્મિથે હચેસનના વિચારો વિસ્તારથી રજૂ કરવાનું અને અમુક અંશે જ્યાં તેમને યોગ્ય લાગ્યું ત્યાં પોતાના ગુરુના વિચારોને રૂપાંતરિત કરવાનું જ માત્ર કામ આ ગ્રંથ દ્વારા કર્યું છે.

એડમ સ્મિથે આ ગ્રંથ જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચ્યો છે. તેમાંથી પ્રથમ ભાગમાં અગિયાર જેટલાં ભિન્ન ભિન્ન પ્રકરણો છે. આ પ્રકરણો દ્વારા શ્રમિકોની ઉત્પાદનક્ષમતામાં કયાં કારણોસર સુધારાવધારા થતા હોય છે તથા શ્રમ દ્વારા ઉત્પાદિત કુલ ઉત્પાદનની જુદા જુદા લોકો વચ્ચે કયા ક્રમમાં અને કઈ નૈસર્ગિક રીતે વહેંચણી કરવામાં આવે છે તે સ્પષ્ટ કર્યું છે. આમ, આ વિભાગ દ્વારા સ્મિથે ઉત્પાદન અને વહેંચણી પર પ્રકાશ પાડ્યો છે. ગ્રંથના બીજા ભાગમાં સ્મિથે મૂડી સાથે સંબંધ ધરાવતી આર્થિક સમસ્યાઓનું વિશ્ર્લેષણ કર્યું છે. ગ્રંથના ત્રીજા ભાગમાં સ્મિથ દ્વારા જુદા જુદા દેશો વચ્ચે આર્થિક સમૃદ્ધિમાં તફાવત કેમ ઊભો થાય છે, દરેક દેશ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવા માટે કયા ઉપાયો અમલમાં મૂકે છે તેની સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે. ગ્રંથના ચોથા ભાગમાં સ્મિથે તેના પુરોગામી વિચારકોની વિચારસરણીઓ અને માનવજાતિની આર્થિક સમસ્યાઓના નિરાકરણ માટે તેમણે સૂચવેલ ઉપાયોનું વિશ્ર્લેષણ કર્યું છે તથા ગ્રંથના છેલ્લા પાંચમા ભાગમાં સ્મિથે રાજ્યની આવક(common wealth)ને લગતી બાબતોની ચર્ચા કરી છે.

સ્મિથની રજૂઆત છે કે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદન (National dividend) નામથી જે ભંડોળ ઊભું થાય છે તેનું કદ તે ઉત્પાદનમાં રોકાયેલા શ્રમિકોની આવડત કે કાર્યશક્તિ (skill) અને કૌશલ્યનો ઉપયોગ સમાજ દ્વારા કઈ રીતે કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે, જેની ચર્ચા ગ્રંથના પહેલા ભાગમાં કરવામાં આવી છે. બીજું, સમાજમાં કોઈ પણ સમયે જે કુલ શ્રમદળ ઉપલબ્ધ હોય છે તેમાંથી કેટલા શ્રમદળનો ઉત્પાદક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવે છે અને કુલ શ્રમદળનો કેટલો હિસ્સો બિન-ઉત્પાદક કે બિનઉપયોગી પ્રવૃત્તિમાં રોકાયેલો રહે છે તેના પર પણ દેશની સમૃદ્ધિનો આધાર રહેશે, જેની ચર્ચા સ્મિથે ગ્રંથના બીજા ભાગમાં કરી છે. સ્મિથે તેના ગ્રંથમાં જે કેટલીક મહત્વની બાબતો પર વિશેષ પ્રકાશ પાડ્યો છે તેમાં શ્રમની કાર્યસાધક વહેંચણી; અર્થતંત્રમાં નાણાંની ઉપયોગિતા; ચીજવસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય નિર્ધિરિત કરતાં પરિબળો; વસ્તુઓ અને સેવાઓની કિંમતો નક્કી કરવાની પ્રક્રિયામાં ભાડું, વેતન અને નફો – આ ત્રણેયનો ફાળો વગેરે બાબતો નોંધપાત્ર છે. સ્મિથે તેના ગ્રંથમાં વ્યાપારવાદની સખત ઝાટકણી કાઢી છે અને મુક્ત વ્યાપારનું સમર્થન કર્યું છે. સ્મિથે તેના ગ્રંથના છેલ્લા ભાગમાં કરવેરાના સિદ્ધાંતોની રસપ્રદ ચર્ચા કરી છે. તેના મત મુજબ પ્રજા પર કરનો બોજ લાદતી વેળાએ સત્તામંડળે ચાર મુખ્ય પાયાની બાબતોના આધારે કરવ્યવસ્થાની રચના કરવી જોઈએ : (1) કરવેરામાં ન્યાયસંગતતા (equity), (2) કરવેરામાં નિશ્ચિતતા (certainity), (3)  કર ભરવાની પ્રજાની અનુકૂળતા (convenience) અને (4) ઉઘરાણીની પ્રક્રિયામાં કરકસર (economy).

સ્મિથના આ ગ્રંથે માત્ર ઇંગ્લૅન્ડમાં જ નહિ, પરંતુ યુરોપના અન્ય દેશોના બુદ્ધિજીવીઓની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ ગ્રંથ વ્યાપક પ્રમાણમાં વંચાતો રહ્યો છે; એટલું જ નહિ, પરંતુ વર્તમાન અને ભાવી પેઢીઓની વિચારશક્તિને નવો વળાંક આપવામાં તથા રાજ્યની આર્થિક નીતિના ઘડતરમાં તેનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. માત્ર ચોવીસ વર્ષના ગાળામાં (1776-90) તેની આઠ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. આ હકીકત ગ્રંથની લોકપ્રિયતાની દ્યોતક છે. યુરોપની ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે સ્મિથની મુક્ત વ્યાપારની વિચારસરણીનો પ્રચાર-પ્રસાર કરવા માટે ઇંગ્લૅન્ડમાં ‘મૅન્ચેસ્ટર સ્કૂલ’ નામની નવી અને અલાયદી સંસ્થાની સ્થાપના પણ કરવામાં આવી હતી.

અલબત્ત, કેટલીક ક્ષતિઓને કારણે ઍડમ સ્મિથનો આ શકવર્તી ગ્રંથ ટીકાને પાત્ર પણ બન્યો હતો એ હકીકત પણ નકારી શકાય નહિ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે