વેલ્ડે પરિવાર (વેલ્ડે એસાઇઆસ . 1587 નેધરલૅન્ડ્ઝ; . 1630 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે વિલેમ પહેલો . 1611 નેધરલૅન્ડ્ઝ; . 1693 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે વિલેમ બીજો . 1633 નેધરલૅન્ડ્ઝ; . 1707 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે ઍડ્રિયાન . 1636 નેધરલૅન્ડ્ઝ; . 1772 નેધરલૅન્ડ્ઝ) : બરોક ચિત્રશૈલીમાં સર્જન કરનાર ડચ ચિત્રકાર પરિવાર. ઍમ્સ્ટરડૅમ ખાતેના ચિત્રકાર કૉનિક્સ્લૂ પાસેથી એસાઇઆસ ચિત્રકલા શીખેલો. ચિત્રકાર તરીકેની કારકિર્દી તેણે હાર્લેમ અને ધ હેગ નગરોમાં વિતાવી. ધ હેગમાં રાજદરબારમાં રાજકુંવરો મૉરિટ્સ અને ફ્રેડરિક હેન્રિકનો તે મૃત્યુપર્યંત દરબારી ચિત્રકાર હતો. વાસ્તવદર્શી નિસર્ગદૃશ્યો તથા યુદ્ધનાં દૃશ્યો તેનાં ચિત્રોના મુખ્ય વિષયો હતા.

વિલેમ પહેલો એસાઇઆસનો નજીકનો સગો હતો. વિલેમ બીજો વિલેમ પહેલાનો પુત્ર હતો. વિલેમ પહેલો એસાઇઆસ પાસે ચિત્રકલા શીખેલો. વિલેમ પહેલાએ જ પોતાના પુત્ર વિલેમ બીજાને ચિત્રકલા શિખવાડેલી. આ પિતાપુત્ર બંને ભાગીદારીમાં સાથે જ ચિત્રો ચીતરતા. ઘણુંખરું પિતા કૅન્વાસ ઉપર રેખાંકન વડે રફ ડ્રાફ્ટ તૈયાર કરતા અને પુત્ર રંગકામ કરતો. તેમનાં ચિત્રોના બે વિષય હતા : સમુદ્રનું નિરૂપણ કરતાં નિસર્ગચિત્રો તથા સમુદ્રમાં વહાણો ઉપર ખેલવામાં આવતાં યુદ્ધો. પિતાપુત્ર બંને 1672માં લંડન પહોંચ્યા. બ્રિટિશ લશ્કરના નૌકાદળે તેમને તુરત જ સમુદ્રનાં આલેખનો કરવા માટે અધિકૃત કલાકારો તરીકેનો સરકારી દરજ્જો આપ્યો. પિતા વિલેમ પહેલાના મૃત્યુ પછી પુત્ર વિલેમ બીજો સમુદ્રનાં આલેખનો કરનાર શ્રેષ્ઠ ડચ ચિત્રકાર તરીકે તેમજ બ્રિટિશ સમુદ્રની ચિત્રણાના જનક તરીકે પંકાયો. સમુદ્રમાં વહાણો ઉપરના જીવનનો સીધો પરિચય મેળવવા માટે હોડકામાં બેસી સમુદ્ર ખૂંદવાની પિતાપુત્ર બંનેને આદત હતી.

એડ્રિયાન વિલેમ પહેલાનો બીજા નંબરનો પુત્ર હતો અને વિલેમ બીજાનો નાનો ભાઈ હતો. પિતા વિલેમ પહેલા ઉપરાંત વિનૅન્ટ્સ તથા પૉટર હેઠળ એડ્રિયાને ચિત્રકલાની તાલીમ લીધેલી. વાન ડેર હીડન, વિનૅન્ટ્સ, રુઇસ્ડાયલ, હૉબેમા અને વિલેમ બીજાનાં નિસર્ગચિત્રોમાં માનવ-આકૃતિઓ ચીતરી આપવાનું કામ એડ્રિયાને કરેલું. આ ઉપરાંત એણે સ્વતંત્ર નિસર્ગચિત્રો પણ ચીતરેલાં. એણે પોતે કદી પણ ઇટાલીમાં પગ મૂકેલો નહિ હોવા છતાં તેનાં ઘણાં ચિત્રોમાં વાતાવરણ ઇટાલિયન જોવા મળે છે તથા તેની ચિત્રશૈલી પણ ઇટાલિયન શૈલી તરફ ઝુકાવ ધરાવતી જોવા મળે છે. નિસર્ગચિત્રો ઉપરાંત તેણે ખ્રિસ્તી ધાર્મિક વિષયો પર પણ ચિત્રો કર્યાં છે.

અમિતાભ મડિયા