વૅલ્પ્રોઇક ઍસિડ : સંગ્રહણી (convulsion) અથવા આંચકી થતી અટકાવતું ઔષધ. તે સશાખ (branched) ઍલિફેટિક કાર્બોક્સિલ ઍસિડ છે. તે યુરોપમાં 1960ના દાયકાથી વપરાશમાં છે, જ્યારે ભારતમાં તે 1980ના દાયકામાં પ્રવેશ્યું. આંચકીના વિવિધ પ્રકારો સામે તે અસરકારક છે. તેથી તેને વિપુલવ્યાપી પ્રતિસંગ્રહણ ઔષધ (broad spectrum anticonvulsant) કહે છે. તે આંચકી રોકે તેટલી માત્રામાં ઘેન કરતું નથી કે અન્ય કોઈ કેન્દ્રીય ચેતાતંત્રીય અસર કરતું નથી. તે લઘુ વિષમ (petit mal), વિશદ વિષમ (grand mal) તથા આંશિક (partial) તેમજ દેહવ્યાપી સજ્જાકુંચની સંગ્રહણ(ganeraliged tonic-clonic seizures)માં અસરકારક છે. છેલ્લા પ્રકારની આંચકીમાં વ્યક્તિના આખા શરીરમાં સંકોચનો અને સ્નાયુસજ્જતાવાળી આંચકી થઈ આવે છે. તે સમયે વ્યક્તિ બેભાન થઈ જાય છે. તેને યાદ રહેતું નથી અને તે મળ-મૂત્રની હાજત કરી બેસે છે; મોઢે ફીણ આવે છે અને તેને ઈજા પણ થાય છે. તે દિવસે કે રાત્રે એકલા કે અન્યની હાજરીમાં થઈ આવે છે અને થતાં પહેલાં મોટેભાગે કોઈ પૂર્વાભાસ (aura) થાય છે.

વૅલ્પ્રોઇક ઍસિડ વિવિધ ક્રિયાપ્રવિધિથી કાર્ય કરે છે. તે સોડિયમ આયનની નલીમાર્ગના આવૃત્તિ-આધારિત લંબાણનું અવદમન (inhibition of frequency dependent prolongation) કરે છે, કૅલ્શિયમ આયન દ્વારા થતા ‘ટી’-તરંગને મંદ કરે છે અને અવદમનશીલ (inhibitory) GABAની વિમુક્તિ વધારે છે. આમ, વિવિધ રીતે કોષોની ઉત્તેજનશીલતાને અસર કરીને આંચકી અટકાવે છે.

તે સોડિયમ વૅલ્પ્રોએટની ગોળી કે દ્રાવણ રૂપે મોં વાટે લેવાય તે રીતે મળે છે. તેનું અવશોષણ સારું છે અને 90 % ઔષધ રુધિરપ્રરસના નત્રલો (proteins) સાથે જોડાય છે. તેનો જારણ (oxidation) દ્વારા ચયાપચય થાય છે અને ચયાપચયી શેષ (જેમાં કેટલાંક દ્રવ્યો સક્રિય પણ હોય છે.) મૂત્ર વાટે બહાર નીકળે છે. તેનું રુધિરપ્રરસીય અધર્યિુ (plasma halflife) 10થી 15 કલાકનું હોય છે; પરંતુ તેની આંચકી રોકતી અસર લાંબી ચાલે છે.

તેની ઝેરી અસર ઓછી છે, પરંતુ પશ્ચિમી દર્દીઓ કરતાં ભારતીય દર્દીઓને ઓછી માફક આવે છે. તેની આડઅસર રૂપે અરુચિ, ઊબકા, ઘેન, અસંતુલન, ધ્રુજારી વગેરે થાય છે. તે માત્રાની વધઘટ સાથે સંબંધ ધરાવે છે. બોધાત્મકતામાં કે વર્તનમાં ખાસ ફરક પડતો નથી. ક્યારેક વાળ ઊતરે છે, વાંકડિયા થાય છે. લોહીમાં એમોનિયા વધે છે. અતિસંવેદનશીલતાને કારણે ચામડી પર સ્ફોટ થાય છે અને લોહીમાં ગંઠનકોષો (platelets) ઘટે છે. ભાગ્યે જ પણ અતિજોખમી રીતે યકૃતવિકાર થઈ આવે છે, જે ઝડપથી વિકસતો યકૃતશોથ (fulminant hepatitis) હોય છે. આવું ફક્ત 3 વર્ષથી નાનાં બાળકોમાં થાય છે. તે સગર્ભાને અપાતી નથી. તે ફેનિટોઇનની રુધિરસપાટી અને અસરકારકતા વધારે છે જ્યારે ક્લોનાઝેપામ સાથે વાપરતાં તેની ક્ષમતા ઘટે છે.

શિલીન નં. શુક્લ