વૅન ડૉરેન, કાર્લ (ક્લિન્ટન) (. 10 સપ્ટેમ્બર 1885, હોપ, ઇલિનોઇ, યુ.એસ.; . 18 જુલાઈ 1950, ટૉરિંગ્ટન, કનેક્ટિકટ) : અમેરિકન નવલકથાકાર, જીવનચરિત્રકાર, વિવેચક અને પ્રાધ્યાપક. ઉચ્ચશિક્ષણ કૉલંબિયા યુનિવર્સિટીમાં. ત્યાંથી 1911માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1930 સુધી કૉલંબિયા યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના અભ્યાસક્રમને યોગ્ય સ્થાન મળે તે માટે તેમણે અવિરત પ્રયત્ન કર્યો. ‘કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ અમેરિકન લિટરેચર’ (1917-21) માટે વ્યવસ્થાપક-સંપાદક તરીકે તેમણે સેવાઓ આપેલી. તેઓ ‘ધ નેશન’ (1919-22) અને ‘સેન્ચરી મૅગેઝિન’ (1922-25) સામયિકોના સાહિત્યિક વિભાગ સંભાળતા સંપાદક હતા.

બેન્જામિન ફ્રૅન્કલિનની અત્યંત ઝીણવટભરી વિગતો આલેખતી જીવનચરિત્રકથા માટે ડૉરેનને પુલિત્ઝર પ્રાઇઝ(1939)થી નવાજવામાં આવેલા. ‘ધી અમેરિકન નૉવેલ’ (1921, સંવર્ધિત આવૃત્તિ 1940), ‘ક્ધટેમ્પરરી અમેરિકન નોવલિસ્ટ્સ’ (1922), ‘અમેરિકન ઍન્ડ બ્રિટિશ લિટરેચર સિન્સ 1890’ (1925) (માર્ક વૅન ડૉરેનની સાથે) અને ‘વૉટ ઇઝ અમેરિકન લિટરેચર ?’ (1935) તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે. ‘થ્રી વલ્ડર્ઝ’ (1936) તેમની આત્મકથા છે.

વિ. પ્ર. ત્રિવેદી