વૅનકૂવર, જ્યૉર્જ (. 22 જૂન 1757, કિંગ્ઝ લિન, નોર્ફૉક, ઇંગ્લૅન્ડ; . 10 મે 1798, રિચમંડ, સરી) : દરિયો ખેડનાર અંગ્રેજ નાવિક અને મોજણીદાર. ઉત્તર અમેરિકાના પૅસિફિક સમુદ્રકિનારાની અઘરી મનાતી મોજણી તેમણે કરેલી. કૅપ્ટન કૂકના દક્ષિણ ધ્રુવના બીજી વખતના કાફલામાં વૅનકૂવર જોડાયા હતા. ઍડમિરલ રૉડનીએ વેસ્ટ ઇન્ડીઝના લે સેંતના ટાપુ પર કબજો મેળવ્યો (1782). તે નૌકાસૈન્યની ટુકડીમાં તેઓ સક્રિય હતા. રૉયલ નૅવીમાં માત્ર 13 વર્ષની ઉંમરે દાખલ થયેલા. પંદર વર્ષની વય પછી લગભગ 8 વર્ષ સુધી કૅપ્ટન કૂકનાં સાહસોમાં સક્રિય રહી રસ લીધો હતો. 1-4-1791માં કેપ-ઑવ્-ગુડ હોપના રસ્તે ઑસ્ટ્રેલિયા ગયા. દરિયાઈ કિનારાની મોજણીનું કામ તેમણે ચાલુ રાખેલું. તાહિતી અને હવાઇયન આયર્લૅન્ડ્ઝ ટાપુઓની મુલાકાત લીધા પછી વૅનકૂવરે 39° 27´ના અંશે ઉત્તર અમેરિકા જોયું ત્યારે તે દિવસ 17 એપ્રિલ, 1792નો હતો. પાછળથી તેમના નામ ઉપરથી જાણીતા થયેલ વૅનકૂવર આઇલૅન્ડની મોજણી તેમણે કરેલી. યુજેટ સાઉન્ડ અને ધ ગલ્ફ ઑવ્ જ્યૉર્જિયાના નામાભિધાન પણ તેમણે કરેલાં. સાન્ફ્રાન્સિસ્કોની ઉત્તરે આવેલા દરિયાકિનારાની મોજણી કરી કેપ હૉર્નના રસ્તે ઇંગ્લૅન્ડ 20 ઑક્ટોબર 1794ના રોજ પહોંચ્યા. તેમણે રચેલ ‘વૉયેજ ઑવ્ ડિસ્કવરી ટુ ધ નૉર્થ પૅસિફિક ઓશન ઍન્ડ રાઉન્ડ ધ વર્લ્ડ’ (1790-95) ગ્રંથનું ત્રણ ભાગમાં, નક્શાઓ અને પ્લેટો સાથે 1798માં મરણોત્તર પ્રકાશન થયેલું.

વિ. પ્ર. ત્રિવેદી