વીલ્કેસ, થૉમસ (. આશરે 1575, બ્રિટન; . આશરે 1623, બ્રિટન) : બ્રિટિશ રેનેસાંસ-સંગીતકાર અને સ્વર-નિયોજક. ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યા બાદ ચિચેસ્ટર ખાતે ઑર્ગનવાદકનું સ્થાન તેમણે ગ્રહણ કર્યું. તેમના ઉપર ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક મારેન્ઝિયોની સ્પષ્ટ અસર છે. સોળમી સદીના બ્રિટનના તેઓ સૌથી વધુ પ્રયોગશીલ સંગીતકાર છે. તેમના સંગીતની નાટ્યાત્મકતાને કારણે તેમને ઇટાલિયન સંગીતકાર જેસ્વાલ્દો સાથે સરખાવવામાં આવે છે. ત્રણથી છ કંઠ માટે તેમણે લખેલા મૅડ્રિગલોનું પ્રથમ પુસ્તક 1597માં પ્રકાશિત થયેલું. તેમાં બ્રિટિશ મૅડ્રિગલોના શ્રેષ્ઠ નમૂના જોવા મળે છે.

અમિતાભ મડિયા