વીર માંગડાવાળો (ચલચિત્ર)

February, 2005

વીર માંગડાવાળો (ચલચિત્ર) : હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક શ્રી રામાનંદ સાગરની જાણીતી નિર્માણસંસ્થા સાગર આર્ટ કૉર્પોરેશને સૌપ્રથમ 1976માં નિર્મિત કરેલું ગુજરાતી ચિત્ર. ચિત્રના નિર્માતા સુભાષ સાગર, સહનિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદી. દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી. કથા-પટકથા-સંવાદ રામજીભાઈ વાણિયા અને ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. વીર માંગડાવાળો અને પદ્માવતીની શૌર્ય અને વીરતાથી સભર આ અમર પ્રેમકથા સૌરાષ્ટ્રના ગામડે ગામડે પ્રચલિત છે. માંગડાવાળો તે ધાતરવડના રાજવી ભાણ જેઠવાનો ભાણેજ. મામાના નગર ઘૂમલીથી ગાયોના ધણને હાંકી જનાર બાયલ ચાડવાનો પીછો માંગડાવાળો કરે છે. રસ્તામાં પોતાની પ્રેયસીના નગર પાટણને બારણેથી પસાર થાય છે ત્યારે પ્રેયસી પદ્માવતી તેને રોકે છે, અને ચોપાટ ખેલવા આમંત્રે છે. ગૌરક્ષા કાજે વહારે ચડેલો માંગડાવાળો પાછા વળતાં ચોપાટ ખેલવાનું વચન આપી યુદ્ધે ચડે છે. પદ્માવતી ચોપાટ પાથરીને પ્રિયજનની પ્રતીક્ષા કરે છે; પરંતુ શૌર્યપૂર્વક ધીંગાણામાં ઝૂઝતાં માંગડાવાળો બાયલની બરછીથી ઘવાઈને મૃત્યુ પામે છે અને ભૂત બને છે. પ્રિયજનના દેહાંતના સમાચારથી પાગલ થયેલી પદ્માવતીનું એક કૂબડા વણિકપુત્ર સાથે પરણવાનું ગોઠવાય છે; પરંતુ અવગતે ગયેલો માંગડાવાળો જાનને અધવચ્ચે રોકી જાનના વળાવિયા અને પોતાના કાકા અળસીવાળાને પદ્માવતી સાથે ચાર ફેરા ફેરવવા વીનવે છે. અવગતે ગયેલા જીવને મુક્તિ આપવા અળસીવાળા તૈયાર થાય છે. વડ પાસેની વાવમાં પ્રેતયોનિના જીવ માંગડાવાળા અને પદ્માવતીનાં લગ્ન થાય છે. પ્રેતાત્મા અને માનવીનો ગૃહસ્થાશ્રમ રચાય છે. દિવસે વડ અને રાતે ઝળહળતો મહેલ – મિલનનો આનંદ અને વિરહની વ્યથા કથામાં ઘૂંટાય છે. અંતમાં પદ્માવતી ગિરનારની ગોદમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં પોતાના અવગતિયા સ્વામી માંગડાવાળાની મુક્તિ કરાવે છે.

કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, ચાંપશીભાઈ નાગડા, પી. ખરસાણી, હરક્યૂલિસ, જયંત વ્યાસ, જગતસિંહ જગ્ગા, મીનળ મહેતા, માધવ સાંગાણી, મહેશ જોષી, મુકુંદ પંડ્યા, જયંત શાહ, સરોજ પરીખ, જયેન્દ્ર મિશ્રા, શર્મિષ્ઠા વૈદ્ય, પુષ્પા મહેતા, રશીદાબાનુ, અંજનીદેવી, હંસા લાકોડ, રંગલાલ નાયક, નરહરિ જાની, મુકુંદ જોષી, કૌસ્તુભ ત્રિવેદી, પ્રભાકર જોષી, અમૃત નાયક, નંદુ પહેલવાન, ગંજા પહેલવાન, લીલી પટેલ, દેવયાની ઠક્કર, રજનીબાલા ઉપરાંત હિન્દી સિનેજગતનાં અચલા સચદેવ, ટુનટુન, કેસ્ટો મુખર્જી, શકીલાબાનુ ભોપાલી, પદ્મા ખન્ના અને અમજદખાન પણ હતાં. ઉપેન્દ્ર ત્રિવેદીએ બેવડો રોલ ભજવ્યો હતો. ગીતોમાં એક ગીતકવિ દાદનું ‘નીંદર ન આવે ત્રણ જણાં…’ હતું. આ ઉપરાંત દુહા અને છંદ પણ તેમના હતા. પાર્શ્ર્વગાયકો : આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, પુષ્પા છાયા, આનંદ કુમાર, રસિક પાઠક, કવિ દાદ અને વેલજી ગજ્જર હતાં.

રામાનંદ સાગરનું આ પ્રથમ ગુજરાતી ચિત્રપટ લોકપ્રિય પણ બન્યું હતું.

હરીશ રઘુવંશી