વીણાવેલી : ગુજરાતીમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી (1867-1902) દ્વારા ઈસવી સન 1892થી 1896ના ગાળામાં રચાયેલું ત્રિઅંકી નાટક. શ્રી દેશી નાટક સમાજે ઈસવી સન 1899માં તે ભજવ્યું. એ જમાનાનાં નાટકોના મુકાબલે આ નાટકની ભાષા સ્વાભાવિક અને ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છે. કર્તાએ ધીમે ધીમે નાટ્યાત્મક ગદ્ય કઈ રીતે ખીલવ્યું એનો અંદાજ આ નાટકની ભાષા આપે છે. આ નાટક જયંતિ દલાલ સંપાદિત શ્રી નવીન ડાહ્યાભાઈનાં નાટકો મણકો1માં છે. તે ગ્રંથ ગુજરાત નૃત્ય નાટ્ય અકાદમી મારફત ઈસવી સન 1964માં પ્રસિદ્ધ થયેલો.

નાટકના વસ્તુમાં લોકકથામાં આવતી કઠિયારાની આપકર્મી અને બાપકર્મીની વાર્તા વણી લીધી છે. ચંપાગઢના રાયસિંહને વીણાસુંદરી અને વેલીસુંદરી નામે બે દીકરીઓ હતી. વીણાસુંદરીની મા ગુજરી ગયેલી. વીણાસુંદરીએ પોતાની ચતુરાઈ અને વિદ્યાના બળથી પોતાનો સંસાર કેવી રીતે સુધાર્યો તથા વેલીસુંદરી લક્ષ્મીના મદમાં વિદ્યા વિના કેવી પસ્તાઈ એ વાત નાટકમાં મૂકી છે. ધમલા માળીનું કૉમિક હાસ્યરસ જમાવે છે. રૂઢિચુસ્ત મહાગુજરાતમાં સ્ત્રીકેળવણી માટેનું જરૂરી વાતાવરણ જ્યારે નહોતું એ સમયે લેખકે એ દિશાનો આ ઉત્તમ પ્રયત્ન કર્યો છે. એ જમાનામાં વ્યવસાયી રંગભૂમિ ઉપર બોધપ્રધાન નાટકો લખાતાં. લેખકનો હેતુ સ્ત્રીના આદર્શ જીવનનું દર્શન કરાવવાનો છે.

કર્તાએ આ નાટકમાં સ્વગતોક્તિનો ઉપયોગ સારો કર્યો છે. પાપિયાને પણ પશ્ચાત્તાપનો મોકો આપ્યો છે. ‘અરે શું માનવનું અભિમાન, પલકમાં ટળી જશે રે’.  આ ગાયન નીતિનું સૂત્ર બન્યું હતું. સંવાદમાં ઘણી જગાએ શબ્દાળુતા છે. ધમલા માળીનું ‘કૉમિક વિલન’ પાત્ર કુશળતાથી ગૂંથાયું છે. આ નાટક એ જમાનામાં ખૂબ પ્રજાપ્રિય થયું હતું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજે ઈસવી સન 1975માં આ નાટક ભજવ્યું હતું.

દિનકર ભોજક