વિષતિંદુકાદિવટી : વાયુનાં દર્દો માટે પ્રચલિત એક આયુર્વેદિક ઔષધિ. ભેષજ સંહિતા – રસોદ્ધાર તંત્ર અનુસાર તેનાં ઘટકદ્રવ્યો આ પ્રમાણે છે : શુદ્ધ ઝેરકોચલું, અજમો, સિંધવ, અતિવિષ, નાડી હિંગ, શુદ્ધ વચ્છનાગ, કાળાં મરી, લતાકરંજ-બી, દાલચીની (તજ), સૂંઠ, લીંડીપીપર, ગંઠોડા, ઇન્દ્રજવ અને લવિંગ.

નિર્માણની રીત : આ દ્રવ્યોનું બારીક ચૂર્ણ સરખા ભાગે લેવામાં આવે છે. તેને કપડછાલ કરી, પાણીમાં ઘૂંટી 11 રતીની ગોળી બનાવવામાં આવે છે. એવી ગોળી 1થી 2 જમ્યા પછી પાણી કે છાશમાં આપવામાં આવે છે.

ઉદાવર્ત (પેટનો અવળો વાયુ), આધમાન (આફરો) અને ઉદરવાત, ગુલ્મ(પેટનો ગોળો)માં તેનો ઉપયોગ થાય છે.

નોંધ : (1) ઝેરકોચલું મંદ વિષ છે. તેથી તેમાંથી બનેલી આ દવાની ગોળી દર્દીએ દરેક સપ્તાહે 1 દિવસ અને 1 માસે 1 સપ્તાહ લેવાનું ટાળવું જોઈએ. (2) દવા બજારમાં એકલા શુદ્ધ ઝેરકોચલાનાં ચૂર્ણની બનાવેલી અને તેની પર ચાંદીના વરખ લગાવેલી ‘વિષતિંદુકવટી’ પણ મળે છે.

શુદ્ધ વિષતિંદુક ચૂર્ણની બનેલી, ચાંદીના વરખવાળી ‘રૂપેરી વિષતિંદુકવટી’ દરેક જાતના તાવ, દરેક જાતની શૂળ પીડા, ઉદરશૂળ, મંદાગ્નિ, મંદપાચન વગેરે ખાસ મટાડે છે; જ્યારે ઉપર્યુક્ત પાઠની વિષતિંદુકાદિવટી ઉદર (પેટના) રોગોની રામબાણ ઔષધિ છે. ખાસ કરી તે વાત-કફદોષજન્ય કે પિત્તદોષજન્ય ઉદર-દર્દોમાં વધુ અકસીર છે.

જયેશ અગ્નિહોત્રી

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા