વિષમકોષકેન્દ્રીકરણ : સજીવનો કોઈ પણ કોષ જ્યારે તેના જીવરસમાં કોઈ પણ સમયે જનીનદ્રવ્યના ગુણ કે જથ્થાના વિશે એકમેકથી ભિન્ન હોય તેવા એકથી વધુ કોષકેન્દ્રો ધારણ કરે તેવી વિષમકોષકેન્દ્રીયતા(heterokaryosis)ની સ્થિતિ સર્જતી પ્રક્રિયા. અત્રે સામેલ આકૃતિમાં બતાવેલ કોષો એક કે તેથી વધુ સંખ્યામાં એકકીય (haploid) કે દ્વિકીય (diploid) કોષકેન્દ્રો ધરાવતા (અ) સમકોષકેન્દ્રી (homokaryote) અને (બ) વિષમકોષકેન્દ્રી (heterokaryote) કોષો છે. વિષમકોષકેન્દ્રીયતા સ્વયં એકથી વધુ કોષકેન્દ્રોની એક જ જીવરસમાંની હાજરીની સૂચક છે. સમકોષકેન્દ્રી સ્થિતિ એકમાત્ર કોષકેન્દ્ર ધરાવતા કોષો માટે પણ સૈદ્ધાંતિક રીતે પ્રચલિત છે.

વિષમકોષકેન્દ્રીકરણ (development of heterokaryote) : સજીવો પોતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ ગુણોના સંકરણવાળી સંતતિ(hybrid)ના ઉદ્ભવ માટે લિંગી પ્રજનન કરે તે માટે વિષમકોષકેન્દ્રીકરણ પ્રથમ સોપાન છે.

ફૂગ (fungi) સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતી હોય છે અને તે કોષકેન્દ્રથી એકમેકમાં કુદરતી રીતે હેરફેર દ્વારા વિષમકેન્દ્રીકરણ કરે છે. આ ઉપરાંત વિશિષ્ટ દ્વિકોષકેન્દ્રી વીજાણુની વૃદ્ધિથી, સ્વયંસ્ફુરિત કે પ્રેરિત પ્રકારની વિકૃતિ(mutation)થી કે કોષકેન્દ્રોના વિલીનીકરણ (karyogame) કે વિભાજન(haploidization)થી પણ વિષમકેન્દ્રીય કોષો સર્જાય છે. જોકે છેલ્લે દર્શાવેલ સંજોગોમાં કવક કોષે (hyphal cell) ધારણ કરેલ કારકોમાં વિષમકોષકેન્દ્રીકરણ પશ્ર્ચાત્ કોઈ જ ફેરફાર થતો નથી. ન્યૂરોસ્પોરા (Neurospora) નામની ફૂગમાં બિડ્લ અને કુનરાડ્ટે 1944માં વિષમકોષકેન્દ્રી કોષોને શોધવા ગુણાપૂર્તિ (complementation) કસોટી વિકસાવી.

નમૂનારૂપ એકકીય, દ્વિકીય કે મિશ્ર કોષકેન્દ્રોવાળા (અ) સમકોષકેન્દ્રી અને (બ) વિષમકોષકેન્દ્રી કોષો; (o) અને (•) જનીનીક ભિન્નતા દર્શાવે છે.

વનસ્પતિ અને મનુષ્ય સમેતનાં વિકસિત પ્રાણીઓમાં પ્રજનનકોષો(gametes)ના સંયુગ્મનથી ફલિતાંડ(zygote)ની રચના થઈ, નિયંત્રિત પ્રણાલી મુજબ કુદરતી રીતે જ વિષમકોષકેન્દ્રીકરણ થાય છે. આ સજીવોમાં પ્રજનનકોષો સિવાયના દૈહિક (somatic) કોષોમાં વિષમકોષકેન્દ્રીકરણ થવા પર જીવવિજ્ઞાનની સીમાનાં બંધનો છે.

વિષમકોષકેન્દ્રીયતાનું અનુગમન (fate) અને મહત્વ : વિષમકોષકેન્દ્રીકરણ બાદ, કોષમાં રહેલાં સઘળાં કોષકેન્દ્રો સમાન રૂપે એકમેકના અવરોધ વિના કોષને પોતાનાથી પ્રભાવિત કરે છે અને કોષવિભાજન દરમિયાન બેવડાય પણ છે. આ પ્રક્રિયા દરમિયાન એકીકરણ અને વિભાજનની ઘટનાઓ વખતે ક્વચિત્ જનીનોનું પુનર્યોજન (recombination) પણ થાય છે; જેના વડે લિંગી પ્રજનનનો હેતુ સિદ્ધ થાય છે. આ ઘટનાઓનાં સ્થાન અને સમયમાં ફેરફાર સિવાય ફૂગમાં લિંગી અને આવર્તલિંગી (para-sexual) પ્રજનનમાં અન્ય ભેદ નથી. વિષમકોષકેન્દ્રી સ્થિતિ ફૂગના શાખાકરણ (branching) કે સમલિંગી પ્રજનનના અંતે બનતી ‘બેરેજ ઘટના’ બાદ લુપ્ત થાય છે.

જોકે ફૂગમાં થતું દરેક વિષમકોષકેન્દ્રીકરણ લિંગી પ્રજનન વડે અંતિત થતું નથી, પરંતુ આ સ્થિતિનું નિર્માણ થવું લિંગી પ્રજનન માટે અનિવાર્ય છે. તેમનામાં રહેલા જનીનીક વૈવિધ્યનો સ્રોત વિષમકોષકેન્દ્રી સ્થિતિના નિર્માણથી કુદરતી રીતે સંચિત રહેવા પામે છે. એકકીય કોષોમાંના પ્રચ્છન્ન (recessive) કારકો તેમના નિકાલ સામે અને અન્ય જનીનો ઘાતક વિકૃતિઓને લઈ થતા નાશ સામે વિષમકોષકેન્દ્રીકરણ વડે જ સંરક્ષણ પ્રાપ્ત કરે છે.

કૃત્રિમ પદ્ધતિથી વિષમકોષકેન્દ્રીકરણ : એક જ સજીવના દૈહિક કોષો વચ્ચે વિષમ પ્રજાતિના સજીવો વચ્ચે કે જૈવિક ખામીવાળા લાયક પ્રજનનકોષો વચ્ચેનો જૈવિક પ્રતિબંધ હટાવી વિજ્ઞાનીઓએ અસંબદ્ધ કોષો વચ્ચે કોષકેન્દ્ર-વિનિમય શક્ય બનાવ્યો છે. કોષદીવાલ હોય ત્યારે તેનું આવરણ દૂર કરી દીવાલરહિત કોષો (protoplast) બનાવ્યા બાદ તેમને અમ્લીય માધ્યમોમાં પૉલિઇથિલીન ગ્લાયકોલ, કૅલ્શિયમ આયન વડે એકમેકમાં વિલીન થવાની ફરજ પાડી શકાય છે. જરૂર હોય ત્યારે હળવા વિદ્યુતપ્રવાહના આંચકા કે સેન્ડાઈ (sendai) વિષાણુની પણ મદદ લેવાય છે.

સામાન્ય જણાતી કૃત્રિમ વિષમકોષકેન્દ્રીકરણ-પ્રક્રિયા વડે અસાધારણ સિદ્ધિઓ મેળવી શકાય તેમ છે. હાલ ઔષધીય મહત્વ ધરાવતા સંકૃતદ્રવ્ય(hybridoma)નું ઉત્પાદન, વિષાણુ-સંવર્ધન માટે વિશિષ્ટ કોષકુળ(cell line)નો વિકાસ, વધુ ઉત્પાદકીય સૂક્ષ્મજીવોની પ્રાપ્તિ જેવી મહત્વની સિદ્ધિઓ હાંસલ થઈ છે. ભવિષ્યમાં ઉદ્વિકાસની ધીમી પ્રક્રિયાથી કાળક્રમે થતા ફેરફારો, જેવા કે નવી જાતિ-પ્રજાતિનું સર્જન વગેરેનો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન જ સાક્ષી થઈ શકશે. આધુનિક વિજ્ઞાને વિષમકોષકેન્દ્રીકરણથી જીવસૃદૃષ્ટિમાં કોષકેન્દ્રની હેરફેર સાહજિક બતાવી દેતાં ઉત્ક્રાંતિની યાત્રા પ્રકાશીય ગતિથી ચાલીને કલ્પનાતીત પરિણામો લાવે તો નવાઈ નહિ !

ભૂપેશ યાજ્ઞિક