વિષતંત્ર (અગદતંત્ર) : પ્રાચીન ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ‘આયુર્વેદ’ના કુલ આઠ મહત્વનાં અંગો છે : શલ્ય તંત્ર, શાલાક્ય તંત્ર (બંને સર્જરીના વિભાગો), કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય (બાળકોનું વિજ્ઞાન), રસાયનતંત્ર, વાજીકરણ અને અગદતંત્ર કે વિષતંત્ર. આધુનિક પરિભાષામાં તેને Toxicology (ટૉક્સિકૉલોજી) કહે છે.

આયુર્વેદના પ્રાચીન આચાર્યોએ ‘વિષ’ (ઝેર : poision) ઉપર એટલું બધું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન મેળવીને પોતાના ગ્રંથોમાં નિરૂપ્યું છે કે હજારો વર્ષ પૂર્વે તેમણે પ્રાપ્ત કરેલ જ્ઞાનની અપૂર્વ સિદ્ધિ જોઈને, આજે પણ આશ્ચર્ય થાય છે. આયુર્વેદ એક વિશ્વવિજ્ઞાન છે. સંપૂર્ણ જીવનને સ્પર્શતું વૈદકીય વિજ્ઞાન છે. માનવીને ઝેર (વિષ) સાથે પણ ઘણી વાર પનારો પડે છે. તેથી આયુર્વેદના મુખ્ય ત્રણેય પ્રાચીન ગ્રંથકારો ચરક, સુશ્રુત તથા મહર્ષિ વાગ્ભટ્ટે પોતપોતાની વૈદક-સંહિતાઓમાં નીચે મુજબ વિષતંત્ર વિશે વૈજ્ઞાનિક જ્ઞાન આપેલ છે :

(1) મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ના ‘ચિકિત્સાસ્થાન’ના 23મા અધ્યાયમાં સંપૂર્ણ વિષવિજ્ઞાન કુલ 252 શ્લોકોમાં આપેલ છે; જેમાં વિષના પ્રકારો, લક્ષણો, આઠ જાતનાં આવેગોનાં ચિહ્નો, સાત ધાતુઓમાં ફેલાયેલ વિષનાં લક્ષણો તથા તેની ચિકિત્સાની સંપૂર્ણ અને ઉત્તમ માહિતી આપી છે.

(2) મહર્ષિ સુશ્રુતે લખેલ ‘સુશ્રુત-સંહિતા’ ગ્રંથનો ‘કલ્પસ્થાન’ નામનો સમગ્ર વિભાગ જ વિષવિજ્ઞાનનો છે. જેમાં કુલ 8 અધ્યાયો અને 555 શ્લોકોમાં સંપૂર્ણ વિષવિજ્ઞાન આવરી લઈ, તેની માહિતી આપી છે. સુશ્રુતે આહારવિષ (ફૂડ-પૉઇઝનિંગ), સ્થાવર વિષ (ઝેરી વનસ્પતિ કે ખનિજનું) તથા જંગમવિષ (સર્પ, વીંછી, ઉંદર તથા ક્ષૂદ્ર કીટનું) વિશે વિગતે વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેના પ્રકારો, લક્ષણો અને ઉપચારો સહિત નિરૂપણ કર્યું છે.

(3) મહર્ષિ વાગ્ભટ્ટે પોતાની ‘અષ્ટાંગહૃદય’ સંહિતામાં ‘ઉત્તરસ્થાન’ વિભાગના 35થી 38 (કુલ 4) અધ્યાયમાં 219 શ્લોકોમાં સંપૂર્ણ ‘વિષવિજ્ઞાન’ રજૂ કરેલ છે; જેમાં વિષપ્રકારો મુજબ તેની ઓળખ અને સારવાર પણ બતાવેલ છે.

(4) અર્વાચીન કાળમાં આયુર્વેદના લોકોપયોગી એવા પ્રાંતીય ભાષામાં રચાયેલ સંગ્રહગ્રંથોમાંનો એક. શ્રી શંકર દાજી પદે શાસ્ત્રી-કૃત ‘આર્યભિષક’ અથવા ‘હિંદુસ્તાનનો વૈદરાજ’ નામના ગ્રંથમાં લગભગ 20 પૃષ્ઠોમાં વિષના પ્રકારો, લક્ષણો અને તેના ઉપચારો બતાવેલ છે.

આ સિવાય બીજા અનેક સંગ્રહગ્રંથોમાં વિષવિજ્ઞાનના અધ્યાયો આપેલા છે. આ વાત હાલમાં ઉપલબ્ધ સાહિત્યની જ છે. પ્રાચીન કાળમાં ભારતમાં ઉપર્યુક્ત ગ્રંથો સિવાયના પણ અનેક અગદતંત્રોના ગ્રંથો હતા, તેની યાદી કવિરાજ ગણનાથ સેને પોતાના ‘પ્રત્યક્ષ શારીર’ નામના ગ્રંથના ઉપોદ્ઘાતમાં આપી છે. આ યાદીમાં દર્શાવેલા ‘અગદતંત્ર’ના ગ્રંથો હાલ વિલુપ્ત કે વિનષ્ટ છે : (1) કાશ્યપ સંહિતા (તેનો અગદતંત્રનો ભાગ અપ્રાપ્ય છે); (2) અલંબાયન સંહિતા; (3) સનક સંહિતા કે શૌનક સંહિતા; (4) ઉશન:સંહિતા તથા (5) લાટ્યાયન સંહિતા.

આયુર્વેદના વિષવિજ્ઞાન અંતર્ગત વિષ(અગદ : ઝેર)ના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડેલા છે : (1) સ્થાવર વિષ : આ વિભાગમાં જમીનમાંથી ઉત્પન્ન થતાં વિષદ્રવ્યો – જેમ કે, વછનાગ, કરેણ, ધતૂરો જેવી ઝેરી વનસ્પતિઓ તેમજ કાચો, અશુદ્ધ પારો, હરતાલ જેવા ખનિજદ્રવ્યોની ગણના થાય છે. આ પ્રકારનાં વિષનાં 10 જેટલાં અધિષ્ઠાન (આશ્રય સ્થાન) છે; જેમ કે, વનસ્પતિનાં મૂળ, પાન, પુષ્પ, ફળ, છાલ, દૂધ, સાર, ગુંદ, કંદ અને ધાતુઓ. આ સ્થાવર વિષના શરીરની રસ-રક્તાદિ સાત ધાતુઓ પરના 8 જાતના વેગ (પ્રભાવ-લક્ષણો) મૂળ ગ્રંથોમાં બતાવેલ છે. (ii) સંયોજક વિષ : વિષનો બીજો પ્રકાર છે. તેમાં બે અથવા બેથી વધુ દ્રવ્યોના વિપરીત ગુણધર્મોના કારણે જન્મતા ઝેરનો પરિચય અપાયો છે. આ પ્રકારનું વિષ ગર અને કૃત્રિમ – એમ બે પેટા પ્રકારનું હોય છે. બે વિષરહિત દ્રવ્યોનાં વિપરીતધર્મી ગુણોનું સંયોજન થવાથી, નવા વિષની ઉત્પત્તિને ‘ગર-વિષ’ કહેલ છે, જ્યારે સવિષ (ઝેરી) દ્રવ્યોના સંયોગને કારણે જે નવું વિષ પેદા થાય છે, તેને ‘કૃત્રિમ વિષ’ કહેલ છે. (iii) જંગમ વિષ : વિષપ્રકારોમાં આ ત્રીજો પ્રકાર છે. આ વિભાગમાં વિવિધ પ્રાણીઓ; જેમ કે, ઝેરી સર્પ, વીંછી, ઉંદર, ગરોળી (લૂતા), વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણીઓના નખ-દાંતના ઘાથી જન્મેલ વિષનું વર્ણન આવે છે. આ પ્રકારમાં વાયુ, પિત્ત અને કફ દોષપ્રધાન સર્પવિષોના પ્રભાવથી શરીરમાં થતાં સાત વેગ અને તેનાં લક્ષણોનું વિવેચન આપેલ છે. આ બધાં ઉપરાંત છેવટે દરેક પ્રકારનાં વિષની અનુભૂત ચિકિત્સા પણ બતાવેલ છે. ‘આર્યભિષક’ ગ્રંથ કે જે સામાન્ય લોકોને સહજ પ્રાપ્ય છે, તેમાં સર્વ લોકોને ઉપયોગી થાય તેવા વિષનાશક અનેક સુંદર પ્રયોગોનું માર્ગદર્શન ગુજરાતીમાં આપેલું છે.

આયુર્વેદવિજ્ઞાને વિષપ્રભાવનો નાશ કરવા માટે કુલ 24 પ્રકારની ચિકિત્સા બતાવી છે, જે તે સમયનાં ઉપલબ્ધ સાધનો અને જ્ઞાનની દૃષ્ટિએ આજે પણ અનન્ય છે. વિષપ્રભાવનો નાશ કરવા માટેના ચિકિત્સાકાર્યમાં આયુર્વેદવિજ્ઞાને જે 24 વિવિધ ચિકિત્સાકાર્ય-પદ્ધતિઓ દર્શાવી છે, તે આ મુજબ છે : મંત્ર, અરિષ્ટ (ઔષધ-સ્વરૂપ), ઉત્કર્તન (ચેકો મૂકવો), નિષ્પીડન (ડંખવાળો ભાગ દબાવી રાખવો), આચૂષણ (ડંખ પરનું ઝેર ચૂસી થૂંકી નાખવું), અગ્નિકર્મ (ડામ), પરિષેક (જલધારા), અવગાહન (જળ કે ઔષધ-ક્વાથના ટબમાં સૂવું), રક્તમોક્ષણ (લોહી વહાવવું), વમન (ઊલટી કરાવવી), વિરેચન (ઝાડા કરવા), ઉપધાન (બ્રહ્મરંધ્ર પર ચેકો મૂકવો), હૃદયાવરણ (હૃદયરક્ષક ઔષધ-સેવન), અંજન (વિષનાશક દ્રવ્ય આંખે આંજવું), નસ્ય (વિષનાશક દ્રવ્ય નાકમાં નાંખવું), ધૂમ (વિષઘ્ન દ્રવ્યોની ધુમાડી), લેહ (વિષનાશક ચાટણ), ઔષધ (વિષહર દવાઓ), પ્રશમન (રક્તદોષ-શામક દવા), પ્રતિસારણ (વિષઘ્ન ઔષધ ત્વચા પર રગડવું), પ્રતિ વિષ (વિષનાશક ચોક્કસ ઔષધ-પ્રયોગ), સંજ્ઞા-સ્થાપન (બેહોશીનાશક ઔષધ-પ્રયોગ), પ્રલેપ (વિષનાશક દ્રવ્યોનો શરીર પર લેપ) અને મૃતસંજીવની ઔષધ (મરણસન્ન વ્યક્તિને પુનર્જીવન દાન કરનારા ઔષધનું સેવન).

આમ આયુર્વેદવિજ્ઞાનનું વિષ (અગદ) તંત્ર વિશ્વનું એક સર્વોત્તમ વૈજ્ઞાનિક અને તલસ્પર્શી માહિતીપ્રદ વિષવિજ્ઞાન (ટૉક્સિકૉલોજી) છે. તે જેમ જે તે ગ્રંથરચનાના સમયનું તેમ આજના યુગનું પણ અનેક દૃષ્ટિએ સમાજને ઉપયોગી અને લાભપ્રદ એવું વિશિષ્ટ વૈદકીય જ્ઞાન છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા