વિષજન્ય રોગો (પશુસ્વાસ્થ્ય) : વિષ કે ઝેરી પદાર્થ આરોગવાને કારણે પશુઓને થતો વ્યાધિ. પર્યાવરણમાં પ્રદૂષિત વાયુ, જળ કે ખનિજ-પદાર્થોના સંસર્ગને કારણે વનસ્પતિ, પ્રાણી કે અન્ય સજીવો આકસ્મિક ઝેરી પદાર્થોનો ભોગ બને છે. ઝેરના પ્રકારો અનેક છે અને તે વિવિધ માર્ગે શરીરમાં પ્રવેશ કરે છે; જેમ કે, કેટલાક વિષકારક પદાર્થો માત્ર ખોરાક વાટે શરીરમાં પ્રવેશી ઝેરી અસર ફેલાવે છે, જ્યારે કેટલાક ઝેરી પદાર્થો ડંખ વાટે કે કરડવાથી શરીરમાં પ્રવેશી, લોહી સાથે ભળી ઝેરી અસરો પેદા કરે છે. બધા જ વિષમય કે ઝેરી પદાર્થો રોગજન્ય હોતા નથી,  પરંતુ તે બધા શરીરની તંત્ર-વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી રોગની પરિસ્થિતિ પેદા કરે છે; દા. ત., સર્પદંશથી મનુષ્ય કે પશુ મૃત્યુ પામે છે; પરંતુ તે સર્પદંશ નામના રોગથી મૃત્યુ પામ્યા એવું કહેવામાં આવતું નથી. કૉલેરા વિબ્રિયો નામના બૅક્ટેરિયાની વિષકારક અસરથી થાય છે, પણ કૉલેરા એ રોગ ગણાય છે. રોગનો પ્રાદુર્ભાવ જણાય કે ન જણાય પણ વિષકારક પદાર્થોની સજીવ શરીર ઉપરની અસરો અને તેના પ્રતિકારક ઉપાયોનો અભ્યાસ વિષવિજ્ઞાન(Toxicology)માં મહત્વનું સ્થાન ધરાવે છે.

વિષવિજ્ઞાનનો પદ્ધતિસરનો અભ્યાસ વીસમી સદીમાં બીજા વિશ્વયુદ્ધ બાદ થયો. વિષનિવારણના ઉપાયો પરંપરાગત રીતે સેંકડો વર્ષોથી ચાલ્યા આવે છે. ભારતમાં પશુસ્વાસ્થ્ય કે પશુચિકિત્સા અર્થે આ વિજ્ઞાને 1950થી પ્રવેશ કર્યો. ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા  ઇઝતનગર(ઇન્ડિયન વેટરિનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં પશુચિકિત્સા વિષવિજ્ઞાનનો અલગ વિભાગ શરૂ થયો અને પશુચિકિત્સા વિષ-વૈજ્ઞાનિક(વેટરિનરી ટૉક્સિકોલૉજિસ્ટ)ની નિમણૂક થઈ. 1965માં લખનૌ ઉત્તરપ્રદેશ ખાતે રાષ્ટ્રીય વિષવિદ્યા (ટૉક્સિકૉલોજી સંશોધન-સંસ્થાની સ્થાપના થઈ.

વિષવિદ્યાની મુખ્ય શાખાઓ : આધુનિક વિષવિદ્યામાં નીચેની આ શાખાઓનો સમાવેશ થાય છે : (1) પર્યાવરણીય વિષવિદ્યા, (2) અર્થશાસ્ત્રીય વિષવિદ્યા અને (3) ફૉરેન્સિક વિષવિદ્યા.

(1) પર્યાવરણીય વિષવિદ્યા : પ્રદૂષિત હવા, પાણી કે જમીન દ્વારા જાહેર આરોગ્ય જોખમાય છે. કૃષિપાકો માટે રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ વધતાં પાળેલાં પ્રાણીઓ કે અન્ય જીવોને ઝેરી પદાર્થોનો સામનો કરવો પડે છે. જૈવિક તંત્રોને અવારનવાર રાસાયણિક દૂષણોનો ભોગ બનવું પડે છે. આવાં ઝેરનાં કારણો, અસરો વગેરેનો અભ્યાસ પર્યાવરણીય વિષવિદ્યામાં થાય છે.

(2) અર્થશાસ્ત્રીય વિષવિદ્યા : આ વિભાગમાં જૈવિક કે રાસાયણિક વિષકારકતાનો અભ્યાસ થાય છે. ઍન્ટિબાયોટિક્સ દવાઓ અને પસંદગીનાં કીટકનાશકો(selective insecticides)નું આર્થિક ધોરણે ઉત્પાદન અને ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રો દ્વારા જે જોખમકારક રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન થાય છે તે આ વિભાગના છે. વિષકારક છતાં અનિવાર્ય ઔષધિઓ કે જંતુનાશકો વિશિષ્ટ નિયંત્રણ હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પન્ન કરવામાં આવે છે. આ નિયંત્રણ-રેખાનાં ભંગથી જે પરિસ્થિતિ સર્જાય છે તે પર્યાવરણીય વિષવિદ્યાના ક્ષેત્રનો અભ્યાસ બને છે.

(3) ફૉરેન્સિક વિષવિદ્યા : આ વિભાગનું કાર્યક્ષેત્ર વિશ્ર્લેષિત રસાયણશાસ્ત્ર (એનેલિટિકલ કેમિસ્ટ્રી અને મૂળભૂત વિષવિદ્યાના સિદ્ધાંતોના જોડાણ(સિન્થેસિસ)માંથી ઉદ્ભવ્યું છે. મનુષ્ય અગર કોઈ પ્રાણીજીવ જાણ્યે-અજાણ્યે ઝેરની અસર નીચે આવ્યો હોય તો તેની કાનૂની તપાસ આ વિભાગ દ્વારા થાય છે. વિષપ્રયોગ, વિષબાધા કે આત્મહત્યાની તપાસ અર્થે આ શાખાનો વિકાસ થયો છે.

વિષજન્ય રોગો ઉદ્ભવ અને સારવાર : પાળેલાં પ્રાણીઓ અને પશુઓમાં આકસ્મિક કે ગેરસંભાળને કારણે નીચે મુજબના વિવિધ સ્રોતો દ્વારા વિષજન્ય રોગો કે વિષકારકતા ઉદ્ભવે છે :

(1) અકાર્બનિક અને કાર્બનિક રાસાયણિક વિષકારક દ્રવ્યો અને તેનાં સંયોજનો; (2) જંતુનાશક દવાઓનો સંસર્ગ; (3) વનસ્પતિઓમાંના વિષાક્ત ઘટકો; (4) ફૂગજન્ય વિષકર દ્રવ્યો; (5) ઝેરી જીવાત કે જનાવરનું કરડવું.

(1) અકાર્બનિક અને કાર્બનિક રાસાયણિક વિષકારક દ્રવ્યો અને તેનાં સંયોજનો : પશુપાલન અને પશુચિકિત્સામાં પાળેલાં પ્રાણીઓ ઘણે ભાગે રાસાયણિક પદાર્થોની ઝેરી અસરને કારણે બીમાર પડે છે અગર મૃત્યુ પામે છે. આ ઝેરી પદાર્થો રાસાયણિક રીતે મૂળભૂત ખનિજ-તત્ત્વો, અકાર્બનિક સંયોજનો કે જટિલ કાર્બનિક સંયોજનના સ્વરૂપે હોય છે. પ્રાણીઓને દૂષિત પાણી, ઘાસચારો કે ખોરાક પૂરો પાડવામાં આવે તો તેની સાથે ઝેરી રાસાયણિક દ્રવ્યો શરીરમાં પ્રવેશે છે અને પશુઓ પીડા કે વિવિધ બીમારીના ભોગ બને છે. અકાર્બનિક અને કાર્બનિક રાસાયણિક વિષકારક પદાર્થો મુખ્યત્વે નીચે મુજબ છે :

અકાર્બનિક સંયોજનો  આર્સેનિક સંયોજનો : આ સંયોજનો 1681થી કીટકનાશક તરીકે વપરાતાં આવ્યાં છે. અગાઉ મનુષ્ય ઉપર વિષપ્રયોગ માટે તે વપરાતાં હતાં. આર્સેનિક દ્રવ્યોમાં orpiment (Arsenictrisulfide) અને આર્સેનોથાયરાઇડનો સમાવેશ થાય છે. દરિયાનાં પાણીમાં તે અમુક અંશે જોવા મળે છે. 1905માં ટ્રાયપેનોસોમા નામના પ્રજીવથી ઉદભવતા ‘ચકરી’ નામના પશુરોગના નિવારણ માટે ટ્રાયપેનોસોમ-રોધક (Trypanosoma-inhibitor) તરીકે સોડિયમ આર્સેનેટ (Sodium Arsenate) વાપરવામાં આવતું. ડુક્કર અને મરઘાંમાં વજન વધારવા પણ તે વપરાય છે.

સોડિયમ આર્સેનેટ, પોટૅશિયમ આર્સેનેટ તથા લેડ આર્સેનેટ કીટકનાશક અને સૂક્ષ્મ જંતુઓના નાશ માટે વપરાતાં હતાં. આર્સેનિક દ્રવ્યો શરીરમાં પાચનતંત્ર દ્વારા પ્રવેશી લોહીમાં શોષાય છે. પ્રાણીશરીરમાં યકૃત, વૃક્ક (કિડની), બરોળ, ત્વચા અને વાળ જેવા ભાગોમાં સંગૃહીત થાય છે. સામાન્ય સંજોગોમાં મૂત્ર વાટે તેમનું ઉત્સર્જન થાય છે.

વિષાક્ત અસરો : આર્સેનિક સંયોજનોની અસરથી પશુઓમાં ઉદરશૂળ, પક્ષાઘાત જેવા રોગો ઉદભવે છે. વિપરીત સંજોગોમાં પ્રાણી મૃત્યુ પણ પામે છે. ક્યારેક પશુઓમાં લાળ પડવી, અતિસાર અને નબળાઈ જેવાં ચિહ્નો પણ જોવા મળે છે. દીર્ઘકાલિક કિસ્સાઓમાં પશુમાં અરુચિ, ધ્રુજારી, પક્ષાઘાત, શરીરના તાપમાનનું નીચે જવું વગેરે ચિહ્નો જોવા મળે છે.

સારવાર : ડાઇમર ક્રેપોલ નામે જાણીતું બ્રિટિશ ઍન્ટિલુવીસાઇટ ઔષધ આર્સેનિક-વિરોધી દ્રવ્ય છે. તેનું અંત:ક્ષેપણ કરવાથી પશુ રાહત અનુભવે છે. તેની સલામત માત્રા શરીરના કિલોગ્રામ વજનદીઠ 5 ml (મિલી. લિટર) નોંધાયેલી છે.

બિનઆર્સેનિક સંયોજનોમાં કેટલાંક અકાર્બનિક ખનિજ-તત્ત્વો અને સંયોજનો વિષકારક દ્રવ્ય તરીકે વર્તે છે.

તાંબું (copper) : તાંબાનાં સંયોજનો, જેવાં કે કૉપરસલ્ફેટ, કૉપરક્લોરાઇડ, કૉપર-સબ-ઍસિટેટ અને કૉપર-ઑક્સાઇડ જેવાં સંયોજનોનો છંટકાવ જંતુનાશક તરીકે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર અને મરઘાંનાં રહેઠાણોમાં કરવામાં આવે છે.

શરીરમાં તાંબાનો સંગ્રહ થાય છે અને ઊલટી થતાં પિત્ત વાટે તે બહાર નીકળે છે. રક્ત વાટે વૃક્કનળીઓમાં દાખલ થઈ તેને તે નુકસાન પહોંચાડે છે. તાંબાને લીધે લોહીનું શોષણ ઘટી જતાં ડુક્કર જેવાં પ્રાણીઓમાં પાંડુરોગ ઉદ્ભવે છે.

તાંબાની વિષાક્ત અસરો : શરીરમાં તાંબાનું પ્રમાણ વધવાથી પશુઓમાં ગભરામણ, ઊલટી, લાળ પડવી, અતિસાર, ઉદરશૂળ, તાણ, પક્ષાઘાત, કમળો જેવાં પીડાકારી લક્ષણો વરતાય છે. વળી પશુઓના મળમાં શ્ર્લેષ્મ-દ્રવ્ય અને ઘેરા લીલાશ પડતાં રંગદ્રવ્યો જોવા મળે છે. તીવ્ર અસરમાં નાનાં વાછરડાં અને પાડાં અરુચિ, જળોદર, કમળા વગેરે જેવા રોગનો ભોગ બને છે. ઘેટાં જેવાં પશુઓમાં નબળાઈ, અરુચિ, ધ્રુજારી, પેશાબ અને નાક દ્વારા રક્તસ્રાવ વગેરે જોવા મળે છે ને તેથી તેમની મૃત્યુ પામવાની શક્યતા વધે છે.

સારવાર : એમોનિયમ મોલિબ્ડેટ (100 મિ.ગ્રા.) અને સોડિયમ સલ્ફેટ (1 ગ્રા.) રોજિંદા મોં વાટે ખોરાકમાં આપવાથી ઘેટાં તાંબાની વિષકારક અસરથી મુક્ત થાય છે. ડી-પેનિસિલામાઇન તથા એમોનિયમ ટેટ્રા થાયૉમોલિબ્ડેટ (I/V) આપવાથી પેશાબ વાટે તાંબું શરીરની બહાર નીકળી જતા પશુ રાહત અનુભવે છે.

ફ્લૉરિન/ફ્લૉરાઇડ : ખોરાક અને પાણી દ્વારા ફ્લૉરિન શરીરમાં દાખલ થાય છે.

ફ્લોરોસ્પાર (CaF2), ફાયોલાઇટ (AlF3્ર3NaF), એપાટાઇટ અને રૉક ફૉસ્ફેટ જેવાં સંયોજનો પશુઓના શરીરમાં દાખલ થાય છે. ફ્લૉરાઇડની અસર શ્વસન સાથે સંકળાયેલા ઉત્સેચકો પર થતાં તેની વિપરીત અસર પ્રાણવાયુના શોષણ પર થાય છે. વળી ફ્લૉરાઇડનો સંગ્રહ અસ્થિ તેમજ દાંતમાં થતાં તેઓ અક્કડ બને છે.

વિષાક્તતા : ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, અમરેલી તથા કચ્છ વિસ્તારના પાણીમાં ફ્લૉરાઇડનું પ્રમાણ વધુ હોય છે. તેની તીવ્ર અસર હેઠળ પશુઓમાં ક્ષીણતા, નિર્બળતા, ઉદરશૂળ, પાચનમાર્ગની શોષણ-ખામી અને શ્વાસોચ્છ્વાસમાં અવરોધ જેવાં ચિહ્નો જોવા મળે છે. દીર્ઘકાલિક અસર (flurosis) હેઠળ શરીરમાં નિર્બળતા, ક્ષીણતા અને મંદાગ્નિ વગેરે થાય છે. અસ્થિભંગ, પાંડુરોગ, હાડકાંની અક્કડતા ને અતિસાર જેવા રોગોથી પશુઓ પીડાય છે.

સારવાર  : ફ્લૉરિનયુક્ત પાણી અથવા ખોરાક પશુ-આહારમાંથી દૂર કરવાથી; કૅલ્શિયમ / ફૉસ્ફરસ અને પ્રજીવક-ડી જેવાં દ્રવ્યો પશુ-આહારમાં પૂરતા પ્રમાણમાં જાળવવાની તકેદારી રાખવાથી પશુઓની સારવાર કરી શકાય છે. રોગપ્રતિબંધક ઉપચારમાં ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ (0.5 %) દ્રાવણનો પણ ઉપયોગ કરાય છે.

સીસું (Lead) : લાકડાં ઉપર લગાડેલ સીસાયુક્ત રંગો, ખોરાક-પાણીનાં રંગીન વાસણો તેમજ જૂના રંગવાળા ડબાઓના થતા વપરાશના કારણે, ઔદ્યોગિક સંકુલોની ઊડતી રજકણોથી પ્રદૂષિત થતા ગોચરને કારણે તેમજ સીસાયુક્ત જંતુનાશક ઘટકો અને દવા વગેરેને લીધે પશુઓમાં સીસું દાખલ થાય છે. મુખ વાટે દાખલ થતા સીસાનો સંગ્રહ યકૃત, મજ્જા અને વૃક્કમાં થાય છે. તેની વિપરીત અસરો કેટલાક દિવસો કે મહિનાઓ સુધી જોવા મળે છે.

ગાય-ભેંસોમાં ખાસ કરીને નાનાં વાછરડાં / પાડાંમાં સીસાની વિપરીત અસર હેઠળ ધ્રુજારી, દાઢના કકડાટ, મોં વાટે ફીણ બહાર આવવું, આંખનાં પોપચાં ઢળી જવાં, અંધત્વ, શરીરનું જકડાઈ જવું, તાણ આવવી, ઉશ્કેરાટપૂર્વક હુમલો કરવો અને ધનુર જેવી પરિસ્થિતિ ઉદ્ભવવી વગેરે થતાં પશુના મૃત્યુનું પ્રમાણ વધે છે. દીર્ઘકાલીન અસરોમાં અશક્તિ, અરુચિ, સાંધાનું જકડાઈ જવું, અતિસાર, ગર્ભપાત વગેરે જોવા મળે છે. ઘેટાં જેવાં પ્રાણીઓ ધનુરથી પીડાય છે. કૂતરાંઓમાં ઊલટી થવી, ઝાડા થવા, સ્નાયુઓમાં ખેંચ આવવી, ખિજાઈ જવું જેવાં ચિહ્નો જોવા મળે છે. ઘોડા અને ગધેડામાં અરુચિ, ઉદરશૂળ, સાંધાનું જકડાઈ જવું, અતિસાર અને શ્વાસોચ્છ્વાસ દરમિયાન તીણો અવાજ જેવાં લક્ષણો જોવા મળે છે.

સારવાર : શરીરમાંથી સીસાનો ત્યાગ થાય તેવા ઉપચારો યોજવામાં આવે છે. સોડિયમ સાઇટ્રેટ પોલિઍમાઇનો કાર્બોલિનિક ઍસિડ તથા ડાયગર ક્રેથોલ જેવી દવાના વપરાશથી રાહત અનુભવાય છે. મૅગ્નેશિયમ સલ્ફેટ અને કૅલ્શિયમ ઇથિલીન ડાયઍમાઇન ટેટ્રા એસિટિક ઍસિડ (Ca E.D.T.A) દવા સીસાની ઝેરી અસર સામે રાહત આપે છે. ગાય-ભેંસમાં આ દવા 73 મિગ્રા./કિગ્રા. શરીર-વજનદીઠ બેથી ત્રણ વખત જુદા જુદા ભાગ પાડી ત્રણથી પાંચ દિવસ આપી શકાય છે. કૂતરા માટે 1 %નું દ્રાવણ બનાવી 25 મિગ્રા./કિગ્રા. શરીર-વજન પ્રમાણે 5 % ડેક્ટ્રૉઝ શર્કરાના દ્રાવણ મારફતે દિવસમાં ચાર વખત આપી શકાય છે.

મોલિબ્ડેનમ : મોલિબ્ડેનમ ખનિજ દ્રવ્ય-યુક્ત જમીનમાં ઊગતી વનસ્પતિના પ્રાશનથી તેની વિષજન્ય અસર જોવા મળે છે. આ ખનિજ-તત્વને લીધે પુખ્ત પશુ અતિસાર, નબળાઈ અને આંખ આગળના વાળના પળિયાપણાથી પીડાય છે. નવા વાછરડા જેવાં પશુઓમાં સાંધાનો દુખાવો, હલનચલનમાં તકલીફ તથા દૂબળાપણું જેવાં ચિહ્નો બતાવે છે.

સારવાર : ખોરાકમાં કૉપર સલ્ફેટ મેળવી (1.0થી 2.0 ગ્રામ) પશુઓને આપવામાં આવે છે.

મીઠું (સોડિયમ અને ક્લોરિન) : ગાય, ભેંસ, ડુક્કર તથા મરઘાંને પાણીની અછત દરમિયાન વધુ પ્રમાણમાં મીઠાનો વપરાશ હાનિકારક નીવડે છે. તેની વિપરીત અસરને કારણે ઉપર્યુક્ત પશુઓમાં અતિસાર, ઉદરશૂળ, અરુચિ, અંધાપો, ધ્રુજારી, પક્ષાઘાત વગેરે ચિહ્નો જોવા મળે છે. દીર્ઘકાલીન અસરોમાં અરુચિ, વજનમાં ઘટાડો નબળાઈ અને શરીરમાં ત્રુટિઓતાણ જેવી અસરનો સમાવેશ થાય છે. ડુક્કરમાં ચેતાતંત્રને લગતાં ચિહ્નો જોવા મળે છે; જ્યારે મરઘાંઓ તરસ, અશક્તિ, અતિસાર અને નબળાઈથી પીડાય છે.

સારવાર : પશુઓને ખૂબ પાણી પિવડાવવામાં આવે છે. વળી ખોરાક વાટે ગ્લુકોઝ-શર્કરા આપવાથી તેમને રાહત થાય છે.

સેલેનિયમ : ઓનોસિસ સ્ટેનલિયા જેવી વનસ્પતિના વધુ પડતા પ્રાશનથી શરીરમાં સેલેનિયમનું પ્રમાણ વધે છે. તેની અસર હેઠળ પશુઓમાં આફરો, ઉદરશૂળ, અતિસાર, બહુમૂત્રતા, તાવ, શ્વાસોચ્છ્વાસમાં તકલીફ, શ્ર્લેષ્મ ત્વચામાં ભૂરાશ (cyanosis) જેવાં ચિહ્નો જોવા મળે છે. સમય જતાં પશુની દૃદૃષ્ટિ ઝાંખી બને છે અને તે પશુ ગોળ ચક્કર ફરે છે. વળી ઉદરશૂળ, પક્ષાઘાત અને શ્વસનપાતને લીધે પશુ મૃત્યુ પામે છે. ડુક્કર જેવાં પશુઓમાં ચેતાતંત્રની ઉત્તેજિતતા, પક્ષાઘાત અને ચારેય પગમાં લકવો જોવા મળે છે. રોગિષ્ઠ પશુ અન્ય પ્રાણી ઉપર હુમલો કરે છે. મરઘાં પાંડુ-રોગથી પીડાય છે, તેમનું શરીર જકડાય છે અને ઈંડાંના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

સારવાર : મૅગ્નેશિયમ સલ્ફેટ મોં વાટે આપવાથી સેલેનિયમનું વિષાક્તપણું ઘટે છે.

એમોનિયા : તૃણભક્ષી પ્રાણીઓમાં યુરિયા જેવો એમોનિયમયુક્ત ખોરાક જામી જવાથી તેમજ મરઘાંઓમાં તેની હગારમાંથી એમોનિયા છૂટો પડવાથી તે તૃણભક્ષી પ્રાણીઓને હાનિ થાય છે. તેની અસરથી પશુઓમાં લાળ પડવી, ઉદરશૂળ, ધ્રુજારી, અસમતોલપણું, શ્વસનતંત્રમાં શ્વાસ લેવાની તકલીફ, સ્નાયુખેંચ અને ભાંભરવું જેવાં ચિહ્નો જોવા મળે છે. મરઘાંમાં એથી આંખો આવવી, સોજો આવવો, પ્રકાશ સહન ન કરવો વગેરે ચિહ્નો દેખાય છે.

સારવાર : મોં વાટે ગ્લુકોઝ, શર્કરા તેમજ એસિટિક ઍસિડનું 2થી 3 લિટર દ્રાવણ આપવામાં આવે છે. તેમાં કૅલ્શિયમ બોરોગ્લુકોનેટ દવા તેમજ શલ્યક્રિયા વગેરે દ્વારા પેટમાંનો મળ દૂર કરવાથી એમોનિયાનું વિષપણું નિયંત્રણમાં આવે છે.

(2) જંતુનાશક દવાઓના સંસર્ગથી કાર્બનિક સંયોજનવાળા જંતુનાશક કે કીટકનાશકો મૂળભૂત રીતે નીચેના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :  (i) ક્લોરિનેટેડ હાઇડ્રૉકાર્બન સમૂહ, (ii) ઑર્ગેનો-ફૉસ્ફેટ સમૂહ, (iii) કાર્બામેટ સમૂહ, (iv) અન્ય સમૂહ.

છેલ્લાં 50 વર્ષમાં કાર્બનિક જંતુનાશકોમાં ઉત્તરોત્તર નવાં સંયોજનો ઉમેરાતાં ગયાં છે. પસંદગીનાં જંતુનાશકો શોધાયા છતાં ઘણાં રાસાયણિક સંયોજનો આડઅસર તરીકે પાણી અને ખોરાકને દૂષિત બનાવે છે અને તેથી પશુઓ વિવિધ વ્યાધિના ભોગ બને છે. આ સમૂહો પૈકીનાં કેટલાંક રાસાયણિક સંયોજનોની વિષકારકતા અત્રે દર્શાવી છે.

આલ્ફા નૅફ્થાઇલ થાયોયુરિયા (ANTU) : આ ઉંદરનાશક દવા છે. ખોરાક સાથે પશુઓના શરીરમાં દાખલ થવાથી પશુઓ નબળાઈ અનુભવે છે અને ધ્રુજારી, પક્ષાઘાત તથા તાણ જેવાં ચિહ્નો બતાવે છે.

સારવાર : એટ્રોપિન સલ્ફેટ દવા વડે વમન દ્વારા ઉપર્યુક્ત વિષનો નિકાલ થાય છે.

ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન : ડી.ડી.ટી., B.H.C., ગૅમેક્સિન, એલ્ડ્રીન, એન્ડ્રીન, ડાયએલ્ડ્રીન, ક્લોરડેન હેપ્ટાક્લોર, એન્ડોસલ્ફાન, ટૉક્સોફેન લિન્ડેન વગેરે કીટકનાશક દવાઓ આ સમૂહની છે. તેની પશ્ર્ચાદ્વર્તી અસરો લાંબા સમય સુધી ટકી રહેવાને કારણે આ દવાઓથી પ્રદૂષિત થયેલ ખોરાક કે પાણી પાળેલાં પ્રાણીઓ માટે જોખમકારક બની રહે છે. આ વિષકારક દવાઓ ખોરાક વાટે દાખલ થતાં તે ચરબીમાં સંઘરાય છે. તેની વિષાક્ત અસરોમાં સ્નાયુખેંચ, ધ્રુજારી, તાવ, કારણ વગર દોડાદોડ, ઊલટી થવી, ફીણ આવવું, આંખોના ડોળા ચઢી જવા વગેરે ચિહ્નો જોવા મળે છે. વળી શ્વસનક્રિયામાં તકલીફ નિર્માણ થતાં ક્યારેક પશુ મૃત્યુ પણ પામે છે.

સારવાર : તાણ ઓછી કરે તેવાં ઔષધો, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ તેમજ ઠંડા પાણીના છંટકાવને લીધે તકલીફનું પ્રમાણ ઘટે છે. પૅરેફિન, એનિમા, ઍક્ટિવેટેડ ચારકોલ આપવાથી શરીરમાંથી ઉપર્યુક્ત કીટકનાશક દવાઓની અસર નાબૂદ થાય છે. આ દવાઓનો છંટકાવ કરનારાએ પશુઓના સ્વાસ્થ્યની સાથોસાથ પોતાનું સ્વાસ્થ્ય પણ સંભાળવું જરૂરી હોય છે. આ સમૂહની દવાઓ સ્વાસ્થ્યને હાનિકર્તા હોવાથી હવે તેમના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જરૂર પડે ત્યાં વાપરવા માટે તેની સાંદ્રતા ઘટાડી દેવામાં આવી છે.

ઑર્ગેનોફૉસ્ફેટ સમૂહ : આ શ્રેણીનાં કીટકનાશી રસાયણોની પ્રથમ શોધ જર્મનીમાં થઈ. બીજા વિશ્વયુદ્ધ બાદ આ ઉત્પાદનો બજારમાં આવવા માંડ્યાં. આ સમૂહમાં ટેટ્રાઇથિલ પાયરોફૉસ્ફેટ (TEPP), ડાયેઝિનોન મેલેથિયોન, ટ્રાઇક્લોરોફૉસ, ડાઇક્લોરવૉસ (Dichlorvos બજારમાં નુવાન તરીકે ઓળખાય છે.), કાઉમફૉસ, ફેનીટ્રોથાયૉન, હેલોક્ઝોન, લૅપ્ટોફૉસ વગેરેનો સમાવેશ થાય છે. આ કીટકનાશકો પશુશરીરમાં કોલીનેસ્ટરેઝ ઘટકોને (સ્રાવને) અટકાવી દેતાં તેમને વિષાક્ત અસરો પમાડે છે.

વિષાક્ત અસરો : લાળ પડવી, ઊલટી થવી, અતિસાર, બહુમૂત્રતા, પરસેવો વળવો, ઉદરશૂળ, કીકીનું સંકોચન, સ્નાયુખેંચ, ધ્રુજારી, પક્ષાઘાત અને જીભનું બહાર નીકળી જવું જેવાં ચિહ્નો પશુઓમાં દેખાય છે. ક્યારેક પ્રાણી મૃત્યુ પણ પામે છે.

સારવાર : એટ્રોપિન અને પાયરીડિન આલ્ડોઝાઇમ મિથીડોડાઇડ (PAM) દવા વડે ઑર્ગેનોફૉસ્ફેટનું વિષારીપણું અટકાવી શકાય છે.

કાર્બામેટ સમૂહ : આ શ્રેણીની જીવાત કે કીટકનાશકો સસ્તન પ્રાણીઓને ઓછાં જોખમકારક છે, છતાં આલ્ડિકાર્બ, કાર્બોરાઇલ, કાર્બોફ્યુજન જેવા કાર્બામેટ ધરાવતા જીવાતનાશકોના સંસર્ગમાં આવવાથી તેઓ પશુઓ માટે ઘાતક નીવડે છે.

સારવાર : એટ્રોપિન સલ્ફેટ આપવાથી તેની વિપરીત અસર નિયંત્રણમાં આવે છે.

ઝિંકફૉસ્ફાઇડ : કાર્બાઇડયુક્ત ઉંદરનાશક દવાઓ ફૉસ્ફીન જેવા વાયુના સંપર્કથી પશુઓ ઝિંકફૉસ્ફાઇડનો ભોગ બને છે. આ સંયોજન પશુઓ માટે અત્યંત ઘાતક નીવડે છે અને પશુઓ પરેશાન થઈ બે દિવસની અંદર મૃત્યુ પામે છે.

સારવાર : મૅગ્નેશિયમ સલ્ફેટના 40 % દ્રાવણને ઔષધ રૂપે આપવાથી મૃત્યુપ્રમાણમાં ઘટાડો થઈ શકે છે.

(3) વનસ્પતિજન્ય વિષકારક દ્રવ્યો : 170 કુળોની લગભગ 2,000 જાતિઓની વનસ્પતિ કીટકનાશક ક્ષમતા ધરાવે છે; તે પૈકીની કેટલીક વનસ્પતિ મનુષ્ય અને પાળેલાં પ્રાણીઓમાં વિષકારકતા માટે જવાબદાર છે. સપુષ્પ વનસ્પતિ ઉપરાંત શેવાળ (આલ્ગી) અને ફૂગ(ફંજાઈ)માં પણ જોખમકારક વિષ-દ્રવ્યો મળી આવે છે. પશુઓને હાનિકારક સપુષ્પ વનસ્પતિ અને શેવાળ(આલ્ગી)ની વિષજન્યતા નીચે મુજબ છે :

ઉદા., ચણોઠી (એબ્રેસ પ્રિકેટોરિયસ) : ચણોઠીનો પાઉડર ખોરાકમાં લેવાથી લાળ પડવી, સ્નાયુઓનું જકડાઈ જવું, ધ્રુજારી જેવી પીડા પ્રાણી અનુભવે છે.

ગાંડા બાવળ (પ્રોઝોપિસ જુલીફ્લોરા) : તે ફલ્યુરો એસિટેટ અને સાઇનાઇડ જેવા ઘટકો ધરાવતા હોઈ પશુઓના ખાવામાં આવતાં તેઓ પીડાય છે અને કોઈ વાર મરી પણ જાય છે.

એરંડાનું બીજ : દિવેલના બીજમાં આવેલા રીસીન જેવા ઘટકોને લીધે ચેતાતંત્ર પર વિષાક્ત અસર થતાં પશુઓમાં નબળાઈ, ધનુર જેવાં ચિહ્નો, લોહીયુક્ત ઝાડા, ઉદરશૂળ તથા પક્ષાઘાત જેવાં ચિહ્નો ઘોડા, ગાય, ભેંસ, કૂતરાં, મરઘાં વગેરે પ્રાણીઓ અને પક્ષીઓમાં દેખા દે છે.

સારવાર : એન્ટિસીરમ કે એટ્રોપિન દવા વડે બીજની વિષાક્ત અસરનું નિયંત્રણ થાય છે.

કપાસબીજનો ખોળ : કપાસમાં રહેલા ગોસીપોલ નામના વિષજન્ય ઘટકથી પશુઓમાં અરુચિ, ગભરામણ, પેશાબ વાટે લોહી પડવું તથા સોજા આવવા જેવાં વિષાક્ત ચિહ્નો જણાય છે.

સારવાર : કપાસિયાના ખોળને બાફીને ખોરાકમાં આપવાથી તેમજ 1 % કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ (1 %) અને ફેરસ સલ્ફેટ(0.1 %)નો છંટકાવ ખોળ પર કરવાથી વિષજન્ય ઘટક નાશ પામે છે.

ધંતૂરો : ધંતૂરાના છોડમાં એટ્રોપિન, હાયોસાઇન તથા હાયોસાયમાન નામના ઍલ્કેલૉઇડ ઘટકો હોય છે, જેમની વિષાક્ત અસર ગાય, ભેંસ, ઘોડા, ઘેટાં-બકરાં તથા ડુક્કર જેવાં પ્રાણીઓ પર થાય છે. તેને લીધે આંખોની કીકી પહોળી થઈ જવી, લથડિયાં ખાવાં, ધ્રુજારી અનુભવવી, બહુમૂત્રતા, વધુ પડતો શ્વાસોચ્છ્વાસ તથા હૃદયની તેજ ગતિ, અતિસંવેદનશીલતા, મૂર્છા, અતિસાર જેવાં ચિહ્નો જોવા મળે છે અને આખરે પ્રાણી મૃત્યુ પામે છે.

કરેણ (ઑલિયેન્ડર) : પીળી કરેણનાં પાંદડાં અને બીજ ઑલિઍન્ડ્રોસાઇડ તથા નેરિયોસાઇડ નામનાં ગ્લાયકોસાઇડો જેવાં વિષ-ઘટકો ધરાવે છે.

સારવાર : એટ્રોપિન તથા પ્રોપેનોલોલ આપવાથી ઝેરની અસર નાબૂદ કરી શકાય છે. પશુમાં 30થી 60 ગ્રામનું પ્રમાણ ઝેરી અસર કે મૃત્યુ લાવવા માટે પૂરતું થાય છે. વિષાક્તતાનાં ચિહ્નો અન્ય વિષને મળતાં આવે છે.

ડુંગળી : લણણી કરેલ ડુંગળીમાં n-પ્રોપાઇલ ડાયસલ્ફાઇડ જેવાં વિષયુક્ત ઘટકો હોય છે. તેની અસરથી પેશાબમાં લોહી આવવું, પાંડુરોગ, કમળો તથા રક્તકણોમાં ખામી જેવાં ચિહ્નો જોવા મળે છે.

તમાકુ : તમાકુમાં રહેલા નિકોટિન જેવાં ઘટકોની ઝેરી અસરથી પશુઓમાં પગની અસ્થિરતા તથા ગર્ભધારણ કરેલાં પશુઓમાં બચ્ચાંની વિકૃતિ જેવાં લક્ષણો જોવામાં આવ્યાં છે.

નીંદણયુક્ત વનસ્પતિ (weeds) : લેન્ટાના કૉંગ્રેસ ગ્રાસ, ક્રોટોલારિયા, ઇડિયમ, માયોપોરમ, સેનેસિયો વગેરે ખેતરના શેઢે ઊગતી નીંદણયુક્ત વનસ્પતિઓ પણ પશુઓમાં યકૃતની બીમારી ફેલાવે છે. તેથી પશુઓ ફોટોસેન્સિટાઇઝેશન(સૂર્યપ્રકાશની અતિતીવ્રતાની સંવેદનશીલતા)નાં ચિહ્નો જેવાં કે, ચામડી ઉપર ચકામાં પડી જવાં, ખંજવાળ આવવી, ચામડીનો ભાગ કાળો પડી જવો કે ખરી જવો, કમળો થવો અથવા અન્ય જીવાણુજન્ય રોગોમાં વધારો થવો વગેરે બતાવે છે.

સાયનાઇડ (cynide) : ઘણી વનસ્પતિઓ સાયનાઇડ જેવા ઘટકો ધરાવે છે. એમાયગ્લેડીન (કડવી બદામ, જંગલી ચેરી), ધુરીન (જુવાર), લીનામેરીન (સરસવ), ઉંદરનાશક દવાઓ તથા ચીનોપોડિયમ, બાવળ, કમળ, ગળી, કરેણ, પીચ, સફરજન, મકાઈ જેવામાં આ ઘટક મળી આવે છે. ખોરાક વાટે આ પદાર્થો શરીરમાં પ્રવેશવાથી તેનું અવસરણ અને અવશોષણ થાય છે. આ વિષથી શરીરકોષોમાં ઑક્સિજનનું વહન અટકી જાય છે અને તેથી પ્રાણીને શ્વાસ લેવામાં તકલીફ, ધ્રુજારી, લાળ પડવી, ઉદરશૂળ, લાલ આંખ વગેરે લક્ષણો જણાય છે અને પ્રાણી તુરત મૃત્યુ પામે છે.

સારવાર : નીલાન્ત ક્ષેપ(IV)થી સોડિયમ નાઇટ્રાઇટ (15થી 25 મિગ્રા./કિગ્રા.) આપવું અને સોડિયમ થાયોસલ્ફેટ (1.25 ગ્રામ), આલ્ફા કીટો ગ્લુટારિક ઍસિડ અને ફૂલ વગરની લીલી જુવારનું ચારણ (નીરવું) બંધ કરવાથી વિષાક્ત અસર જોવા મળતી નથી.

બ્રેકન ફર્ન : ફર્નમાં (હંસરાજની જાત) આવેલા સાઇનોજિનિક ગ્લાયકોસાઇડ જેવા ઘટકો દ્વારા, અશ્વ, ગાય, ભેંસ તથા ઘેટાંના સ્નાયુઓમાં ધ્રુજારી, ખેંચ, પક્ષાઘાત, પાંડુરોગ જેવાં લક્ષણો પેદા થાય છે.

સારવાર : દરરોજ 100 મિગ્રા. થાયમીન આપવાથી તેનું વિષ દૂર કરી શકાય છે.

લીલ / સેવાળ (Algae) : માઇક્રોસિસ્ટિસ, એનાબીના, એફાનિઝોમેન (બ્લૂ-ગ્રીન આલ્ગી) જેવી જલજ વનસ્પતિઓમાં કેટલાંક ઝેરી ઘટકો આવેલાં છે. પશુઓ તે ખાય કે દૂષિત પાણી પીએ તો તેથી તેમનામાં તાણ, ફીણ વળવું, ઉદરશૂળ, ધ્રુજારી જેવાં વ્યાધિ લક્ષણો જોવા મળે છે.

સારવાર : ઍક્ટિવેટેડ ચારકોલ, કૅલ્શિયમ-મૅગ્નેશિયમ, ગ્લુકોઝ, શર્કરા વગેરેથી પ્રાણી રાહત અનુભવે છે.

(4) ફૂગજન્ય (fungal) વિષકર દ્રવ્યો : ફૂગ બૅક્ટેરિયા અને વાયરસ વિષજન્ય રોગો પેદા કરવાને સક્ષમ છે. બૅક્ટેરિયા સામાન્ય રીતે તટસ્થ માધ્યમ(pH 7)ની આસપાસ પ્રવાહી કે ઘન ખોરાકને દૂષિત કરી શકે છે; જ્યારે ફૂગ (તેની વિવિધ જાતો) સકાર્બનિક તેજાબો(pH-7થી નીચે)નાં માધ્યમોમાં પણ પ્રક્રિયા કરવાને સક્ષમ હોય છે. પરિણામે જે માધ્યમમાં બૅક્ટેરિયા ટકી શકતાં નથી તે માધ્યમમાં ફૂગ ચયાપચય ક્રિયા વડે તેજાબોનું વિઘટન કરી CO2 અને પાણી ઉત્પન્ન કરે છે. આવા માધ્યમમાં પછી બૅક્ટેરિયા તેની ચયાપચય ક્રિયાઓ કરવાને સક્ષમ બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય ઘણા ફૂગજન્ય રોગોના ભોગ બને છે. ક્યારેક ઔષધિવિજ્ઞાનપદ્ધતિ તેનું સંપૂર્ણ નિયંત્રણ કરવાને અસમર્થ નીવડે છે; ઉદા., દાદર, ખરજવું જેવા ચામડીના રોગો.

માઇકો ટૉક્સિકોસિર (ફૂગજન્ય રોગ) : જુવારના જૂના પૂળા કે પાન્હુર (છૂટા ભાગો) ક્યારેક એસ્પરજિલસ, પેનિસિલિયમ, કુલકુલારિયા તથા બ્રોટિયો ડિપ્લોઇડા જેવી ફૂગ ધરાવતા હોય છે. ડાંગરના પરાળમાં પણ ફૂગજન્ય ઘટકો મળી આવે છે. આ ફૂગમાં ઍફ્લાટોક્સિન, સિટ્રનિન, ઓકેરોટૉક્સિન તથા પેનિસિલિક ઍસિડ જેવા વિષકારક ઘટકો જોવા મળે છે. આ ઘટકોથી પશુઓમાં ‘ડગનાલાશોથ’ નામનો રોગ પેદા થાય છે. આ વિષાક્ત દ્રવ્યોથી ચામડીના રોગો, યકૃત, વૃક્ક તથા ઉદરને લગતા રોગો વગેરે જોવા મળે છે. આનાથી ગર્ભધારણ કરેલ પશુઓમાં ગર્ભપાત પણ નોંધાયેલ છે.

અટકાવ : પશુઆહારમાં ફૂગ ન થાય તેવી કાળજી રાખવી જરૂરી છે. વળી ખોરાકની ફેરબદલી કરવાનું, શરીરનું નિયમન કરવાનું તથા પશુઓને ફૂગયુક્ત દૂષિત ખોરાક ન અપાય તેની તકેદારી પણ જરૂરી છે.

અફલા ટૉક્સિકોસિસ (ફૂગજન્ય રોગનો એક બીજો પ્રકાર) : દાણ-મગફળી કે મગફળીનાં ફોતરાં, ગોતર, કપાસિયાનો ખોળ, મકાઈ, મકાઈનું ભૂંસું, ઘઉં, જવ, ઓટ, ડાંગર વગેરે જેવા પશુઆહારને ભેજવાળી જગ્યામાં રાખવાથી એસ્પરજિલસ ફલેવસ તથા એસ્પરજિલસ પેરાસિટિક્સ નામની ફૂગ ચોંટે છે. આ ફૂગનું ઍક્લાટૉક્સિન્સ નામના વિષદ્રવ્યથી પશુઓમાં અફલા ટૉક્સિકોસિસ નામનો રોગ લાગુ પડે છે; આ વિષ કૅન્સર જેવાં તત્ત્વો ધરાવતું  ‘યકૃતવિષકર’ છે. તેનાથી યકૃતની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. તેતર, બતક કે સસલાં, કૂતરાં, બિલાડી, ડુક્કર વગેરેમાં પક્ષી-પ્રાણીઓમાં જલદતા (ઝડપી પ્રક્રિયા) અને વિષકારક અસરો વધારે વરતાય છે. જ્યારે ઘોડા, ગાય, ભેંસ, ઘેટાંબકરાં વગેરેમાં જલદતા અને વિષકારકતા સહેજ ઓછી વરતાય છે. આની અસરને કારણે પશુઓ ખોરાક પ્રત્યે અરુચિ દર્શાવે છે. તેમનામાં શ્ર્લેષ્મસ્રાવ, પાંડુરોગ, મોં અને ગુદા દ્વારા લોહીસ્રાવ તથા સ્નાયુખેંચ વગેરે ચિહ્નો મુખ્યત્વે જોવા મળે છે.

સારવાર : પશુઓને હંમેશાં સ્વચ્છ ખોરાક આપવો જરૂરી છે. ખોરાક બદલવા તથા ચિહ્નો પ્રમાણે સારવાર આપવા સાથે જરૂરી વિટામિનો તથા ઍમિનૉઍસિડ વગેરે પણ ઉપયોગમાં લેવા ઇષ્ટ છે. ખોરાકમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોય તે પ્રત્યે ધ્યાન રાખવું હિતાવહ છે.

એગૉર્ટિઝમ (Ergotism) : ક્લેવિસેપ્સ પરપુરિયા (cleviceps purpuria) નામની ફૂગ જંગલી ઘાસ, રાઈ, ઓટ (Rye, oat) તથા જવ (બાર્લી) પર ઊગે છે; જેનાથી તેમાં રહેલા અર્ગટેમાઇન તથા આર્ગૉંટૉક્સિન નામનાં વિષકારક દ્રવ્યો પશુઓમાં ચેતાતંત્રને લગતા રોગો પેદા કરે છે. તેનાથી ઉદરશૂળ, અતિસાર, વમન, ગર્ભપાત જેવી અસરો થાય છે. દીર્ઘકાલીન અસરોમાં પગની નીચેના ભાગમાં તેમજ કાન કે પૂંછડી જેવા શરીરના ભાગોમાં સોજો આવે છે અને શરીર ઠંડું પડી જાય છે.

અટકાવ : આ રોગમાં પશુઓને ફૂગજન્ય ખોરાક ન અપાય તે હિતાવહ છે.

ડગનાલા વ્યાધિ : ડાંગરના પરાળ ઉપર ઊગતી એસ્પરજિલસ, ફ્યુઝેરિયમ, પેનિસિલિયમ, રાઇઝોપસ તથા ટ્રાયકોથેસિયમ જેવી ફૂગથી પશુઓમાં પક્ષાઘાત, અશક્તિ, પગના સોજા, આંચળ, કાનની અણીઓ તથા ખરીઓના ઉપરના ભાગમાં સોજો, કાળાશ આવવી તથા તેવા ભાગો ખરી પડવા વગેરે ચિહ્નો જોવા મળે છે. આને કારણે પશુઓમાં જલોદર, ચામડીની રુક્ષતા તથા બરછટપણું વગેરે જોવા મળે છે.

(5) ઝેરી જીવજંતુ કે જનાવરના કરડવાથી : સાપ, વીંછી, મધમાખી વગેરેના કરડવાથી અગર ડંખથી મનુષ્ય અને અન્ય પ્રાણીઓને તેમના ઝેરને કારણે પરેશાની કે વ્યાધિ થાય છે. ઝેરની તીવ્રતાના કારણે અને સમયસરની સારવારના અભાવે અસરગ્રસ્ત પ્રાણી મૃત્યુ પણ પામે છે.

સર્પદંશ : પ્રાણીઓ અકસ્માતે તેમના લોહીમાં ઝેરી સર્પના દંશથી વિષ ફેલાવવાથી મૃત્યુ પામે છે. ભારતમાં મુખ્યત્વે ચાર જાતના સર્પો ઝેરી છે : નાગ, ખડચીતરો, ફૂરસા અને કાળોતરો (krait). દરિયાઈ સર્પોમાં પરવાળાનો સાપ (કોરલ સ્નેક) પણ ઝેરી છે. સર્પદંશનું ઝેર બે પ્રકારનું હોય છે : (1) રુધિર-વિષકારક અને (2) ચેતાતંત્ર-વિષકારક. ખડચીતરો અને ફૂરસાનો દંશ રુધિરાભિસરણતંત્રને અસર કરે છે; જ્યારે નાગ અને કાળોતરાનું ઝેર ચેતાતંત્ર ઉપર અસર કરે છે. લોહી ઉપર અસર કરનાર ઝેરને કારણે રક્તકણો ફાટી જાય છે. લોહી ગંઠાઈ જવાની ક્રિયા બંધ પડે છે. ખડચીતરો કે ફૂરસા કરડવાથી ડંખના ભાગની ચામડી સડવા માંડે છે. ચામડી કાળી પડી જાય છે. ચેતાતંત્ર ઉપર અસર કરનાર ઝેરથી પ્રાણી (મનુષ્ય પણ) અર્ધ-બેભાન બની નિદ્રાવશ થાય છે.

સારવાર : સર્પદંશ પામેલા પ્રાણીને વહેલી તકે પશુચિકિત્સાલયમાં લઈ જઈ સર્પવિષની પ્રતિઅવરોધક રસી મુકાવવી જરૂરી હોય છે. કેવા પ્રકારના સર્પનો દંશ છે તે નક્કી ન થાય તો તેને polyvalent antivenumની રસી મૂકવામાં આવે છે, જેથી કોઈ પણ પ્રકારના વિષનું શમન શક્ય બને.

જંતુ કરડવું / કીટક કે જીવાતોનો દંશ (ડંખ) : મધમાખી, ભમરી, કાંડરે જેવા કીટકો પશુઓને ડંખ મારતા હોય છે. આ ડંખોમાં હિસ્ટેમાઇન, ફૉસ્ફૉલાયપેઝ, હાયલ્યુરોનિડેઝ, એપામાઇન, મેલિટીન, 5-હાઇડ્રૉક્સિ ટેટ્રાએમાઇન (5-HT) તથા કાયનીન જેવાં વિષ હોય છે. જંતુ(જીવાત)ડંખથી કરડવાવાળા ભાગમાં ચામડી લાલાશવાળી બને છે. તે ભાગમાં બળતરા તથા દુખાવો થાય છે; ચામડી અતિ સંવેદનશીલ બને છે. કેટલાકમાં ડંખની ઍલર્જી ઉત્પન્ન થાય છે. ક્વચિત્ મૃત્યુ પણ સંભવે છે.

સારવાર : ઍન્ટિહિસ્ટેમાઇનિક ઔષધિઓ દ્વારા તથા મંદ આલ્કલીય અને અમ્લીય દ્રાવણોને ડંખ ઉપર ચોપડવાથી રાહત મળે છે.

ટીક પૅરાલિસિસ : ચાંચડ, જૂ વગેરેનો દંશ : પશુઓમાં જોવા મળતી બગાઈ, કથીરી વગેરે જંતુઓ (અષ્ટપાદી) કરડવાથી વિષાક્ત અસર થાય છે. ઘોડાનાં બચ્ચાં (વછેરાં), પાડા, બોતડાં (ઊંટનાં બચ્ચાં), ઘેટાં, બકરાં તથા કૂતરાં જેવા વર્ગનાં પ્રાણીઓને માદા-ચાંચડ કરડવાથી કોઈ વાર પાછલા પગમાં લકવો થાય છે. અશક્તિ, ચક્કર આવવાં, ડોળા ફરવા, શ્વાસોચ્છ્વાસમાં  તકલીફ થવી જેવાં ચિહ્નો જોવા મળે છે. ક્વચિત્ મૃત્યુનો બનાવ પણ બની શકે છે.

સારવાર : પશુઓના શરીર ઉપરથી આવી ઉપદ્રવકારક જીવાતોને દૂર કરવા જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. વળી સીરમ ઔષધિઓનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થતો જોવા મળે છે.

(6) બૅક્ટેરિયા, વાયરસ અને પ્રજીવોની ઝેરી અસરથી થતા રોગો : પશુઓમાં બૅક્ટેરિયાથી (1) ગળસૂંઢો, (2) કાળિયો તાવ, (3) ક્ષય, (4) ગાંડિયો તાવ, (5) થાનનો સોજો અને (6) ધનુર્વા જેવા રોગો થાય છે.

વાયરસથી થતા રોગોમાં (1) ખરવાસો-મોવાસો, (2) બળિયા (માતા) અને (3) શીતળા મુખ્ય છે.

પ્રજીવો દ્વારા – ટ્રાયપેનોસોમા સુરા દ્વારા મગજની બીમારીનો ભયંકર રોગ ફેલાઈ શકે છે. મરઘાંને કૉક્સિડાયોસિસ જેવા રોગો ઉત્પન્ન થાય છે. ઉપચારમાં મીઠાનું પાણી પીવા માટે અપાય છે. ત્યારબાદ 7 દિવસ 1 લિટર પાણીમાં 1 ચમચો સલ્ફામિથેઝાઇન દવા નાંખીને પાવામાં આવે છે.

સારવાર : ચેપી રોગના ઉપાયો જે તે રોગના પ્રકાર અને તબક્કા મુજબ પશુચિકિત્સકના નિરીક્ષણ હેઠળ જ યોજાય એ ઇષ્ટ છે.

રાજેશભાઈ જાની

રા. ય. ગુપ્તે